Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

હનુમાનજીની ત્રણ મૂર્તિ એક શખ્સે ખંડિત કરી નાખી!

ગરમીના પ્રકોપથી ત્રસ્ત વ્યક્તિ ભગવાનથી નારાજ : પૂજારીએ કાકરોલા અને ખાતે આસપાસ આવેલા ત્રણ મંદિરમાં હનુમાનની મૂર્તિને ખંડિત થયેલી જોઈ હતી

નવી દિલ્હી,તા.૧૫ : ચોમાસાની વિદાય બાદ હાલ દેશમાં ઉનાળો ચાલી રહ્યો છે. ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે. આ દરમિયાન દિલ્હીમાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. દક્ષિણ-પૂર્વ દિલ્હીના કાકરોલા ગામ ખાતેથી એક વ્યક્તિની હનુમાનજીની મૂર્તિઓને ખંડિત કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ૫૦ વર્ષીય મહેશ મોચી કામ કરે છે. મહેશ ભરત વિહાર જે જે કોલોની ખાતે રહે છે. સતત વધી રહેલા તાપમાન અને વરસાદની અનિશ્ચિતતાને કારણે તે ભગવાનથી નારાજ હતો. આ કારણે જ તેણે હનુમાનની મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું! પૂજારીએ કાકરોલા અને ખાતે આસપાસ આવેલા ત્રણ મંદિરમાં હનુમાનની મૂર્તિને ખંડિત થયેલી જોઈ હતી. જે બાદમાં તેમણે આ અંગે ફરિયાદ દાખલ કરી હતી.

તપાસ દરમિયાન મહેશે મૂર્તિઓ ખંડિત કરી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને સવારે ફોન આવ્યો હતો કે કાકરોલા ગામ ખાતે ત્રણ જગ્યાએ હનુમાનજીની મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ધરપકડ બાદ મહેશની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપી ભગવાનથી ખૂબ નારાજ હતો. તેના મતે દિવસેને દિવસે ગરમી વધી રહી છે. સાથે જ તેણે એવું પણ જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદ પણ નથી પડી રહ્યો. બનાવને પગલે સ્થાનિક નિવાસીઓ,

સ્થાનિક નેતાઓ અને બજરંગ દળના કાર્યકરો એકઠા થઈ ગયા હતા અને રસ્તો જામ કરી દીધો હતો. પોલીસની સમજાવટ બાદ લોકોએ રસ્તો ખોલ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સમજાવટ બાદ તમામ લોકો રસ્તા પરથી હટ્યા હતા અને ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે આરોપી સામે આઈપીસી કલમ ૨૯૫ અને ૨૯૫-છ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત મૂર્તિઓ ખંડિત કરવામાં વપરાયેલી કુહાડી પણ પોલીસ જપ્ત કરી છે.

(12:00 am IST)