Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

અફઘાનિસ્તાનમાં સૌથી લાંબી લડાઈને સમાપ્ત કરતું અમેરિકા

અમેરિકાની પ્રજાને બાઈડને સંબોધન કર્યું : અમેરિકા અફઘાનિસ્તાનમાંથી નીકળવામાં કોઈ ઉતાવળ નહીં કરે, રાજદ્વારી અને માનવીયતાનું કાર્ય ચાલુ રાખશે

નવી દિલ્હી, તા. ૧૫ : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને બુધવારે કહ્યું કે, આ અફઘાનિસ્તાનમાં અમેરિકાની સૌથી લાંબી લડાઈના સમાપનનો સમય છે અને આ એક એવી જવાબદારી છે જેને તેઓ પોતાના ઉત્તરાધિકારી પર છોડવાનું નથી ઈચ્છતા. બાઈડને બુધવારે પોતાના દેશની જનતાને સંબોધતા કહ્યું કે, અમેરિકા આ યુદ્ધમાં સતત સંસાધનો પૂરા ન પાડી શકે.

જો બાઈડને કહ્યું કે, 'આપણા સહયોગીઓ અને સાથીદારો, સૈન્ય નેતાઓ અને ગુપ્તચર વ્યાવસાયિકો, આપણા રાજદ્વારીઓ, વિકાસના નિષ્ણાંતો અને કોંગ્રેસ તથા ઉપરાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરીને હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે, આ અફઘાનિસ્તાનમાં અમેરિકાની સૌથી લાંબી લડાઈના સમાપનનો સમય છે, આ અમેરિકી સૈનિકોના ઘરે પાછા ફરવાનો સમય છે.'

બાઈડનના કહેવા પ્રમાણે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી નીકળવામાં કોઈ ઉતાવળ નહીં કરે. અમેરિકા અફઘાનિસ્તાનમાં સૈન્ય સાથે સામેલ નહીં થાય પરંતુ રાજદ્વારી અને માનવીયતાનું કાર્ય ચાલુ રાખશે. અમેરિકા અફઘાનિસ્તાનની સરકારને સહયોગ આપતું રહેશે.

બાઈડને જણાવ્યું કે, ૨૦ વર્ષ પહેલા જે નૃશંસ હુમલો થયો હતો એટલે અમેરિકા અફઘાનિસ્તાન ગયું હતું પરંતુ હવે અમેરિકાએ ત્યાં શા માટે રહેવું જોઈએ તે વ્યાખ્યાયિત નથી કરી શકાતું. તેમણે ૧૧ સપ્ટેમ્બર પહેલા અમેરિકી સૈનિકોને પાછા બોલાવવાના નિર્ણયમાં મદદ કરવા ચર્ચા કરી હતી.

નાટોના મહાસચિવે પણ આગામી થોડા મહિનામાં અફઘાનિસ્તાનથી સંપૂર્ણ સેના પાછી બોલાવવામાં આવશે તેમ કહ્યું હતું. વધુમાં જો તાલિબાન તેમના સૈનિકો પર હુમલો કરશે તો આકરો જવાબ મળશે અને તેઓ ઈચ્છે છે કે, અફઘાનિસ્તાન એક બની રહે તેમ પણ કહ્યું હતું.

(12:00 am IST)