Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

દૈનિક કેસની મુદ્દે ભારત યુએસને પાછળ છોડવાની તૈયારીમાં

એક દિવસમાં નોંધાતા કેસની સંખ્યાં ૧૦ દિવસમાં બમણી : વિશ્વમાં અમેરિકા જ એક માત્ર દેશ છે કે જ્યાં એક જ દિવસમાં બે લાખ કરતા વધારે કેસ નોંધાયા છે

નવી દિલ્હી, તા. ૧૫ : ભારતમાં બુધવારે કોરોનાના ૨ લાખ કરતા નજીક નવા કેસ નોંધાયા હતા, કોરોનાના નવા કેસમાં જે રીતે ઉછાળો આવી રહ્યો છે તેની સાથે એક દિવસમાં નોંધાતા કેસ ૧૦ દિવસમાં બમણા થઈ ગયા છે.

રાજ્ય સરકારો પાસેથી મેળવાયેલા આંકડા પ્રમાણે એક જ દિવસમાં ૧,૯૯,૬૨૦ નવા કેસે રેકોર્ડ તોડ્યા છે, એટલે કે ૨ લાખ સુધી પહોંચવામાં માત્ર ૩૮૦ લાખ કેસ ખુટે છે. એક દિવસમાં નોંધાતા કેસની સંખ્યા ૧૦ દિવસની અંદર એક લાખને પાર થઈ ગઈ છે.

દુનિયામાં અમેરિકા એકમાત્ર દેશ છે કે જ્યાં એક જ દિવસમાં કોરોનાના ૨ લાખ કરતા વધારે કેસ નોંધાયા છે, અમેરિકામાં એક દિવસમાં ૧ લાખ કેસ નોંધાયા પછી ૨૧ દિવસ બાદ ૨ લાખ પર આંકડો પહોંચ્યો હતો. અમેરિકામાં ૩૦ ઓક્ટોબરે ૧ લાખ કેસ થયા હતા અને પછી ૨૦ નવેમ્બરે કેસ ૨ લાખ પર પહોંચ્યા હતા. અમેરિકામાં વર્લ્ડઓમીટર ડોટ ઈન્ફો વેબસાઈટ મુજબ સૌથી વધુ એક દિવસમાં ૮ જાન્યુઆરીના રોજ ૩,૦૯,૦૩૫ કેસ નોંધાયા છે.

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વધારેને વધારે જોખમી બની રહી છે. ૧૧માંથી ૯ દિવસ દરમિયાન સતત કેસમાં ઉછાળો આવ્યો છે જેમાં વિકએન્ડ દરમિયાન ઓછો સ્ટાફ અને ઓછા ટેસ્ટિંગના કારણે આંકડો નીચો રહ્યો હતો.

બુધવારે કોરોનાના કારણે એક જ દિવસમાં જીવ ગુમા દર્દીઓની સંખ્યા ૧૦૦૦ને પાર થઈ ગઈ છે, બુધવારે વધુ ૧,૦૩૮ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, જે ૨ ઓક્ટોબર પછી સૌથી વધુ છે. મંગળવારે દેશમાં કોરોનાના કારણે ૧,૦૩૫ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

ઘણાં દેશમાં વધતા કેસો ચેતવણી સમાન સાબિત થઈ રહ્યા છે, ૯ રાજ્યોમાં નવા કેસનો રેકોર્ડ તૂટ્યો છે. ઉત્તરપ્રદેશમાં નવા ૨૦,૫૧૦ કેસ એક જ દિવસમાં નોંધાયા છે, આ મહારાષ્ટ્ર પછી બીજુ રાજ્ય છે જ્યાં એક જ દિવસમાં ૨૦,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. ૪ દિવસ અગાઉ રાજ્યમાં ૧૦,૦૦૦થી વધારે કેસ નોંધાતા હતા.

દિલ્હીમાં પણ ઝડપથી કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, અહીં બુધવારે ૭૧,૨૮૨ કેસ નોંધાયા છે, અહીં ૩ દિવસ પહેલા ૧૦,૦૦૦ કેસ નોંધાતા હતા. આ સિવાય અન્ય રાજ્યો છે કે જ્યાં એક દિવસમાં કોરોનાના નવા કેસનો રેકોર્ડ તોડ્યો છે તેમાં કર્ણાટકા (૧૧,૨૬૫), મધ્યપ્રદેશ (૯,૭૨૦), ગુજરાત (૭,૪૧૦), રાજસ્થાન (૬,૨૦૦), હરિણાયા (૫,૩૯૮), બંગાળ (૫,૮૯૨) અને બિહાર (૪,૭૮૬)નો સમાવેશ થાય છે. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી કપરી સ્થિતિ છે, જ્યાં એક જ દિવસમાં ૫૮,૯૫૨ કેસ નોંધાયા છે, મંગળવારે અહીં ૬૦,૨૧૨ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૨૭૮ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ પછી છત્તીસગઢમાં ૧૨૦ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, અને આ પછી દિલ્હીમાં ૧૦૦૪, ગુજરાતમાં ૭૩, યુપીમાં ૬૮, પંજાબમાં ૬૩ અને મધ્યપ્રદેશમાં ૫૧ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

(12:00 am IST)