Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

રાહુલ ગાંધીની ઓફર બાદથી અરવિંદ કેજરીવાલની બેઠકો શરૂ

ગઠબંધનને લઇને વાતચીત કરાશે

નવીદિલ્હી, તા. ૧૬ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી તરફથી દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણીના ચાર-ત્રણના ફોર્મ્યુલા બાદ ગઠબંધનને લઇને ચર્ચાઓ શરૂ થઇ ચુકી છે. રાહુલની આ ઓફર બાદ આજે મુખ્યમંત્રી કેજરીવાલના આવાસ ઉપર બેઠક યોજાઈ હતી. રિપોર્ટ મુજબ આમ આદમી પાર્ટીએ રાહુલ તરફથી ઓફરના જવાબમાં ઓફર આપવાની રણનીતિ અપનાવી છે. પાર્ટી દિલ્હીમાં કોંગ્રેસને ત્રણ સીટો આપવાના બદલે હરિયાણામાં વાતચીત કરશે. કેજરીવાલના આવાસ ઉપર નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક થઇ હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આગળ ગઠબંધનના સંદર્ભમાં વાતચીત અંગે નિર્ણય સંજય સિંહ કરશે. સંજય સિંહ દ્વારા કોંગ્રેસી નેતાઓ સાથે વાતચીત કરવામાં આવશે. સંજય સિંહે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે વાતચીત માટેની જવાબદારી તેમને સોંપી છે. હવે કોંગ્રેસને આ બાબત કહેવી પડશે કે તેમની તરફથી વાતચીત કોણ કરશે. ગઠબંધનની વાતચીત ટ્વિર પર નહીં બલ્કે બેસીને થાય છે તે રાહુલ ગાંધી સમજી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીની સાત લોકસભા સીટ પૈકી આમ આદમી પાર્ટીને ચાર સીટો આપવાની તૈયારી દર્શાવી છે જેને એએપીના નેતાઓ અયોગ્ય ગણાવે છે.

(7:39 pm IST)