Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

બધા મુસ્લિમ સંગઠિત થશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરાજિત : નવજોત સિદ્ધૂ

બિહારના કટિહારમાં સિદ્ધૂનું વિવાદાસ્પદ નિવેદન :ચૂંટણી પંચે લાલઆંખ કરીને આક્રમક કાર્યવાહી શરૂ કરી હોવા છતાં નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોનો સિલસિલો

કટિહાર, તા. ૧૬ : લોકસભાની ચૂંટણી પહેલા વિવાદાસ્પદ નિવેદન કરવાનો દોર જારી રહ્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતી અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન સામે લાલઆંખ કરીને સુપ્રીમના આદેશ બાદ ચૂંટણી પંચે પગલા લીધા હોવા છતાં વિવાદાસ્પદ નિવેદનોનો દોર જારી રહ્યો છે. રેલીમાં નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોનો સિલસિલો જારી રહ્યો છે. હવે કોંગ્રેસી નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધૂએ બિહારના કટિહારમાં એક વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે. સિદ્ધૂએ એક જનસભામાં મુસ્લિમ સમુદાયથી એક મત થઇને મત આપવા અપીલ કરી હતી. કોંગ્રેસ પક્ષની તરફેણમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટના કઠોર વલણ બાદ સોમવારના દિવસે જ ચૂંટણી પંચે આક્રમક કાર્યવાહીનો સિલસિલો શરૂ કર્યો હતો. થોડાક દિવસ પહેલા ઉત્તરપ્રદેશમાં જ બસપના વડા માયાવતીએ મુસ્લિમોને એકસાથે ગઠબંધન કરીને મત આપવા અપીલ કરી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બસપના વડા માયાવતી, ભાજપના નેતા મેનકા ગાંધી, સપાના નેતા આઝમ ખાન પર કાર્યવાહી કરવામાં આવી ચુકી છે. યોગી અને આઝમ ખાનના ચૂંટણી પ્રચાર પર ૭૨ કલાકનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જ્યારે મેનકા ગાંધી અને માયાવતી ઉપર ૪૮ કલાકનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવે નવજોત સિદ્ધૂએ પણ કટિહારમાં વિવાદાસ્પદ નિવેદન કરી દીધું છે. એક રેલીને સંબોધતા સિદ્ધૂએ કહ્યું હતું કે, મુસ્લિમ સમાજને તેઓ ચેતવણી આપવા આવ્યા છે. અહીં મુસ્લિમોને વિભાજિત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. ઓવૈસી જેવા લોકોને લઇને એક નવી પાર્ટી ઉભી કરીને લોકોના મતને વિભાજિત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે પરંતુ અહીં લઘુમતિ સમુદાયના લોકો વધારે છે. તમામ લોકો એકમત થશે તો મોદીને પરાજિત કરવામાં સફળતા મળશે. નવજોત સિદ્ધૂએ એમ પણ કહ્યું હતું કે, ભાજપના લોકોને બાઉન્ડ્રીની બહાર મોકલી દેવાની જરૂર છે. અત્રે નોંધનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. યોગીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને જો અલી ઉપર વિશ્વાસ છે તો અમને બજરંગબલી પર વિશ્વાસ છે. બીજી બાજુ માયાવતીએ ૭મી એપ્રિલના દિવસે કહ્યું હતું કે, કોંગ્રેસ એવું માનીને ચાલી રહી છે કે, અમે જીતીએ કે ન જીતીએ પરંતુ ગઠબંધનની જીત થવી જોઇએ નહીં. કોંગ્રેસે આવી જાતિ અને ધર્મના લોકોને ઉભા કર્યા છે જેમાંથી ભાજપને ફાયદો થઇ શકે છે. મુસ્લિમ સમાજના લોકો એક થઇને ગઠબંધનને મત આપે તે હવે સમય આવી ગયો છે.

 

(7:37 pm IST)