Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પાક.માં સામૂહિક દુષ્કર્મની ફરીયાદ આપવા ગયેલી મહિલા પર પોલીસનું દુષ્કર્મ

લાહોર,તા.૧૬: પાકિસ્તાનમાં એક શરમજનક બનાવ સામે આવ્યો છે. અહીં એક મહિલા સામૂહિક દુષ્કર્મનો ભોગ બન્યા બાદ ફરિયાદ કરવા પોલીસ મથક પહોંચી હતી. મહિલાનો આક્ષેપ છે કે ફરજ પર હાજર અધિકારીએ તેને કોઈ મદદ કરવાને બદલે તેણી પર દુષ્કર્મ આચર્યું હતું.

ઉછ શરીફ શહેરની મહિલાએ દાવો કર્યો છે કે, પોલીસ ઓફિસર તેણીને પૂછપરછ કરવાના બહાને તેના ઘરે લઈ ગયો હતો. બાદમાં ઓફિસરે તેના પર હુમલો કર્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ દાવો કર્યો છે કે ઓફિસરે દુષ્કર્મનો વીડિયો પણ ઉતાર્યો છે.

પાકિસ્તાનના ન્યૂઝ પેપર ડોનના જણાવ્યા પ્રમાણે આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. મહિલા અહમેદપુર પશ્ચિમ ખાતે તેના પર થયેલા સામૂહિક દુષ્કર્મનો કેસ નોંધાવવા ગઈ હતી. મહિલા પર બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાના જણાવ્યા પ્રમાણે પોલીસ અધિકારીએ તેને ૧૨મી ફેબ્રુઆરીના રોજ સમન્સ પાઠવ્યું હતું અને તેણીનું નિવેદન નોંધવાની વાત કરી હતી.

નોંધનીય છે કે સાક્ષીઓની હત્યા કરવાના બનાવોને લઈને પાકિસ્તાન પોલીસ આજકાલ શંકાના ઘેરામાં છે. જાન્યુઆરી મહિનામાં આતંક વિરોધી ટીમમાં કામ કરી રહેલા અડધો  ડઝન જેટલા પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં  આવી  હતી. આ અધિકારીઓએ એક મધ્ય ઊંમરના યુગલ અને તેની ૧૩ વર્ષની દીકરીની હત્યા કરી નાખી હતી.

આ બનાવ બાદ પોલીસ પર ફિટકાર વરસી હતી. આ બનાવના વિરોધમાં લોકો લાહોરમાં એકઠા થયા હતા અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ આ બનાવ અંગે દુઃખ તેમજ આઘાતની લાગણી વ્યક્ત કરી હતી. પાકિસ્તાન પોલીસે 'કહેવાતા એન્કાઉન્ટર'માં અનેક સાક્ષીઓની હત્યા કરી નાખી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

(4:20 pm IST)