Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાન પર કોંગ્રેસનો મદારઃ ર૦૧૪માં ૬પ પૈકી માત્ર ૩ બેઠકો મળેલ, આ વખતે ૩૦ થી વધુની આશા

૪ મહિના પહેલા ત્રણ રાજયોમાં સરકાર બનતા કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં

રાજકોટ તા. ૧૬ :.. લોકસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન તા. ૧૮ મીએ છે. છેલ્લા તબકકાનું મતદાન તા. ૧૯ મે એ અને મત ગણતરી ર૩ મે એ છે. ગઇ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સમગ્ર દેશમાં પ૪૩ પૈકી માત્ર ૪૪ બેઠકો મળેલ. રાજસ્થાન-ગુજરાત જેવા કેટલાક રાજયોમાં કોંગીના ખાતા જ ખૂલ્યા ન હતાં. આ વખતે સ્થિતિમાં  બદલાવ દેખાય છે. ર૦૧૯ માં કોંગ્રેસે પોતાની સ્વતંત્ર સરકારવાળા ૩ રાજયો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છતીસગઢ પર મોટો આધાર રાખ્યો છે. ગયા ડીસેમ્બરમાં ત્રણેય રાજયોની વિધાનસભાની ચૂંટણી જીતી કોંગ્રેસે સરકાર બનાવીછે. ર૦૧૪ માં આ ત્રણેય રાજયોમાં ભાજપ સરકાર હતી. ત્રણે ત્રણમાં સીધી કોંગ્રેસ-ભાજપ વચ્ચે લડત છે.

ર૦૧૪ ની સંસદની ચૂંટણીમાં છતીસગઢની ૧૧ પૈકી ૧૦ બેઠકો ભાજપને અને માત્ર ૧ બેઠક કોંગીને મળેલ. મધ્ય પ્રદેશમાં ર૯ બેઠકોમાંથી ભાજપને ર૭ અને કોંગીને બે બેઠકો મળેલ. રાજસ્થાનની તમામ રપ બેઠકો ભાજપે જીતી લીધેલ. કોંગીને એકેય બેઠક મળેલ નહીં. આ ત્રણેય રાજયોની કુલ ૬પ બેઠકો પૈકી ભાજપને ૬ર બેઠકો અને કોંગ્રેસને માત્ર ૩ બેઠકો મળી હતી.

કોંગ્રેસને ર૦૧૯ માં ર૦૧૪ જેવી કોઇ મોદી લહેર દેખાતી નથી. ઉપરાંત ત્રણેય રાજયોમાં પોતાની સરકારની પ્રથમ ૪ માસની કામગીરીના આધારે સારા દેખાવની કોંગીને આશા છે. ત્રણ રાજયોની મળી કોંગ્રેસ હાલની ૩ ના બદલે ૩૦ થી ૪૦ બેઠકો મેળવવા આશાવાદી છે. જો કોંગ્રેસની આશા ફળે તો તેને સમગ્ર દેશમાં બેઠકોની જીતની બાબતમાં ૩ આંકડે પહોંચવામાં સરળતા રહેશે. કેન્દ્રમાં અને જે તે રાજયમાં પોતાની સરકાર હોય કે ન હોય ત્યારે લોકસભાના ચૂંટણી પરિણામમાં શું ફેર પડે છે? તે ર૩ મે એ મત ગણતરી વખતે સ્પષ્ટ થઇ જશે. (પ-૩પ)

ર૦૧૪ નું લોકસભાનું પરિણામ

રાજય    કુલ બેઠકો         ભાજપ    કોંગી

છતીસગઢ         ૧૧       ૧૦       ૦૧

મધ્યપ્રદેશ         ર૯        ર૭       ૦ર

રાજસ્થાન           રપ      રપ       ૦૦

કુલ                    ૬પ     ૬ર        ૦૩

(4:01 pm IST)