Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

દક્ષિણ ગુજરાતની વલસાડ - નવસારી - બારડોલી - સુરત - ભરૂચ અને સંઘ પ્રદેશની દમણ-દાદરા સહિત ૭ બેઠકો ઉપર પાંચમાં સીધો જયારે બેમાં ત્રિ-પાંખીયો જંગ

૨૦૧૪માં ૨૬માંથી ૨૬ બેઠકો ભાજપે સર કરી હોવાથી આ સાતેય બેઠકો ઉપર ભગવો લહેરાયો હતો, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ઘણા સમીકરણો બદલાયા છે : ઘટેલી મોદી લહેર, જીએસટી, નોટબંધી, નારાજ ખેડૂત, મોંઘવારી, દુષ્કાળ સહિતની કુદરતી અને માનવસર્જીત સમસ્યાઓ મ્હોં ફાડી બેઠી થઈ છેઃ ત્રણેક વર્ષથી પાટીદાર ફેકટર ભાજપ માટે નડતરરૂપ બન્યુ છે પણ તેનો ઉકેલ કુનેહપૂર્વક ભાજપની થિન્કટેન્ક લાવી રહી છે : ભાજપે આ વખતે ઓબીસી કાર્ડ ખેલ્યુ છે છતાં દક્ષિણ ગુજરાતની અનેક સીટો પર કાંટે કી ટક્કર : આજે જોઈએ વલસાડ બેઠકનું વિશ્લેષણ

વાપી, તા.૧૬: લોકસભા ચુંટણી ર૦૧૯માં ગુજરાતમાં મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ફરીવાર વિજય બનવા અખુટ પ્રયત્ન કરી રહી છે.

જયારે સામાપક્ષે કોંગ્રેસને પણ સહેજે ઉજળી તક દેખાતા કોઇ કસર બાકી રાખવા માંગતું નથી. ગત ર૦૧૪ની લોકસભા ચુંટણીમાં ભાજપને ગુજરાતમાં ર૬ માંથી ર૬ બેઠકો અને સંઘપ્રદેશની પણ બંન્ને બેઠકો મળી હતી.

પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ઘણા સમીકરણો બદલાયા સૌથી પહેલા તો ગઇ ચુંટણીના પ્રમાણમાં માત્ર ગુજરાત જ નહિ દેશભરમાં મોદી લહેર ઓછી જણાય છે. એટલું જ નહી મોદી સરકાર અનેક વચનો પુરા કરવામાં પણ પાછળ રહયાનું દેખાય છે.

આ ઉપરાંત જીએસટીને પગલે દેશભરમાં વ્યાપાર રોજગારને થયેલ માઠી અસરથી પણ પ્રજાજનો ઘણા અંશે નારાજ જણાય છે.

આમ છતાં હજુ પણ લોકોના મનમાં કોંગ્રેસ કરતા ભાજપ ઉપર વધુ વિશ્વાસ જણાય છે. ચોતરફ ચાલતી ચર્ચા અનુસાર, મોટાભાગે એક જ સુર નિકળે છે કે ભાજપમાં અનેક ખામીઓ છતાં મત તો ભાજપને જ આપવો જોઇએ. કેમ કે વડાપ્રધાન મોદી પાસે એક વિઝન છે અને પ્રજાને હજુ પણ ભરોસો છે.

જેની સામે કોંગ્રેસ કે સાથી ગઠબંધનની વાત કરીએ તો પ્રજા હજુ ભુતકાળ ભુલી નથી અને એમાં પણ સાથી પક્ષોના ગઠબંધનને લીધે ઇમેજમાં સુધારો થવાને બદલે બગાડો થતો જણાઇ રહયો છે.

આપણે જો ગુજરાતની જ વાત કરીએ તો એક વાત ચોક્કસ છે કે પાંચ વર્ષ અગાઉની ચુંટણી અને અત્યારની ચુંટણીમાં સ્પષ્ટ પણે દેખાઇ રહયું છે કે ભાજપ સહેજ નબળુ પડયું છે તો તેની સામે કોંગ્રેસ થોડુ મજબુત બન્યું છે.

છેલ્લા અઢી ત્રણ વર્ષથી ભાજપને ગુજરાતમાં પાટીદાર ફેકટર નડી રહયું છે. જેનો ઉકેલ ભાજપ ભારે કુનેહથી લાવી રહયો છે. આમ છતા કયાંક ડેમેજ તો થઇ રહયું છેે  અને એટલા માટે જ ભાજપે પાટીદારને બદલે ઓબીસી તેમજ આદિવાસી નેતાઓ અને મતદાતાઓને રિઝવતા અનેક ઓપરેશનો કરી ચુકી છે.

 આ તો થઇ ગુજરાતની મોટી-મોટી વાત...પરંતુ હવે જો આપણે દ.ગુજરાતની પાંચ બેઠક... વલસાડ, નવસારી, બારડોલી, સુરત અને ભરૂચ તથા સંઘપ્રદેશની બે બેઠક દમણ અને દાદરા નગર હવેલી એમ ૭ બેઠકોની જ રાજકીય સ્થિતિ જોઇએ તો.

ઉપરોકત ૭ બેઠકો ઉપર કુલ ૯૧ ઉમેદવારો જંગ લડી રહયા છે. પરંતુ સ્થિતિ અનુસાર ખરા અર્થમાં તો ૧પ થી ૧૬ જેટલા ઉમેદવારો વચચે જ જ ખરી ટક્કર જણાય છે. આ ૭ બેઠકો પૈકી સંઘપ્રદેશની દમણ બેઠક ઉપર સૌથી ઓછા ૪ ઉમેદવારો મેદાનમાં છે.

જયારે નવસારી બેઠક ઉપર સૌથી વધુ એટલે કે કુલ રપ ઉમેદવારો આ ચુંટણી જંગ જીતવા મેદાનમાં ઉતર્યા છે. ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, બહુજન રિપબ્લીકન સોંફયાલીસ્ટ પાર્ટી, સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટ, રાષ્ટ્રીય નવ નિર્માણ ભારત પાર્ટી, ભારતીય બહુજન કોંગ્રેસ પાર્ટી, પીરામીડ પાર્ટી ઓફ ઇન્ડીયા, યુવા સરકાર પાર્ટી,સ્વતંત્ર ભારત આરએસપી ભારતીય શકિત ચેતના પાર્ટી ભારતીય રૂપીબલ પાર્ટી, બહુજન મુકિત પાર્ટી સહીતના પક્ષોના ઉમેદવારો ઉપરાંત અપક્ષ ઉમેદવારોની હરોળ પણ આ જંગમાં જોડાય છે.

મતદાનની વહીવટ પ્રક્રિયા અનુસાર નવસારી અને ભરૂચને બાદ કરતાં ઉપરોકત અન્ય બેઠકો પર ૧૫ થી ઓછા ઉમેદવારો હોવાથી સીંગલ ઇવીએમ વપરાશે. જયારે ભરૂચ તથા નવસારીમાં ઉમેદવારો વધુ હોવાથી ચુંટણી તંત્રએ દરેક બુથ પર બે વોટીંગ મશીન મુકવા પડશે.

લાંબી આતુરતા બાદ લોકસભા ચુંટણીની તારીખો જાહેર થઇ. ઉમેદવારી પત્રો ભરવાની. ચકાસણીની અને પરત ખેંચવાની પ્રક્રિયા પુર્ણ થયા બાદ જે તે બેઠકો ઉપર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા સમીકરણોના બદલાવ સાથે સૌ કોઇ પોતપોતાનો અંદાજ લગાવી રહયું છે.

કોઇ કહે છે કે આ વખતે પણ ભાજપ જ છવાશે. તો કોઇ કહે છે કે કોંગ્રેસ ભવ્ય જીત મેળવશે. તો કયાંક એવું પણ સંભળાય છે કે અપક્ષ ઉમેદવાર પણ કાઠુ કાઢી જાય તો નવાઇ ના કહેવાય. ચુંટણીમાં આખરી નિર્ણયકાર તો મતદાર જ હોય છે. પરંતુ ઉપરોકત બેઠકો ઉપર ભુતકાળની રાજકીય સ્થિતિ તથા હાલની રાજકીય પરિસ્થિતિ આ ઉપરાંત રાજકીય વિશ્લેષણના મંતવ્યો.

 આ તમામ પાસાઓ ઉપરથી આ બેઠકો ઉપરથી કોણ મેદાન મારશે એવો એક અંદાજ લગાડીએ તો આ ૭ બેઠકો પૈકી પાંચ બેઠકો ઉપર સીધો અને બે બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાશે તેમ જણાઇ રહયું છે.

સંઘપ્રદેશના દાદરા નગર હવેલી બેઠક ઉપર મોટા ભાગે ત્રિપાંખીયો જંગ રહેશે. એમાં પણ અહી આ વખતે કોંગ્રેસ છોડી અપક્ષ ઉમેદવાર તરીકે લડતા મોહનભાઇ ડેલકર ભાજપને સીધી ફાઇટ આપશે તેમ જણાઇ રહયું છે.

આવી જ સ્થિતિ ભરૂચમાં જણાઇ રહી છે. અહી પણ ત્રિપાંખીયો જંગ ખેલાશે તેમ જણાઇ રહયું છે. આ સાત બેઠકો પૈકી પાંચ બેઠકો ઉપર ભાજપની પકડ વધુ મજબુત જણાય છે.

સાચી ટક્કર તો વલસાડ, બારડોલી બની રહેશે. કારણ કે વલસાડમાં ભાજપ સંગઠનની તાકાત અને મોદીજીના આધારે દોડી રહયું છે. તો કોંગ્રેસે આ વેળાએ અહી આદિવાસીઓના નજીક ગણાતા એવા માજી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને મેદાનમાં ઉતારી આદિવાસી મતો ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.

તો બારડોલી બેઠક ઉપર કોંગ્રેસના તુષાર ચૌધરી અને ભાજપના પ્રભુભાઇ વસાવા વચ્ચે ખરો જંગ છે એક બાજુ આદિવાસી વિસ્તાર પણ છે બીજી તરફ કેટલોક વિસ્તાર  શહેરી વિસ્તાર પણ આવેલ છે. એટલે આ બેઠક ઉપર તુષારભાઇ અને પ્રભુભાઇ વચ્ચે સીધી ટક્કર રહેશે.

જયારે સંઘપ્રદેશના દમણ બેઠક ઉપર ભાજપને બહુ વાંધો નહી આવે તેમ લાગી રહયું છે. તો દાદરા નગર હવેલીમાં જાણે ભાજપ અને અપક્ષ ઉમેદવાર મોહનભાઇ વચ્ચે ટક્કર જણાય છે. અહીં પણ ભાજપને બહુ વાંધો નહી આવે તેમ જણાઇ રહયું છે.

આમ દ.ગુજરાતનાં પાંચ અને સંઘપ્રદેશની બે મળી કુલ ૭ બેઠક ઉપર એકંદરે પાંચ બેઠકો ઉપર ભાજપની સ્થિતિ મજબુત જણાય છે તથા અન્ય બે બેઠકો ઉપર ભાજપે વધુ મહેનત કરવી પડશે.

નહીતર કોંગ્રેસ અહી ખાતુ ખોલાવી શકે તેવી સ્થિતિ જણાઇ રહી છે. એમાં પણ વલસાડની બેઠક તો દેશભરનાં તમામ પક્ષો માટે મહત્વની ગણાઇ છે. કેમ કે એવું કહેવાય છે કે આ બેઠક ઉપર જે પક્ષનો ઉમેદવાર જીતે તે પક્ષની સરકાર કેન્દ્રમાં બને છે.

હાર કે જીતનો ખરો નિર્ણય તો મતદારોનાં મુડ ઉપર હોય છે હવે જોઇએ મતદારોનો જુકાવ કઇ દિશામાં રહેશે. હાલમાં તો આ લખાઇ રહયું છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે તમામ હરીફ ઉમેદવારો આ જંગ જીતવા એડીનું જોર લગાવી રહયા છે. (૪.૧૦)

વલસાડ 'ગેઈટ વે ઓફ દિલ્હી'....

ભાજપના સીટીંગ એમ.પી. કે.સી.પટેલ સામે કોંગ્રેસે આદિવાસીઓના ચહીતા જીતુભાઈ ચૌધરીને ઉતાર્યા છે

દેશભરમાં વલસાડ બેઠક પરથી જે જીતે તેની સરકાર બને તેવી માન્યતા પ્રવર્તે છે : કે.સી. પટેલની કાર્યપદ્ધતિ સામે આંતરીક વિરોધ ઉઠી ચૂકયો છે : આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસનું જોર વધ્યુ છે

વાપી, તા., ૧પઃ દેશભરમાં  ગુજરાતના વલસાડની બેઠકને દિલ્હીનો દરવાજો મનાય છે. ગુજરાતની સૌથી નસીબદાર બેઠક એટલે જ વલસાડ બેઠક.

એ એટલા માટે કે આઝાદી પછીના ચુંટણીના રેકોર્ડ ઉપર નજર નાખતા એવું જણાય છે કે વલસાડ લોકસભાની બેઠક ઉપર જે પક્ષનો ઉમેદવાર જીતે છે તે પક્ષની દિલ્હીમાં સરકાર બને છે.

આથી જ લોકસભાની ચુંટણીમાં વલસાડ બેઠક ફરી એકવાર હાઇ પ્રોફાઇલ બની ગઇ છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ઉપરથી ગઇ ટર્મમાં વિજેતા બનેલ ડો.કે.સી.પટેલને જ ફરી રીપીટ કર્યા છે.

જયારે કોંગ્રેસે આ વેળાએ પોતાની વ્યુહરચના બદલાવી આદિવાસીઓમાં માનીતા એવા જીતુભાઇ ચૌધરીને લોકસભાની ચુંટણીની ટીકીટ આપી જંગને વધુ રોચક બનાવ્યો છે.

વલસાડ-ડાંગની આ હાઇપ્રોફાઇલ બેઠક ઉપર એક નજર દોડાવીએ તો આ બેઠક પર હાલ છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપનું પ્રભુત્વ વધારે છે આ બેઠકમાં આવતી વિધાનસભાની વાત કરીએ તો ૭ પૈકી ૪ વિધાનસભા ઉપર ભાજપનો કબ્જો છે.

વલસાડ-ધરમપુર-પારડી અને ઉમરગામ એમ આ ૪ બેઠક ઉપર ભાજપનો કબજો છે જયારે કપરાડા-આહવા અને વાંસદામાં કોંગ્રેસનો કબ્જો છે. સ્થિતિ અનુસાર શહેરી વિસ્તારની સાથે જ આદિવાસી વિસ્તાર પણ એટલો જ બહોળો છે.

અને આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસનું જોર વધુ રહયું છે અને એટલા માટે જ કદાચ આ વખતે કોંગ્રેસે પોતાની વ્યુહ રચના બદલાવી કિશનભાઇ પટેલને બદલે જીતુભાઇ ચૌધરીને ટીકીટ આપી આદિવાસીઓને પોતાની તરફ ખેંચવા એક પ્રયત્ન હાથ ધર્યો છે.

જેની સામે શહેર વિસ્તારોમાં પણ કેટલાક મતદાતાઓ ભાજપથી  વિમુખ થઇ રહયા છે. ભાજપના ઉમેદવાર એવા ડો.કે.સી.પટેલની કાર્ય પધ્ધતી પણ બહુ પ્રશંસાને પાત્ર રહી નથી. આંતરીક વિરોધ ઉપરાંત તેમના સગાભાઇનો જ વિરોધ સરાજાહેર છે.

હવે જો આપણે આ બેઠક ઉપરના જાતીય સમીકરણો જોઇએ તો અહી વારલી અને નાયકા જાતીના મતદારોની સંખ્યા ૪૦ર૦૬ર છે તો કોંકણી જાતીના મતદારોની સંખ્યા ર૩પ૯૮૧, તો ઘોડીયા અને ઘોડી જ્ઞાતિના મતદારોની સંખ્યા ર૪૦ર૩૭ છે.

જયારે હળપતી જાતીના મતદારોની સંખ્યા ઉમેરો ૧૧૪૬૭૭ છે. ભીલ જાતીના મતદારોની સંખ્યા ૭૯૯૮૦ છે. અધર ટ્રાઇબલ જાતીના મતદારોની સંખ્યા છે જયારે શિડયુલ કાસ્ટ જાતીના મતદારોની સંખ્યા ર૪૩૧૩ છે. તો જનરલ જાતીના મતદારોની સંખ્યા ૧૧૯૭૮૪ છે તો માઇગ્રન્ટ મતદારોની સંખ્યા ૧૧૬૭૯૬ છેે.

જયારે આ બેઠક ઉપર મુસ્લીમ જાતીના મતદારોની સંખ્યા પપર૦૦ જેટલી છે આ સ્થિતિ અનુસાર આ બેઠક ઉપર સૌથી વધુ વારલી જાતી અને નાયકા જાતીના મતદારો આશરે રપ ટકા જેટલો હિસ્સો ધરાવે છે.

જેની સામે ઓબીસી જાતી આશરે માત્ર ૧પ ટકા જેટલો જ હિસ્સો ધરાવે છે. ઉપરોકત આંકડાઓ બાદ રાજયમાં મતદાન યાદી સુધારણા ઝુંબેશ બાદ તા.૩૧-૧-ર૦૧૯ની ની સ્થિતિ અનુસાર વલસાડ જીલ્લામાં ૮,પ૩,૦૩૧ પુરૂષ મતદાતાઓ તથા ૮,૧૭,૮ર૩ મહિલા મતદાતાઓ મળી આ બેઠક ઉપર કુલ ૧૬,૭૦,૮૬૮ મતદાતાઓ નોંધાયેલ છે.

હવે જો આપણે આ બેઠકના અગાઉની ત્રણેક ચુંટણીના પરીણામોની એક ઝલક જોઇએ તો વર્ષ ર૦૦૪ની લોકસભાની ચુંટણીમાં આ બેઠક ઉપર કોંગ્રેસ-ભાજપ અને ભારતીય નવશકિત પાર્ટીના ઉમેદવારો મેદાનમાં હતા.

જેમાં ભારતીય નવશકિત પાર્ટીના ઉમેદવાર નરેશભાઇ ડેલકરને પ૮,૧૮૪ મતો મળ્યા હતા. જેની સામે ભાજપના મણીભાઇ ચૌધરીને ર,૭૭,ર૮૩ અને કોંગ્રેસના ઉમેદવાર કિશનભાઇ પટેલને ૩,ર૧,૭૬૯ મતો મળતાઆ ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કિશનભાઇએ ભાજપના ઉમેદવાર મણીભાઇ ચૌધરીને ૪૪,૪૮૬ મતોથી હરાવી બેઠક કબ્જે કરી હતી.

આ ચુંટણીમાં કુલ ૬૮૯૯૮ર મતદારોએ મતદાન કર્યુ હતું. જે પર.ર૮ ટકા જેટલું હતું અને જીતનો માર્જીન રહયો હતો ૬.૪પ ટકા.

ત્યાર બાદ ર૦૦૯ ની ચુંટણીની વાત કરીએ તો આ વેળાએ આ બેઠક ઉપરથી કોંગ્રેસ ભાજપ ઉપરાંત અપક્ષ ઉમેદવાર પણ લડતમાં હતા.

આ ચુંટણીના પરીણામમાં અપક્ષ ઉમેદવાર-સત્યજીત શેઠને માત્ર ૧ર,૮ર૧ મતો મળ્યા હતા. જેની સામે ભાજપના ઉમેદવાર ડી.સી. પટેલને ૩,પ૦,પ૬પ મતો મળ્યા હતા.

તો કોંગ્રેસના ઉમેદવાર કિશનભાઇ પટેલને ૩,પ૭,૭૪૪ મતો મળ્યા હતાં. એટલેકે માત્ર ૭૧પ૯ મતોથી ભાજપના ઉમેદવાર ડી. સી. પટેલને હરાવી કિશનભાઇ પટેલે ફરી આ બેઠક જાળવી રાખી હતી.

જો કે આ ચૂંટણીમાં કુલ ૭,૭૪,૪ર૯ મતદારો એ મતદાન કર્યુ હતું. જે પ૬.૧૧ ટકા જેટલું હતું. આ વેળાએ જીતનો માર્જીન ઘટીને ૦.૯૩ ટકા જેટલો જ રહ્યો હતો.

આ ઉપરાંત જો આપણે મત ર૦૧૪ ની લોકસભાની ચૂંટણીનીજો વાત કરીએ તો આ વેળાએ કોંગ્રેસ-ભાજપ બીએસપી ઉપરાંત નાટોની એન્ટ્રી થઇ હતી.

આ ચૂંટણીમાં આ બેઠક ઉપરથી નાટોને ર૬,૬૦૬, જેટલા મતો મળ્યા હતાં. જે મતદારોનો મિજાજ દર્શાવે છે કે કોઇ પક્ષને મત નથી આપવો. તો બીએસપીના ઉમેદવાર રતિલાલ ઠાકારિયાને માત્ર ૧૪,ર૦ર મતો મળ્યા હતાં.

 જેનીસામે કોંગ્રેસના ઉમેદવાર કિશનભાઇ વેસ્તાભાઇ પટેલને ૪,૦૯,૭૬૮ મતો મળ્યા હતાં. તો ભાજપના ઉમેદવાર ડો. કે. સી. પટેલને ૬,૧૭,૭૭ર મળ્યા હતાં. એટલે ભાજપના કે. સી. પટેલે કોંગ્રેસનાં કિશનભાઇને ર,૦૮,૦૦૪ જંગી મતોથી હરાવી કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી હતી.

અને કદાચ યોગાનુયોગ બનતું હોય તેમ અભુતપૂર્વ આશ્ચર્યજનક પરિણામો આવતા મોદી લ્હેરને પગલે ભાજપ ને જોરદાર બહુમતિ મળતા દિલ્હીમાં પણ ભાજપની જસરકાર રચાઇ. આ ચૂંટણીમાં કુલ ૧૧,રર,ર૦૩ મતદારોએ મતદાન કર્યું હતું. જે ૭૪.૦૯ ટકા જેટલું હતું. પરંતુ આ પરિણામ વેળાએ જીતનો માર્જીન વધીને પ૮.પ૮ ટકા જેટલો રહેવા પામ્યો હતો. જેમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો ઉંચા મતદાને.... આમ પણ એવું જ  કહેવાય છે કે મતદાનની ટકાવારી વધે એ ભાજપ માટે ફાયદાકારક રહેતું હોય છે.

આ વેળાની એટલે કે ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કુલ ૯ ઉમેદવારોએ ચુંટણી જંગમાં ઝંપલાવ્યુંછે.

જેમાં ભાજપ તરફથી ડો. કે.સી.પટેલ, કોંગ્રેસ તરફથી જીતુ ચૌધરી, બીટીપી તરફથી પંકજ લલ્લુભાઇ પટેલ, બીએસપી તરફથી કિશોર પટેલ, બહુજન મુકતિ પાર્ટી તરફથી બાબુ તલાવિયા તથા સરદાર વલ્લભભાઇ પાર્ટી તરફથી પટેલ નરેશ બાબુ તો અપક્ષ તરીકે ગૌરાંગ રમેશ પટેલ, પટેલ ઉમેશ મંગળ અને ગાવિત જયેન્દ્રભાઇનો સમાવેશ થાય છે.

આમ તો જંગમાં ૯ ઉમેદવારો મેદાનમાં છે પરંતુ કહેવાય છે. કે સાચી લડત તો ભાજપ અને કોંગ્રસ વચ્ચે જ રહેશે.

આમ તો વલસાડ લોકસભાની બેઠક આદિવાસી અનામત બેઠક છે. અને આ બેઠકનો મત વિસ્તાર વલસાડ જીલ્લા ઉપરાંત ડાંગ અને વાસંદા સુધી વિસ્તરેલો છે પરંતુ આ બેઠક માટે વલસાડના ઉમેદવાર જ ચુંટણીમાં ભાગ લેવા આવ્યા છે. આ વેળાના જંગમાં પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેજ ટકકર જણાય છે. ભાજપના ઉમેદવાર ડો. કે.સી.પટેલને ફરી એકવાર આ બેઠક કબ્જે કરવી છે. તો કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીને આ બેઠક પરથી જીત મેળવીને દિલ્હી સુધી પહોંચવુ છે.

ગત ચૂંટણીના પ્રમાણમાં કે.સી.પટેલ સામે કપરા ચઢાણ છે. પરંતુ તેમને સંગઠન ઉપર વિશ્વાસ છે. પારડીની વિધાનસભામાં બે વખત ચુંટીને વિજેતા થયેલા ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, ડો. કે.સી.પટેલ માટે પ્રચારની સાથે સાથે વિવિધ પાસાઓ ઉપર રણનીતી ઘડી સંગઠનનો સાથ લઇને આ બેઠક ભાજપને અપાવવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય તરીકે કનુભાઇને જીતાડવામાં પણ કે.સી.પટેલનો અથાગ ફાળો રહ્યો હતો. જેની સામે કોંગ્રેસ તરફથી આ બેઠક પર ઉમેદવાર બનાવવા તેમને જીતાડવા ફરી એકવાર મેદાનમાં આવ્યા છે ગૌરવભાઇ પંડયા...

આ બેઠક પર ઉતમભાઇ પટેલ સાંસદ થયા ત્યારથી આજદિન સુધી આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો બદલાયા પરંતુ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અથાગ પ્રયત્નો કરનાર ગૌરવભાઇ સતત ખડે પગે છે.

જીતુભાઇ ચૌધરીને જીતાડવા ગૌરવભાઇ પંડયા દિવસ-રાત એક કરી રહ્યા છે. બંને ઉમેદવારો જીતવા એડીનું જોર લગાવી રહ્યા છે. ર૩મી એપ્રિલે થનારા મતદાન પહેલા બંન ઉમેદવારો કોઇ કચાશ રાખવા માંગતા નથી.

આ બેઠક ઉપર બંને ઉમેદવારના ભાવિનો નિર્ણય મતદારો લેશે ર૩મીએ..અને જેને આડે હવે માત્ર ૮ દિવસ....

કપરાડા બેઠક પરથી સતત બે ટર્મથી ધારાસભ્ય ચૂંટાતા કોંગ્રેસના જીતુભાઈ ચૌધરી કે.સી.ને ટક્કર આપી શકે તેવા ઉમેદવાર

વાપી તા. ૧૬ :..  ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વલસાડ બેઠક ઉપરથી કપરાડાના કોંગી ધારાસભ્ય જીતુભાઇને મેદાનમાં ઉતાર્યા છે.

જીતુભાઇ ચૌધરીનો જન્મ ૧ લી જુન ૧૯૬૪ ના રોજ વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના કાકડ કોપર ખાતે સામાન્ય પરિવારમાં થયો હતો. જીતુભાઇ ભણ્યા ઓછું પરંતુ ગણ્યા વધુ...

સામાજીક કાર્યો ના સથવારે સ્થાનીક વિસ્તારમાં લોકચાહના ને પગલે ધીરેધીરે કોંગ્રેસમાં જોડાયા. ૧૯૮પ થી શરૂ કરેલ આ સફર ધારાસભ્ય અને હવે સાંસદ પદના ઉમેદવાર સુધી પહોંચી છે.

તેમની આ રાજકીય કારકીર્દી દરમ્યાન તેઓ સરપંચ તાલુકા પંચાયત વિવિધ કમિટીઓમાં તેમજ કોંગ્રેસમાં ઉચ્ચ હોદાઓ ઉપર સુપેરે કામગીરી બજાવી આગળ ધપ્યા છે.

કપરાડા બેઠક ઉપરથી છેલ્લા બે વખત વિધાનસભાની ચૂંટણી જીતી ધારાસભ્ય તરીકે અભુતપૂર્વ કામગીરી કરી આદિવાસી સમાજમાં ખાસ્સી લોકચાહના ઉભી કરી છે. ખેતી તથા અન્ય વ્યવસાય સાથે જોડાયેલ જીતુભાઇ બે ટર્મથી ધારાસભ્ય હોવા છતાં આજે પણ સ્વચ્છ છબી ધરાવે છે. પોતાના મત વિસ્તારમાં કોઇને ત્યાં સારો પ્રસંગ હોય કે હોય ખરાબ પ્રસંગે જીતુભાઇ દોડીને પહોંચી જાય છે.

અને જેના પગલે જ તેઓ આ વિસ્તારમાં લોકચાહના મેળવી છે. અને આ લોકચાહનાનો લાભ મેળવવા જ કદાચ કોંગ્રેસે તેમને લોકસભાની ટિકીટ ફાળવી છે. તેમણે ભાજપના ઉમેદવારને હરાવવા અઘરૃં તો ખરું જ પરંતુ અશકય તો નહિ જ.

સંઘર્ષ વચ્ચે ડોકટરની પદવી મેળવી ચૂકેલા કે.સી. પટેલનો ભાગ્યના જોરે રાજકીય ઉદય થયેલો

લોકસભાની ચૂંટણીમાં ભાજપે આ બેઠક ઉપરથી ફરી એકવાર ડો. કે.સી. પટેલ ઉપર પસંદગી ઉતારી છે. આમ જુઓ તો ભાજપ પાસે બીજો કોઇ મજબૂત વિકલ્પ પણ ના જણાતો હતો.

ડો. કે.સી. પટેલનો જન્મ ૧૦મી જાન્યુઆરી ૧૯પ૦ના રોજ વલસાડ જીલ્લાના ખેરલાવ ખાતે થયો હતો. સંઘર્ષ વચ્ચે પણ ઉચ્ચ ભણતર મેળવી ડોકટર સુધીની પદવી મેળવવામાં સફળ રહ્યા.

પરંતુ ભાગ્યના જોરે રાજકીય આલમમાં ખેંચાયા. ૧૯૭પમાં સામાજીક કાર્યના સથવારે રાજકીય આલમમાં એન્ટ્રી મારી. પાયાના કાર્યકરથી કરી શરૂઆત. ૧૦ વર્ષની અથાગ મહેનત બાદ તેઓ જીલ્લા ઉપપ્રમુખ બન્યા. બસ ત્યાર પછી તેમની ગાડી સડસડાટ દોડવા લાગી.

ત્યારબાદ ૧૯૮૮માં તેઓ બીજેપી જીલ્લા મંત્રી બન્યા. ૧૯૯૧માં રાજયના કાઉન્સીલ સભ્ય બન્યા. ર૦૦રમાં ફરી પાછા તેઓ રાજયના કાઉન્સીલ સભ્ય બન્યા. કયારેક સ્ટેજ ઉપર તો કયારેક પડદા પાછળ..

૧૯૯પમાં ધારાસભ્ય મંત્રી સહિતની વિવિધ ભૂમિકાઓ સુપેરે બજાવી મતદારો ઉપરાંત ભાજપ નેતાગીરીમાં પણ માનીતા રહ્યા અને જેને પગલે જ ર૦૧૪માં તક મળી લોકસભા ચૂંટણીની અને તેઓ બે લાખ કરતા વધુ મતોના માર્જીનથી ભવ્ય રીતે જીત્યા પણ ..

આંતરિક વિરોધ, બ્લેક મેઇલીંગનો કિસ્સો  જેવા મુદ્દાને નજર અંદાઝ કરીએ તો એકંદરે ડો. કે.સી. પટેલને ફરી વાર આ બેઠક જીતવી સરળ જણાય છે.

:: અહેવાલ ::

જીતેન્દ્ર રૂપારેલીયા, વાપી

આંકડાકીય  ગ્રાફીકસ 'ડેઈટલાઈન ગુજરાત'ના હિમાંશુ ભાયાણીના સૌજન્યથી

મો.૯૮૨૫૦ ૬૯૯૨૪

:: સંકલન ::

જયદેવસિંહ જાડેજા

(11:35 am IST)