Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

મહેબુબા પર તેના જ મત વિસ્તારમાં પથ્થરમારોઃ માંડમાંડ થયો બચાવ

પથ્થરમારામાં મહેબુબા મુફ્તીને કોઇ નુકસાન થયું નથી, પરંતુ તેમના કાફલાનું એક વાહન ક્ષતિગ્રસ્ત થઇ ગયું. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને પથ્થરમારો કરનારા લોકોનું સર્ચન ઓપરેશન ચાલુ કર્યુ

અનંતનાગ, તા.૧૬: જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીનાં કાફલા પર સોમવારે તેમના ગૃહક્ષેત્રમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અનંતનાગનાં બિજબેહડા વિસ્તારમાં મહેબુબાના કાફલા પર પથ્થરમારો થયો. આ પથ્થરમારામાં મહેબુબા મુફ્તીને કોઇ નુકસાન થયું નથી, પરંતુ તેમના કાફલાનું એક વાહન ક્ષતિગ્રસ્ત થઇ ગયું. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને પથ્થરમારો કરનારા લોકોનું સર્ચન ઓપરેશન ચાલુ કર્યુ.

મળતી માહિતી અનુસાર મહેબુબા સોમવારે કેટલાક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અનંતનાગના બિજબેહડા જઇ રહ્યા હતા. સોમવારે સવારે તેઓ અનંતનાગ ખાતે કરીમ શ્રાઇન પર માથુ ટેકવવા માટે પહોંચ્યા હતા અનેત ્યાર બાદ તેઓ બિજબેહડામાં આયોજીત કાર્યકર્તા સમ્મેલનમાં જવા માટે કાફલા સાથે રવાના થયા હતા. આ તરફ સિરહમા નજીક મહેબુબા મુફ્તીનાં કાફલા પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો અને પછી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.

આ પથ્થરમારામાં મહેબુબા માંડમાંડ બચી ગયા, જયારે કાફલામાં રહેલું એક વાહન ક્ષતીગ્રસ્ત થઇ ગયું હતું. અધિકારીક સુત્રો અનુસાર વાહન પર પથ્થરમારાની ઝપટે ચડી ગયું તે મહેબુબાનાં કાફલાની એસ્કોર્ટ કાર હતી. ઘટના બાદ મહેબુબાએ સુરક્ષા કર્મચારીઓએ જેમ તેમ કરીને સુરક્ષીત વિસ્તારમાંથી બહાર કાઢી, ત્યાર બાદ જવાનોએ પથ્થરમારો કરનારા યુવકોને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ કર્યુ હતું.

અનંતનાગનું બિજબેહડા વિસ્તાર મહેબુબાનું ગૃહક્ષેત્ર છે. મહેબુબા મુફ્તી આ વખતે અનંતનાગની સીટથી પણ લોકસભા ચૂંટણી ઉમેદવાર છે. મહેબુબા મુફ્તી અગાઉ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચુકયા છે. અનંતનાગની સીટને કાશ્મીરની અતિસંવેદનશીલ લોકસભા સીટ માનવામાં આવી છે. ચૂંટણી પંચે સુરક્ષાને ધ્યાને રાખી અહીં ત્રણ તબક્કામાં મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે.

(10:01 am IST)