Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ટિક ટોક એપ પર પ્રતિબંધ લાદવા મદ્રાસ હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવા સુપ્રિમકોર્ટનો ઇનકાર :22મીએ સુનાવણી

નવી દિલ્હી ભારતમાં લોકપ્રિય એપ ટિકટોકને લઇને આજે સુપ્રીમમાં સુનાવણી કરાઇ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ટિક ટોક એપ પ્રતિબંધ લાદવાના મદ્રાસ ઉચ્ચતમ ન્યાયાલયના આદેશ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠ આ અંગે આગામી 22 એપ્રિલે સુનાવણી હાથ ધરશે. આવતીકાલે મદ્રાસ ઉચ્ચતમ ન્યાયાલય આ અંગે સુનાવણી કરવાની હોવાથી સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે 22 એપ્રિલ નક્કી કરી છે.

 

સર્વોચ્ચ ન્યાયાલય ટિક ટોક એપ પર પ્રતિબંધ લાદવાના કેન્દ્રને નિર્દેશ સંબંધિત મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયના આદેશ વિરુદ્વ કરાયેલી અરજી પર 15 એપ્રિલના રોજ સુનાવણી કરવા માટે સહમત થયું હતું. ન્યાયાલયે આ એપ મારફતે અશ્લીલ સામગ્રીના લોકો સુધી ફેલાવા પર રહેલી ચિંતાને નજરમાં રાખીને નિર્દેશ આપ્યો હતો.

અગાઉ ઉચ્ચ ન્યાયાલયની મદુરે ખંડપીઠે 3 એપ્રિલના રોજ કેન્દ્રને નિર્દેશ કરીને મોબાઇલ એપ્લિકેશન ટિક ટોક પર પ્રતિબંધ લાદવા કહ્યું હતું. તેઓએ આ એપ મારફતે અશ્લિલ સામગ્રી લોકો સુધી ફેલાતી હોવાની ચિંતા વ્યક્ત કરી હતી.

(12:00 am IST)