Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રશિયન ડોકટર કહે છે '‘કૈલાસ''માંથી રાત્રે અવાજો આવે છે

હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મ માટે કૈલાસ પવિત્ર મનાય છેઃ કૈલાસ પર્વતની ચારે બાજુ અલોૈકિક શકિતઓનો ધોધ : કૈલાસ પર્વત એ માનવસર્જીત વિશાળકાય અલોૈકિક પિરામીડ છેઃ પ્રાચીનકાળમાં નિર્માણ થયેલ

એક રશિયન ડોકટરે થોડા વર્ષ પહેલા કૈલાસ માનસરોવરની યાત્રા કરી હતી.  તેણે દાવો કર્યો છે કે કૈલાસ પર્વત હકીકતમાં એક પ્રાચીન માનવ સર્જીત પિરામીડ છે, જે અનેક નાના નાના પિરામીડોથી ઘેરાયેલો છે. જેના તાણાવાણા ગીઝા અને રીઓપ્યુઆકાન (મેકસીકો) ના પિરામીડો સાથે જોડાયેલા છે.

હિમાલયન પર્વતમાળાના સમુદ્રની સપાટીથી ૬૭૧૮ મીટર ઉંચા કૈલાસ પર્વતને હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મના અનુયાયીઓ પવિત્ર ગણે છે. હિન્દુઓનું માનવું છે કે ભગવાન શિવનો વાસ આ પર્વત પર છે. અહીં જ તેમણે પોતાની સમાધી લગાવી હતી. તિબેટી બૌદ્ધો માને છે કે પરમ આનંદના પ્રતિક એવા બુદ્ધ ડેમચોક (ધર્મપાલ) કૈલાસ પર્વતના અધિષ્ઠાતા દેવ છે અને તે કૈલાસ પર્વત પર રહે છે. જયારે જૈન ધર્મના અનુયાયી કૈલાસને અષ્ટાપદ કહે છે. તેમનું માનવું છે કે પહેલા તિર્થકર ઋષભ દેવે અહીં જ નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું.

આજ સુધી કોઇ માણસ આ પવિત્ર પર્વત પર નથી ચડી શકયો. જેણે પણ ચડવાની કોશિષ કરી તેનું મોત થયું હતું. આ અંગે ઘણી બધી વાતો પ્રચલિત છે. ચીન સરકારે કૈલાસ પર્વતની ધાર્મિક સંવેદનશીલતાને જોતા પર્વતારોહકો પર મનાઇ ફરમાવેલી છે. એવી વાતો પણ સાંભળવા મળે છે કે ૧૯મી અને ૨૦મી સદીમાં કેટલાક પર્વતારોહકોએ તેના પર ચડવાની કોશિષ કરી હતી પણ તેઓ ગુમ થઇ ગયા હતા.

કૈલાસ પર ચઢતા જ ઉમર વધવા લાગે છે

રશિયન ડોકટર એર્નસ્ટ મુલ્દાશિફે પોતાના સંસ્મરણોમાં લખ્યું છે કે તેમને એક સાઇબીરીયન પર્વતારોહકે જણાવ્યું હતું કે, કેટલાક પર્વતારોહકો કેવી રીતે એક ખાસ પોઇન્ટ સુધી પહોંચ્યા હતા. ત્યાર પછી અચાનક તેઓ ઘરડા દેખાવા લાગ્યા હતા. તેના એક વર્ષ પછી વૃદ્ધાવસ્થાના કારણે તેમના મોત થયા હતા.

પ્રસિદ્ધ રશિયન ચિત્રકાર નિકોલય રેરિખને એવો વિશ્વાસ હતો કે કૈલાસની આસપાસના વિસ્તારમાં શમ્બાલા નામનું એક રહસ્યમય રાજ્ય છે. હિંદુઓના કેટલાક સંપ્રદાય આ શમ્બાલા રાજ્યને કપાપાનામે ઓળખે છે, જયાં ફકત સિદ્ધો અને તપસ્વીઓ જ રહે છે.

૧૯૯૯માં રશિયાના આંખના ડોકટર એર્નસ્ટ મુલ્દાશિફે નક્કી કર્યું કે તે કૈલાસ પર્વતના રહસ્યો ખોલવા માટે તે વિસ્તારમાં જશે. તેમની ટીમમાં ભૂવિજ્ઞાન અને ભોૈતિક શાસ્ત્રના નિષ્ણાંત અને ઇતિહાસકાર પણ શામેલ હતા. આ ટીમના સભ્યોએ કેટલાય તિબેટી લામાઓ સાથે મુલાકાતો કરી. પવિત્ર કૈલાસ પર્વતની આજુબાજુ કેટલાય મહિનાઓ વિતાવ્યા પછી મુલ્દાશિફે એક પુસ્તક પણ લખ્યું જેનું નામ હતું વ્હેર ડુ વી કમ ફ્રોમ. તેમાં તેમણે કૈલાસ યાત્રાની ઘણી વાતો કરી છે.

રશિયન ડોકટરનું તારણ

લાંબો સમય ત્યાં રહ્યા પછી મુલ્દાશિફની ટીમ એવા તારણ પર પહોંચી કે હકીકતમાં કૈૈલાસ પર્વત એક વિશાળ માનવ સર્જીત પિરામીડ છે. જેનું નિર્માણ પ્રાચીન કાળમાં કરાયું હતું. તેમનો દાવો છે કે આ પિરામીડ ઘણા બધા નાના નાના પિરામીડોથી ઘેરાયેલ છે અને તે પારલોૈકિક ગતિવિધિઓનું કેન્દ્ર છે.

ત્યાંથી પાછા આવ્યા પછી મુલ્દાશિફે લખ્યું, ''રાતના સન્નાટામાં પહાડની અંદરથી એક વિચિત્ર પ્રકારનો ગણગણાટનો અવાજ સંભળાય છે. એક રાત્રે મેં મારા બે સાથીદારો સાથે પથ્થરો પડતા હોય તેવો અવાજ સ્પષ્ટપણે સાંભળ્યો હતો. આ અવાજ કૈલાસ પર્વતના પેટાળની અંદરથી સંભળાતો હતો. અમને એવું લાગ્યું કે જાણે આ પિરામીડની અંદર કેટલાક લોકો રહે છે.''

રશિયન નિષ્ણાંતોની ટીમને રાતમાં કૈલાસની અંદરથી વિચિત્ર અવાજો સંભળાતા હતા. એવું લાગતું હતું કે જાણે કેટલાય લોકો પર્વતની અંદર કંઇક કરી રહ્યા  હોય.

આ લેખમાં તેમણે આગળ લખ્યું છે, ''તિબેટીયન ગ્રંથોમાં લખ્યું છે કે શમ્બાલા આધ્યાત્મિક દેશ છે, જે કૈલાસ પર્વતની ઉત્તર પશ્ચિમે આવેલો છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ વિષય પર ચર્ચા કરવી મારા માટે મુશ્કેલ છે. હું સંપૂર્ણ સકારાત્મકતા સાથે એમ કહી શકું કે કૈલાસ પર્વતનો વિસ્તાર સીધેસીધો પૃથ્વીના જીવન સાથે જોડાયેલો છે. અમે જયારે ''સિદ્ધો અને તપસ્વીઓના રાજ્ય'' તથા પિરામીડ અને પથ્થરોના દર્પણ''ને ભેગા કરીને એક યોજનાબદ્ધ નકશો બનાવ્યો તો અમે એ જોઇને આશ્ચર્ય પામી ગયા કે તે નકશો જાણે ડીએનએના અણુની રચનાનો નકશો હોય તેવો દેખાતો હતો.

ચારે બાજુ અલોૈકિક શકિતનો પ્રવાહ

કૈલાસ પર્વત અને તેની આજુબાજુના વાતાવરણ પર અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિક ઝાર નિકોલાઇ રોમનોવ અને તેમની ટીમે તિબેટના મંદિરોમાં ધર્મગુરૂઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે કૈલાસ પર્વતની ચારે તરફ અલોૈકિક શકિતનો પ્રવાહ હોય છે જેમાં તપસ્વીઓ આજે પણ આધ્યાત્મિક ગુરૂઓ સાથે ટેલીપથીક સંપર્ક કરે છે.

(3:37 pm IST)