Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

બનાસકાંઠા બેઠક ઉપર ત્રિ-પાંખીયો જંગઃ ભાજપના પરબત પટેલ અને કોંગ્રેસના પરથી ભટોળની મુખ્ય હરિફાઈ વચ્ચે ક્ષત્રિય સેનાના સ્વરૂપજી ઠાકોર વિલનરૂપ

બનાસકાંઠા બેઠક પર ભાજપ - કોંગ્રેસના ઉમેદવાર સહિત ૧૬ પ્રત્યાશી : પરબત પટેલ ભાજપના વર્તમાન કેબીનેટ મંત્રી છે જયારે પરથી ભટોળ સહકારી ડેરી ઉદ્યોગના મહારથી છે અને ઠાકોર સમાજમાં સારૂ વર્ચસ્વ ધરાવતા કોંગી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો ટેકો ધરાવે છે જો કે તેમને 'પેરાશુટ' ઉમેદવાર ગણવામાં આવે છે : કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારોને 'પ્રોકસીવોર'નો ભય સતાવે છે : બંને વચ્ચે અલ્પેશ ઠાકોરે અપક્ષ સ્વરૂપજીને ઉતારી કુકરી ગાંડી કરી છેઃ ચૌધરી પટેલ અને ઠાકોરના પ્રભુત્વવાળી આ સીટ ઉપર પરથી ભટોળના જુના ભાજપી સહકારી હરીફ ઠાકોર અગ્રણીના ખભ્ભે બંદૂક રાખી તૈયારીમાં બેઠા છેઃ દુષ્કાળગ્રસ્ત સરહદ પરના વાવ, થરાદ, સુઈગામ, ભાભરના રહેવાસીઓની હાલત અત્યંત દયનીય : લોકાભિમુખ પગલાનો સર્વથા અભાવ રહ્યો છે

રાજકોટ, તા. ૧૪ : ઉત્તર ગુજરાતની  સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા લોકસભા બેઠક પૈકી શનિવારે આપણે પાટણ બેઠકના લેખા-જોખાં વાંચકો માટે પ્રસ્તુત કર્યા હતા. આજે ઉત્તર ગુજરાતની બનાસકાંઠા સીટની સ્થિતિ વિશે આંકડા સાથે સંક્ષિપ્તમાં પરંતુ સરળતાથી સમજી શકાય તેવી માહિતી આપી રહ્યા છીએ. ૨૦૦૯ અને ૨૦૧૪ની આંકડાકીય સમીક્ષામાં જમીન - આસમાનનો ફેર રહ્યો હતો. આ આંકડાઓ આપણને સ્ત્રી - પુરૂષ મતદારોની સંખ્યામાં કેટલો વધારો થયો તે સમજાવી આવનારી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ તો નહિં પરંતુ અડસઠ્ઠો માંડવારૂપ ચોક્કસપણે ઉપસાવી શકશે.

બનાસકાંઠા બેઠક

ઉત્તર ગુજરાતની ૪ બેઠકો પૈકી ૨ બેઠકો ૨૦૦૯ની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી હતી જયારે ૨ બેઠકો ભાજપે હસ્તગત કરી હતી. બનાસકાંઠા બેઠક પરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મુકેશકુમાર ભૈરવદાનજી ગઢવી ૧૦,૩૦૧ મતના ઓછા માર્જીનથી જીત્યા હતા. જયારે ૨૦૧૪ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની ચારે ચાર બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કબ્જે કરી હતી. બનાસકાંઠા બેઠક પરથી હરીભાઈ ચૌધરી ૨,૦૨,૩૩૪ની તોતીંગ બહુમતીથી જીત્યા હતા. તેમનો વોટશેર ૨૩.૨૮% રહ્યો હતો. ૨૦૧૯ની આગામી ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપે આ બેઠક પરથી વર્તમાન કેબીનેટ મંત્રી પરબત પટેલને ઉતાર્યા છે જયારે કોંગ્રેસે સહકારી ડેરી ઉદ્યોગના માંધાતા પરથી ભટોળને ભાજપને મ્હાત કરવા મેદાનમાં મોકલ્યા છે. આ બંને વચ્ચેની મુખ્ય હરિફાઈમાં વિલનરૂપ ભૂમિકા ભજવવા અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય સેનાના સ્વરૂપજી ઠાકોરને અપક્ષ ઉતાર્યા છે. આમ, આ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. સ્વરૂપજી ઠાકોરને સ્થાનિક લોકો પરથી ભટોળ માટે વિલનરૂપ માને છે. કારણ કે, અલ્પેશ ઠાકોર જે કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય હતા. તેમણે તાજેતરમાં જ કોંગ્રેસને 'બાય બાય' કરી દીધું છે. સાથોસાથ તેમણે જે ઉચ્ચારણો કર્યા છે. તે જોતા ક્ષત્રિય સેનાના સભ્યોને તેઓ સ્વતંત્ર રીતે જુદી - જુદી બેઠકો ઉપરથી મેદાને ઉતારશે. આ જોતાં સ્વરૂપજી ઠાકોરને બનાસકાંઠા બેઠક પર અલ્પેશ ઠાકોરે વિલનની ભૂમિકા ભજવવા ઉતાર્યા હોવાનું ચિત્ર ઉપસે છે. જાણકારોનું કહેવું છે કે સ્વરૂપજી ઠાકોર મહદ અંશે કોંગ્રેસના પરથી ભટોળને નડી શકે છે.

બીજી તરફ પરથીભાઈ ભટોળની બાજુમાં વાવના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર મજબૂત રીતે ઉભા છે. ઠાકોર સમાજમાં અલ્પેશ કરતાં પણ ગેનીબેનનું વર્ચસ્વ આ વિસ્તારમાં વધારે હોવાનું કહેવાય છે. ત્રિ-પાંખીયા જંગમાં અન્ય ૧૩ ઉમેદવારો પણ મેદાને છે.

દરમિયાન બનાસકાંઠાના પ્રતિનિધિ જયંતિભાઈ ઠક્કરના અહેવાલ મુજબ ભાજપે કેબીનેટ મંત્રી પરબતભાઈ પટેલ અને કોંગ્રેસે સહકારી આગેવાન અને બનાસ ડેરીના ભૂતપૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળને કોંગ્રેસ પ્રવેશ આપી ટિકીટ આપી છે. ક્ષત્રિય સેનાએ બંને પક્ષો પાસે ટિકીટ માગી હતી પણ ચૌધરી સમાજનું આ બેઠક ઉપર પ્રભુત્વ હોય તેમને અગ્રતા આપવામાં આવી હતી. સાથોસાથ પાટણ બેઠક પર ઠાકોર ઉમેદવારને ઉતાર્યા હોય બંને પક્ષોએ આ બેઠક પર જ્ઞાતિ ગણિત માંડ્યા હોય તે સ્વાભાવિક છે. ક્ષત્રિય સેનાએ સ્વરૂપજીને ઉતારતા ચૂંટણી રસપ્રદ બની છે. ભાજપના પરબત પટેલને તેમના જ પક્ષના અસંતુષ્ટ અગ્રણીઓ અને કાર્યકરોનો ભય સતાવી રહ્યો છે. જયારે કોંગ્રેસમાં પણ આ બેઠકના ઘણા સીનીયર આગેવાનો દાવેદાર હતા. એક સમયે ટિકીટ પણ કન્ફર્મ થઈ ગઈ હતી. ગમે ત્યારે જાહેરાત થવાની ઘડીઓ ગણાતી હતી. એ વચ્ચે પરથી ભટોળની પસંદગી કોંગ્રેસે કરતાં જૂના અને જાણીતા આગેવાનોમાં નારાજગી વ્યાપી હોય અને મને - કમને પ્રચારમાં જોડાતા હોય તેવું દેખાય રહ્યું છે. બંને તરફે અસંતુષ્ટો કેટલા જોશથી પડખે ઉભા રહે છે અને કેટલી તાકાતથી અંદરખાને વિરોધી કાર્ય કરે છે તે મતપેટી ખુલશે ત્યારે જ બહાર આવશે.

લોકોના સ્થાનિક પ્રશ્નોની ભરમાર છે. આ બેઠક ઉપર વાવ, થરાદ, સુઈગામ, ભાભર જેવા વિસ્તારો આવેલા છે. જે પાકિસ્તાન અને ભારતની સરહદ પરના ગામો છે. આ ગામોની સ્થિતિ અત્યંત દયનીય છે. પીવાના પાણી માટે ૫-૫ કિલોમીટર દૂર સુધી જવું પડે છે ત્યારે ઢોર - ઢાંખરનું તો કહેવું જ શું? વાવ અને થરાદ પાકિસ્તાન સરહદના નરાબીટ નજીક આવેલા છે. આ વિસ્તારના લોકોની સ્થિતિ અત્યંત ખરાબ છે. પાણી ભરેલા ટેન્કરનું લોટરી જેવું છે. લાગે તો બાણ નહિં તો થોથા જેવી ગ્રામજનોની હાલત છે. સાથોસાથ નર્મદા કેનાલના કર્મચારીઓ - કોન્ટ્રાકટરોની મિલીભગતથી અત્યંત નબળુ કામ થયુ હોવાથી લોકસભા વિસ્તારમાં જયાં ખેતી થાય છે ત્યાં ગાબડા પડવાથી ઉભા પાકમાં પાણી ફરી વળવાથી ખેડૂતોને નુકશાન અનેક વખત થઈ ચૂકયો છે. છેલ્લા કેટલાક સમયથી તો સરકારે નર્મદા કેનાલમાં પાણી જ છોડ્યું નથી. આ બધા મુદ્દા સરકાર સામે મોંહ ફાડી ઉભા છે.

બનાસકાંઠા લોકસભાની ૭ પૈકી ૫ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસનો કબ્જો :

હળીમળીને ચાલે તો ભાજપને ભારે પડી જાય

રાજકોટ, તા. ૧૫ બનાસકાંઠા લોકસભાની બેઠક પર ભાજપ - કોંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ જામવાનો હતો એ વચ્ચે ક્ષત્રિય ઠાકોર સેનાએ અપક્ષ તરીકે સ્વરૂપજી ઠાકોરને ઉતાર્યા છે. આ લોકસભા ક્ષેત્રમાં ૭ વિધાનસભા બેઠક આવેલી છે. આ પૈકી વાવ, ધાનેરા, દાંતા, પાલનપુર અને દિયોદર એમ ૭ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયેલા છે. જયારે ડીસા અને થરાદ બેઠક પર ભાજપના ધારાસભ્ય ચૂંટાયેલા છે. વિધાનસભા બેઠકના આ આંકડા સામાન્યતઃ એવું સુચવે છે કે જો પાંચે પાંચ બેઠકના ધારાસભ્યો લોકસભાના ઉમેદવાર સાથે ખભે ખભા મિલાવી ચાલે તો ભાજપને ભારે પડી જાય તેમ છે.  પરંતુ પ્રવર્તમાન ચૂંટણીઓમાં લોકહિત અને લોકશાહીને કિનારે મૂકીને તડજોડની રાજનીતિ જ થઈ રહી હોવાનું સૌ કોઈ જાણે છે ત્યારે પરિણામો શું આવી શકે  તે વિશે ભવિષ્ય ન ભાંખી શકાય.

બનાસકાંઠા લોકસભા બેઠકના જાતિગત સમીકરણો

ચૌધરી પટેલ

૪,૬૧,૭૬૬

ઠાકોર

૩,૫૬,૧૨૪

દલિત

૨,૨૧,૯૦૦

મુસ્લિમ

૧,૬૬,૩૪૪

દેસાઈ

૧,૪૧,૦૦૮

રાજપૂત

૧,૨૫,૨૦૦

એસટી

૧,૦૨,૦૦૦

બ્રાહ્મણ

૯૧,૫૫૬

પ્રજાપતિ

૯૦,૦૦૦

અન્ય

૧,૮૧,૦૧૫

બનાસકાંઠા બેઠક પર મતદારોનું સરવૈયુ

કુલ મતદારો

૧૯,૩૭,૩૧૩

પુરૂષ મતદારો

૧૦,૦૭,૩૨૧

સ્ત્રી મતદારો

૦૯,૨૯,૯૯૨

બનાસકાંઠા બેઠકની સ્થાનિક સ્થિતિનો ચિતાર - જયંતિભાઈ ઠક્કર

આંકડાકીય  ગ્રાફીકસ 'ડેટલાઈન ગુજરાત'ના હિમાંશુ ભાયાણીના સૌજન્યથી

મો.૯૮૨૫૦ ૬૯૯૨૪

:: અહેવાલ ::

જયદેવસિંહ જાડેજા

(11:45 am IST)
  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • " ફેક ન્યુઝ " : બોગસ વોટિંગ માટે બનાવટી આંગળીઓ વપરાઈ રહી છે : પોલીંગ બુથ ઉપર બેઠેલા અધિકારીઓએ શાહીનું નિશાન કર્યા પછી આંગળી ખેંચી જોઈ ખાતરી કરવી : સોશિઅલ મીડિયામાં ફેસબુક અને ટ્વીટર ઉપર વાઇરલ થઇ રહેલા ન્યુઝ માં દર્શાવાતો ફોટો જાપાનની ગેંગસ્ટર માટેનો છે : તેને ભારતની લોકસભાની ચૂંટણીઓ સાથે કંઈ લેવા દેવા નથી : ટાઈમ્સ ફેક્ટ ચેકનો અહેવાલ access_time 6:40 pm IST