Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કર્ણાટકમાં કોંગ્રેસમાં ગૃહયુધ્ધઃ સિધ્ધારમૈયા સામે જોરદાર દેખાવો

મુખ્યમંત્રીએ ટીકીટમાં મનમાની કર્યાના કોંગી નેતાઓનો આક્ષેપઃ આ ચુંટણી રાહુલ માટે પ્રતિષ્ઠાના જંગ જેવી છે

 બેંગ્લુરુઃ કોંગ્રેસ કર્ણાટકની ચુંટણી માટે ૨૧૮ ઉમેદવારનું પ્રથમ લીસ્ટ જાહેર કરતા પાર્ટીમાં ઉકળાટ બહાર આવવા લાગ્યો છે. કોંગ્રેસ સતા ટકાવી રાખવા કર્ણાટકમા એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે જ બગાવત શરૂ થઇ ગઇ છે. કેટલાક નારાજ પાર્ટી નેતાઓને રાજીનામા આપવાની ચિમકી સુધ્ધા ઉચ્ચારી દીધી છે. આખા રાજયમાં કેટલીક જગ્યાએ કોંગ્રેસ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન પણ થઇ રહયું છે. બધી તરફથી મુખ્યમંત્રી સિધ્ધામૈયા ઉપર ટીકીટ વહેંચણીમાં મનમાની કરવાના આરોપો લાગી રહયા છે.

 કર્ણાટકના હંગલ, માયાકોંડા, જગલપુર, તિપ્તુર, કુનિગલ, કોલાર, કોલ્લેગલ, બેલુર, બદામી, કિત્તુર, જલમંગલા અને અન્ય કેટલીયય વિધાનસભા બેઠકોમાં અસંતોષનો ચરુ ઉકળી ઉઠયો છે. હંગલ ચાલુ ધારાસભ્યની ટીકીટ કપાતા તેમના સમર્થકોએ જોરદાર વિરોધ કર્યા છે. જયારે જગલપુરના ધારાસભ્ય એચપી રાજેશ સિધ્ધારમૈયાને મળવા બેંગલુરૂ પહોંચી ગયા છે.

 કિત્તુરમાં કોંગ્રેસ ટીકીટની જાહેરાત કરી નથી. અહિથી ડીબી ઇનામદાર સતત પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચુંટાઇ રહયા છે. તેવામાં સુત્રો તરફથી મળતી વિગતો મુજબ તેમની જગ્યાએ તેમના સબંધી બાબા સાહબ પાટીલને ટીકીટ આપી શકે છે. તેવામાં ઇમાનદારના સમર્થકોમાં પણ રોષ વ્યાપી ગયો છે. જયારે નેલમંગલાના કોંગ્રેસી નેતા અંજના મુર્થીને ટીકીટ ન અપાતા તેમના સમર્થકો દ્વારા રસ્તા ઉપર જામ લગાડી ટાયર સળગાવ્યા હતા.

 ટીકચથી ચુંટણી લડવાની જાહેરાત કરનાર પી રમેશ ૨૦૧૩માં અહિથી હાર્યા બાદ સિધ્ધાર મૈયા ઉપર આક્ષેપ કરેલ કે આ ઇન્દિરાવાળી કોંગ્રેસ નથી આ સિધ્ધારમૈયાની કોંગ્રસ છે. ૨૦૧૩માં સિધ્ધામૈયાએ રમેશને આ ટીકીટ માટે દાવો છોડવાનું કહયાનું કોંગ્રેસીઓમા ચર્ચા ચાલી હતી.

 કોંગ્રેસના સુત્રો પાર્ટી નેતાઓ વચ્ચે ઉભા થયેલ મતભેદનું મુળ મલ્લીકાર્જુન ખડગે અને શિવકુમાર જેવા નેતાઓ વચ્ચેની રંજીસ હોવાનું કહી રહયા છે. બંને નેતાઓ વચ્ચેના ભાગલાની અસર દેખાઇ રહી છે. જો કે બધા નારાજ નેતાઓ વચ્ચે હાલ કેન્દ્રમાં સિધ્ધારમૈયા જ મુખ્ય કારણ છે. ટીકીટ ન મળતા સિધ્ધારમૈયા માટે કેટલાક નેતાઓએ તો '' તાનાશાહ'' જેવા શબ્દ પ્રયોગ પણ કરી નાખ્યો છે.

 રાષ્ટ્રીય રાજકારણમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે કોંગ્રેસ  કર્ણાટકના કિલાને બચાવવો એક પડકાર બની ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મેગા રેલી કરી રહયા છે.  અને કોંગ્રેસે સિધ્ધારમૈયાને પુરી છુટ આપી દીધી છે, એવામાં સિધ્ધારમૈયા પર ડિકટેટશિપનો આરોપ કોંગ્રેસ માટે આંચકાથી ઓછો નથી. પાર્ટીએ તુરંત ૪ સીનીયર નેતાઓની ડેમેજ કંટ્રોલ ટીમ બનાવી નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી સોંપી દીધી છે.  હવે રાહુલ ગાંધી માટે ગૃહયુધ્ધ વચ્ચે કર્ણાટકની ચુંટણી જીતવી પ્રતિષ્ઠાનો જંગ ગયો છે. (૪૦.૭)

 

(4:00 pm IST)