Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

લિક્વિડિટી સાથે કટોકટીગ્રસ્ત યસ બેંકની સહાય કરાશે : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ

યસ બેંકના થાપણદારોના પૈસા બિલકુલ સુરક્ષિત : ખાનગી સહિતના બેંકિંગ સેક્ટર બિલકુલ સુરક્ષિત હોવાની ખાતરી : વાયરસના ભયની વચ્ચે ડિજિટલ પેમેન્ટ જરૂરી

નવી દિલ્હી, તા. ૧૬ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે કહ્યું હતું કે, આરબીઆઈ લિક્વિડીટી સાથે કટોકટીગ્રસ્ત યસ બેંકને મદદ કરશે. સાથે સાથે ડિપોઝિટરોને ખાતરી આપી હતી કે, તેમના નાણાં બિલકુલ સલામત છે. દાસે કહ્યું હતું કે, આરબીઆઈ અને ભારત સરકારે યસ બેંક કટોકટીના સંદર્ભમાં ખુબ ઝડપી પગલા લીધા છે. રિકન્સ્ટ્રક્શન વિશ્વસનીય બાબત રહેલી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, બેંકના સંદર્ભમાં લાદવામાં આવેલી શરતો ૧૮મી માર્ચ સુધી રહેનાર છે. ત્યારબાદ નવા બોર્ડમાં તમામ જવાબદારી ૨૬મી માર્ચે આવશે. આરબીઆઈના ગવર્નરે ખાતરી આપતા કહ્યું હતું કે, ખાનગી સહિત ભારતીય બેંકિંગ સેક્ટર બિલકુલ સુરક્ષિત છે. બેંકિંગ સેક્ટરને લઇને દહેશતને રહેવા માટે કોઈ કારણ નથી.

        ત્રીજી એપ્રિલના દિવસે આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક પહેલા રેટમાં ઘટાડાના સંદર્ભમાં શક્તિકાંત દાસે કહ્યું હતું કે, ઉભી થનાર પરિસ્થિતિ મુજબ મોનિટરી પોલિસી કમિટિ દ્વારા નિર્ણય લેવામાં આવશે. દાસે એમ પણ કહ્યું હતું કે, રેટમાં ઘટાડો એમપીસી મારફતે લેવામાં આવશે. જો કે, કોઇ માહિતી આપવાનો દાસે ઇન્કાર કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, રિઝર્વ બેંક કેટલાક અન્ય પોલિસી ઇન્સ્ટ્રુમેન્ટ ધરાવે છે. તમામનો ઉપયોગ જ્યારે પણ રૂ પડશે ત્યારે કરવામાં આવશે. બજારમાં એવી અપેક્ષા છે કે, રેટમાં ઘટાડો કરવામાં આવનાર છે.

         કારણ કે, અમેરિકી ફેડરલ રિઝર્વ, યુરોપિયન સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઇંગ્લેન્ડ સહિત ૪૩થી વધુ અન્ય સેન્ટ્રલ બેંકો દ્વારા રેટમાં ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. જો કે, આરબીઆઈએ ૨૩મી માર્ચના દિવસે બે અબજ ડોલર-રૂપી સ્વપના બીજારાઉન્ડની જાહેરાત કરી હતી. આરબીઆઈના ગર્વનરના નિવેદન બાદ રોકાણકારોને આંશિક રાહત થઇ છે. ભારતીય અર્થતંત્ર ઉપર કોરોના વાયરસની અસરના સંદર્ભમાં દાસે કહ્યું હતું કે, ટ્રેડ ચેનલો મારફતે તેની સીધી અસર થાય છે. ચીનમાં પણ આવી રીતે અસર થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં પણ પેન્ડેનિક સામે કોઇ દવા બની નથી. સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવાઈ રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્ય છે ત્યારે દાસે હાલમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવા કસ્ટમરોને પ્રોત્સાહન આપવા બેંકોને સલાહ આપી છે. ફિઝિકલ કરન્સીના મર્યાદિત ઉપયોગની પણ વાત કરવામાં આવી છે.

(7:44 pm IST)