Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના ન હોય તેવી જગ્યાએ નજર દોડાવતા સહેલાણીઓ

ફોરેનમાં શ્રીલંકા અને મોરેશીયસમાં હજુ કોરોના ઇફેકટ દેખાતી નથીઃ બાકુ-અલમાટી-રશિયા-જયોર્જિયા-તાન્ઝાનિયમા વિચારી શકાય. : ભારતમાં કુલુ-મનાલી-સિમલા-ડેલહાઉસી-ધરમશાળા-કાશ્મીર-ચારધામ - દાર્જીલિંગ-ગંગટોક-લાચુંગ-પેલિંગ-નૈનિતાલ-મસૂરી-કોર્બેટ-હરીદ્વાર વિગેરે જગ્યાએ જવા લોકોનો વિચાર. : મોટાભાગના સહેલાણીઓ 'વેઇટ એન્ડ વોચ' ના મૂડમાં. : કોરોનાના કહેરથી સૌરાષ્ટ્રનું ૬૦ કરોડનું ટ્રાવેલ માર્કેટ ઢેર થઇ ગયું ?! : ફરવાના શોખીનો નિરાશઃ પસંદગીની જગ્યાએ જવામાં કોરોના 'વિલન' : ટૂર ઓપરેટર્સની હાલત કફોડીઃ રીફંડ લેવા સહેલાણીઓ તૂટી પડયા. : ૯૦ ટકા ઉપરના ટ્રાવેલ એજન્ટસ પાસે છેલ્લા ર૦ દિવસથી નવા બુકીંગ નથી થયા?! થયેલ બુકીંગ રીશેડયુલ કરાઇ રહ્યા છે. : રાજકોટથી મુંબઇ જવા ટ્રેનમાં ચાર-પાંચ દિવસ પછીનું બુકીંગ સરળતાથી કન્ફર્મ થાય છે. : સમગ્ર ભારતમાં ટુરીઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલા સાડા પાંચ કરોડ લોકો કોરોનાનો શિકાર બન્યા વગર જ 'કોરોનાગ્રસ્ત' થઇ ગયા?! રોજીરોટી ઉપર જોખમ. : ર૦૧૯ માં ૧.૦૮ કરોડ વિદેશી પર્યટકો ભારત આવ્યા તથા ર૦૧૯ માં ટુરીઝમ સેકટરમાં ર.૧૦ લાખ કરોડની કમાણી સામે આવી.

રાજકોટ તા. ૧૬ :.. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે ભય સાથે હાહાકાર મચાવ્યો છે ત્યારે બિઝનેસ સંદર્ભે કોરોનાની સૌથી વધુ અસર 'ટ્રાવેલ માર્કેટ' (ટુરીઝમ ક્ષેત્ર) ઉપર પડી હોવાનું અગ્રણી ટૂર ઓપરેટર્સ કહી રહ્યા છે. ઉનાળાના વેકેશન દરમ્યાન આશરે ૬૦ કરોડ રૂપિયા જેટલું ગણાતું  સૌરાષ્ટ્રનું ટ્રાવલ માર્કેટ કોરોનાના કહેરથી ઢેર થઇ ગયાનું જાણવા મળી રહ્યું છે. વેકેશન માટેના થયેલા બુકીંગ કેન્સલ કરાવવા સહેલાણીઓ રીતસર  તૂટી પડયા છે અને એડવાન્સમાં આપેલા. તમામ રૂપીયા ટૂર ઓપરેટર્સ કે પછી હોટલ મેનેજમેન્ટ અને એરલાઇન્સ પાસે પાછા માંગી રહ્યાનું જાણવા મળે છે.

દર વર્ષે વેકેશનમાં અચૂક ફરવા જતા શોખીનો પોતાની પસંદગીની જગ્યાએ આ વખતે ફરવા નહીં જઇ શકતા નિરાશ થઇ ગયાનું દેખાઇ રહ્યું  છે. તો સાથે - સાથે તેઓ જયાં કોરોના વાઇરસ દેખાયો નથી તેવી જગ્યાઓ ઉપર ફરવા જવાનું પણ વિચારી રહ્યાનું રાજકોટના અગ્રણી ટૂર ઓપરેટર્સ કહી રહ્યા છે.

હાલમાં ફોરેનના જ ડેસ્ટીનેશન્સ ઉપર કોરોનાની ઇફેકટ નથી દેખાતી તેમાં શ્રીલંકા અને મોરેશીયસ સાંભળવા મળે છે. જેમાં શ્રીલંકાના ચાર રાત્રી પાંચ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત આશરે ૩પ હજાર આસપાસ મળી શકે છે. એ જ રીતે મોરશીયસના ૬ રાત્રી ૭ દિવસના એકસ મુંબઇ પેકેજીસ પ્રતિ વ્યકિત અંદાજે પપ હજાર આસપાસ મળી શકે છે. આ બંને પેકેજના હાલના ભાવ ઘણાં બધા ડીસ્કાઉન્ટ સાથેના હોવાનું જાણવા મળે છે. જો કે લોકો ફલાઇટમાં ઇન્ફેકશન લાગવાથી ડરી રહ્યાનું  પણ જણાવી રહ્યા છે.

આ ઉપરાંત અબ્રોડ જવાની ઇચ્છા રાખતા  સહેલાણીઓ, બાકુ, અલમાટી, રશિયા, જયોર્જિયા, તાન્ઝાનિયા જેવા ડેસ્ટીનેશન્સ ઉપર જવાનું પણ વિચારી રહ્યા છે. હાલમાં કોઇપણ ડેસ્ટીનેશન ઉપર જવા માટે એરલાઇન્સ ના રૂટ પ્રમાણે પેકેજીસના ભાવો નકકી થતા હોય છે. જેમાં આજના કોમ્પીટીટીવ વર્લ્ડનું અનિવાર્ય ગણાતું પાસુ 'ડીસ્કાઉન્ટ' પણ મેળવી શકાતું હોય છે. હાલમાં અમુક એરલાઇન રૂટ પણ ચેન્જ કરી રહી છે.

કોરોના વાયરસની ઇફેકટ ન હોય અને જયાં સહેલાણીઓ જવાનું વિચારી રહ્યા હોય તેવા ડોમેસ્ટીક ડેસ્ટીનેશન્સમાં કુલુ-મનાલી, સિમલા, ડેલહાઉસી, ધરમશાળા, કાશ્મીર, નૈનિતાલ, દાર્જીલિંગ, ગંગટોક, લાચુંગ, પલિંગ, કોર્બેટ,  મસૂરી, હરીદ્વાર, ચારધામ (બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી) વિગેરેનો સમાવેશ થાય છે.

તમામ પેકેજીસના એકસ દિલ્હી પ્રતિ વ્યકિત અંદાજીત ભાવો જોઇએ તો ઉતરાંચલ (કોર્બેટ, મસૂરી, નૈનિતાલ, હરીદ્વાર)ના ર૦ થી રપ હજાર, સિક્કિમ (દાર્જીલિંગ, ગંગટોક, લાચુંગ, પેલિંગ) ના રપ થી ૩૦ હજાર, હિમાચલ પ્રદેશ (મનાલી, સિમલા, ડેલ હાઉસ, અમૃતસર વિગેરે) ના ર૦ થી રર હજાર તથા ચારધામના ૧ર દિવસના પેકેજના ર૦ થી ૪૦ હજાર જેટલા રૂપિયા થવા જાય છે. જો કે કોરોનાને કારણે મોટાભાગના સહેલાણીઓ  હાલમાં 'વેઇટ એન્ડ વોચ' ની સ્થિતિમાં હોવાનું જાણવા મળે છે.

ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપુર, મલેશીયા, થાઇલેન્ડ, હોંગકોંગ, મકાઉ, સેન્ઝેન, અમેરિકા, યુરોપ (ઇટલી, સ્પેન, ફ્રાન્સ, જર્મની વિગેરે) સહિતના ડેસ્ટીનેશન્સ એક યા બીજી રીતે કોરોનાથી પ્રભાવિત છે ત્યારે ઇન્ટરનેશનલ પેકેજીસ લેવાનું લોકો પ્રીફર કરતા નથી. ઉપરાંત દૂધઇ દ્વારા પણ વિઝા આપવાનું બંધ કરાયાનું જાણવા મળે છે.

ભારતમાં કેરાલામાં કોરોનાની અસર દેખાવા લાગતા સાઉથમાં જવાનું લોકો ટાળી રહ્યા છે. ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ આવીજ સ્થિતિ સર્જાઇ રહી છે

સામાન્ય રીતે વિદેશી પર્યટકો સહિત પ્રવાસીઓની સંખ્યા તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે પ્રવાસીઓ મર્યાદિત થતા જાય છે.

હાલમાં ચાર-પાંચ દિવસ પછી જો કોઇને રાજકોટથી મુંબઇની ટ્રેનની ટીકીટ જોઇતી હોય તો સહેલાઇથી કન્ફર્મ થતી હોવાનું પણ જાણવા મળે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૯૦ ટકા ઉપરના ટ્રાવેલ એજન્ટસ પાસે તો છેલ્લા ર૦ દિવસો દરમ્યાન નવા બુકીંગ ન થયા હોવાનું સંભળાય છ.ે કેન્દ્ર સરકારે પણ ગાઇડ લાઇનમાં કહ્યું છે કે જો જરૂરી (એસેન્સીયલ) અને અનિવાર્ય  હોય તો જ બહાર નિકળવું અને ફરવા જવુ. જેથી કરીને પણ લોકો બહાર જતા પહેલા વિચારતા થયા છે. કારણ કે કોરોના વાયરસ ખૂબજ ઝડપથી ફેલાવા માંડે છે

ટ્રાવેલ એજન્ટસ  જણાવી રહ્યા છે કે સમગ્ર ભારતમાં ટુરીઝમ ક્ષેત્ર સાથે અંદાજે સાડા પાંચ કરોડ જેટલા લોકો સંકળાયેલા છે કે જેમાં ટૂર ઓપરેટર્સ, હોટેલીયર્સ, વ્હીકલ ટૂર ઓપરેટર્સ, તમામ કર્મચારીઓ, તમામના કુટંુબીજનો વિગેરેનો સમાવેશ થાય છે. કોરોનાને કારણે આ તમામ લોકોની રોજીરીટી ઉપર જોખમ ઉભું થયું છે.

પ્રવાસન મંત્રાલય (કેન્દ્ર સરકાર)ના આંકડા મુજબ ર૦૧૯ માં ભારત આવવા વાળા વિદેશી પર્યટકોની સંખ્યા ૧.૦૮ કરોડ હતી. જયારે આ જ સંખ્યા ર૦૧પ માં ૮૦.ર૭ લાખ હતી. ર૦૧૯ માં ટૂરીઝમ ક્ષેત્રમાં ર.૧૦ લાખ કરોડની કમાણી ભારતને થઇ હતી. તે જ કમાણી ર૦૧પમાં ૧.૩પ લાખ કરોડ હતી. આ વર્ષે ર૦ર૦માં કોરોનાને કારણે ભારતમાં ટૂરીઝમ ક્ષેત્રમાં કમાણી તથા વિદેશી પર્યટકોની સંખ્યામાં ઘટાડો થાય તેવી શકયતાઓ દેખાઇ રહી છે.

હાલમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ દ્વારા બુકીંગ કેન્સલ કરાવવામાં આવતા ટૂર ઓપરેટર્સની હાલત પણ કફોડી બની ગઇ છે. તેઓ પાસે કલાયન્ટ્સ પુરા રીફંડની માંગણી કરે છે જયારે મોટાભાગના એરલાઇન્સ કે હોટલ મેનેજમેન્ટ તેઓને રોકડા-પુરા રૂપિયા આપતા નથી પરંતુ ટીકીટ-બુકીંગ એકસટેન્ડ (રીશેડયુલ) કરી આપતા હોવાનું જાણવા મળે છે. જયારે ભવિષ્યમાં ફરવા ન પણ જઇ શકાય તેવું વિચારીને  સહેલાણીઓ પૂરા રીફંડની જ માંગણી કરી રહ્યાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે.  એક અંદાજ પ્રમાણે રાજકોટ તથા સૌરાષ્ટ્ર જ ટૂર ઓપરેટર્સના એડવાન્સ બુકીંગ પેટેના ૧પ થી ર૦ કરોડ રૂપિયા રીફંડરૂપે વિવિધ એરલાઇન્સ તથા હોટલ્સ પાસે લેવાના નિકળે છે.

(3:59 pm IST)