Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ભારતમાં ફરી મોટો હુમલો થવાનો ઝળુંબતો ભય

જૈસ એ મોહમદ - મસૂદ અઝહર અને તાલિબાનોએ હાથ મિલાવ્યાના ખૂફિયા હેવાલો

નવી દિલ્હી તા. ૧૬ : આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ તાલિબાન સાથે મળીને ભારત પર મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓના એક રિપોર્ટ મુજબ પીઓકેમાં ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં કરાયેલી એર સ્ટ્રાઈક અગાઉ જૈશ ચીફ મૌલાના મસૂદ અઝહરે તાલિબાન, હક્કાની જૂથોના કમાન્ડરો સાથે એક બેઠક કરી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે જૈશ તાલિબાન સાથે મળીને ભારત અને અફઘાનિસ્તાનમાં હુમલા કરશે. ગુપ્તચર એજન્સીઓના આ રિપોર્ટ બાદ સુરક્ષા એજન્સીઓ સતત જૈશની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે.

ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ જૈશે જયાં તાલિબાન સાથે મળીને ભારત પર હુમલાની યોજના બનાવી છે ત્યાં એ ખતરો અફઘાનિસ્તાનમાં પણ સતત તોળાઈ રહ્યો છે. એજન્સીઓને શક છે કે અફઘાનિસ્તાનમાં ભારતીયોના ઠેકાણા અને ઈન્સ્ટોલેશન પર તાલિબાનના હુમલાનો ભય છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ પાકિસ્તાનની આઈએસઆઈ સતત જૈશ, તાલિબાન અને હક્કાની જૂથો સાથે બેઠક કરી રહી છે જેથી કરીને ભારતને અફઘાનિસ્તાનમાં ફટકો મારી શકાય.

સુરક્ષા એજન્સી સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યાં મુજબ આઈએસઆઈ છેલ્લા કેટલાક મહિનાઓથી જૈશ, હક્કાની અને તાલિબાનને એકસાથે લાવવા માંગતી હતી. જયારથી અમેરિકાએ તાલિબાન સાથે મળીને અફઘાનિસ્તાનમાં વાતચીતનો દોર શરૂ કર્યો છે, આઈએસઆઈ આ તકનો લાભ ઉઠાવવામાં લાગી છે. તે તાલિબાની આતંકીઓને ભારતમાં હુમલા માટે ઉકસાવી રહી છે. આથી આઈએસઆઈએ આ આતંકી જૂથો સાથે બેઠક કરાવી છે.

પાકિસ્તાનના બાલાકોટમાં ઈન્ડિયન એરફોર્સ તરફથી આતંકી કેમ્પો પર કરાયેલા હવાઈ હુમલા બાદ નવા રિપોર્ટથી ખુલાસો થયો છે કે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીઓના ૧૬ ટેરર કેમ્પ છે જયાં આતંકીઓને ભારત પર હુમલા માટે ટ્રેનિંગ અપાઈ રહી છે. રિપોર્ટ મુજબ ૫ ટેરર કેમ્પ મુદરીકે, બહાવલપુર અને ૩ કેમ્પ મનશેરામાં છે. જયારે ૧૧ કેમ્પ પીઓકેમાં સક્રિય છે.

રિપોર્ટ મજુબ ગત વર્ષે આ કેમ્પોમાં કુલ ૫૬૦ આતંકીઓને પાકિસ્તાનમાં ટ્રેનિંગ અપાઈ. આ આતંકીઓને આઈઈડીથી લઈને ઊંડા પાણીમાં ટ્રેનિંગ અપાઈ રહી છે. જેનાથી તેઓ સમુદ્ર દ્વારા ભારત પર હુમલો કરી શકે. પીઓકેના જે કેમ્પોમાં ટ્રેનિંગ અપાઈ રહી છે તેના નામ છે બોઈ, મુઝફફરાબાદ, કોટલી, બરનાલા, લાકા એ ગૈર, શેરપાઈ, દેવલીન, ખાલિદ બિન વાલિદ, ગરહી અને દુપટ્ટી કેમ્પ. આ બધા ગુપ્તચર એજન્સીઓના નિશાના પર છે.

(3:38 pm IST)