Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

મૈં ભી ચોકીદારઃ ૩૧ માર્ચે દેશવાસીઓ સાથે વાર્તાલાપ છેડશે નરેન્દ્રભાઈ

રાહુલ ગાંધી દ્વારા ચોકીદાર ચોર હૈ અભિયાન સામે ભાજપનો વળતો જવાબ : જે વ્યકિત દેશના વિકાસ માટે મહેનત કરે છે તે ચોકીદાર છે

નવી દિલ્હી : 'ચાય પે ચર્ચા'ની જેમજ આ વખતે ભાજપ આગામી ચૂંટણીમાં 'મૈં ભી ચોકીદાર' કેમ્પેઇન ચલાવશે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખુદ આ અંગે ટવીટ કરી વિગતો આપી છે : ૩૧ માર્ચે આ ઝુંબેશ હેઠળ નરેન્દ્રભાઇ સમગ્ર દેશને ટેલી કોન્ફરન્સના માધ્યમથી જોડશે તેવું જાહેર થયુ છે. નરેન્દ્રભાઈએ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં ટ્વીટકરી લખ્યુ છે કે 'આપકા ચોકીદાર મજબૂતી સે ડટા હૈ ઔર દેશ કી સેવા કર રહા હૈ લેકિન મૈં અકેલા નહિ, દેશ કા હર કોઈ જો ભ્રષ્ટાચાર, ગંદકી ઔર સામાજિક બુરાઈઓ કે ખિલાફ લડ રહા હૈ વો ચોકીદાર હૈ. હર કોઈ જો દેશ કે વિકાસ કે લિયે કડી મહેનત કર રહા હૈ વો ચોકીદાર હૈ. આજ હર ભારતીય કહ રહા હૈ મૈં ભી ચોકીદાર.' રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા 'ચોકીદાર ઓર હૈ'નુ અભિયાન છવાઈ ગયું છે ત્યારે તેના વળતા જવાબરૂપે 'દેશનો પ્રત્યેક નાગરિક ચોકીદાર હૈ' 'મૈં ભી ચોકીદાર'નું સૂત્ર નરેન્દ્રભાઈ આગામી ૩૧ માર્ચે સમગ્ર દેશવાસીઓ સાથે ટેલી કોન્ફરન્સીંગથી સંવાદ સાથે છેડશે તેનું જાહેર થયુ છે.

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો જોરશોરથી પોતાના પ્રચાર કેમ્પેઇન લાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે 'મોદી હૈ તો મુમકીન હૈ' સ્લોગન બાદ વધુ આક્રમકતા દેખાડતા 'મૈં ભી ચોકીદાર' કેમ્પેઇનની શરુઆત કરી છે. વડાપ્રધાન મોદીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ વીડિયો રીલિઝ કરીને કેમ્પેઇન શરૂ કર્યું છે.

ભાજપની આ સ્ટ્રેટેજી ૨૦૧૪ની ચાય પે ચર્ચાને મળતી આવે છે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા મણિશંકર ઐયર દ્વારા મોદી માટે કરવામાં આવેલ 'ચાયવાલા' શબ્દના પ્રયોગને વિશાળ જન કેમ્પેઇનમાં ફેરવીને લોકોની સહાનુભૂતી સાથે વોટ ભેગા કર્યા હતા. આ વખતે પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા શરુ કરવામાં આવેલ ચોકીદાર ચોર હૈના જવાબમાં ભાજપે આ આક્રમક કેમ્પેઇન રજૂ કર્યું છે.

'મૈં ભી ચોકીદાર' કેમ્પેઇન ભાજપ દ્વારા પોતાના રણનીતિકારો અને સમાજના જુદા જુદા તબક્કામાં સર્વે કર્યા બાદ આ કેમ્પેઇનની શરુઆત કરવામાં આવી છે. ભાજપના રણનીતિકારોનું માનવું છે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલ ચોકીદાર ચોર હૈ નારાએ લોકો વચ્ચે ધારી અસર કરી નથી અને ઉલ્ટાનું લોકો આ નારાથી ગુસ્સે થઈ રહ્યા છે. જેનો લાભ 'મૈં ભી ચોકીદાર' કેમ્પેઇનને મળશે.

તેમજ આ કેમ્પેઇનથી પીએમ મોદીની જે નિર્ણાયક અને કડક નેતા તરીકેની છાપ છે તેને વધુ વ્યાપક બનાવવાનો હેતું છે. ૨૦૧૯ને લઇને કરવામાં આવેલ અનેક સર્વેમાં પણ પીએમના વ્યકિતત્વના આ પાસાને પ્રમુખ કારણોમાંથી એક ગણવામાં આવ્યા આવ્યા છે. તેમજ આ વીડિયોના અંતે ૩૧ માર્ચ સાંજે ૬ વાગ્યે પીએમ મોદી સાથે જોડાવાની વાત પણ કરવામાં આવી છે.

કેમ્પેઇન લોન્ચ કરતા પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, શ્નતમારો ચોકીદાર જરા પણ ડગ્યા વગર ઉભો છે. પરંતુ અહીં હું એકલો જ નથી. દરેક એ વ્યકિત જે ભ્રષ્ટાચાર, ગંદગી, સામાજીક બદી સામે લડે છે તે ચોકીદાર છે. જે પણ દેશના વિકાસ માટે કામ કરે છે તે ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યો છે #MainBhichokidar.’

(3:31 pm IST)