Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

પીકચર અભી બાકી હૈ

યુનોમાં ભારતનો નવો દાવ : અમેરિકા - બ્રિટન - ફ્રાંસ હવે દબાવશે ચીનનું નાક

વોશિંગ્ટન તા. ૧૬ : આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આકા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાનો પ્રયાસ હજુ અટકયો નથી. ચીને ભલે વીટો વાપરીને પોતાના પીઠ્ઠુ પાકિસ્તાનને બચાવી લીધુ હોય પરંતુ ભારત અને અન્ય દેશો તેનો પણ તોડ કાઢવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ચીનના વીટો પર ભારતે તો નારાજગી દર્શાવી જ છે, પરંતુ અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને પણ હવે આ મામલે ચીન સાથે ચર્ચા કરી રહ્યા છે. જો તેમ છતા ચીન નહીં માને તો ત્રણેય દેશ આ મુદ્દાને યુનાઈટેડ નેશનની સૌથી શકિતશાળી શાખા યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં આ મુદ્દાને ખુલ્લી ચર્ચા માટે પ્રસ્તાવ રજૂ કરવાનો વિચાર કરી રહ્યા છે.

ત્રણેય દેશ આ મુદ્દા પર ચીન સાથે પાછલા ૫૦ કલાકથી સકારાત્મકતા સાથે વાત કરી રહ્યા છે. તો ભારતના સત્તાવાર સૂત્રોએ કહ્યું કે ભારત હજુ પણ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ કમિટી સાથે મસૂદને વૈશ્વિક આતંકવાદી ઘોષીત કરવા માટે કામ કરી રહ્યું છે. તો અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષીત કરવા સંબંધી પ્રસ્તાવની ભાષા બાબતે પણ ચીન સાથે વાતચીત કરી રહ્યા છે. જણાવી દઈએ કે ચીને બુધવારે ચોથીવાર મસૂદ અઝહર મામલે પોતાનો વીટો પાવર યુઝ કરી પ્રસ્તાવને ટાળી દીધો હતો.

આ અંગે જાણકારી રાખતા લોકો મુજબ જો મસૂદ અઝહરને UNSC દ્વારા વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવામાં સફળતા નહીં મળે તો ત્રણેય સ્થાયી સદસ્યો આ મુદ્દે સંયુકત રાષ્ટ્ર મહાસભામાં ઓપન ડિબેટ માટે પ્રસ્તાવ લાવશે. ભારતે પણ ચીનના અડંગાથી નિરાશા વ્યકત કરી છે તો પ્રસ્તાવ લાવનાર ત્રણેય સ્થાયી સદસ્ય દેશોએ ચીનને ચેતવણી આપી છે કે આ પ્રસ્તાવ પર મંજૂરી મેળવવા માટે તેઓ અન્ય પગલા પર પણ વિચાર કરી શકે છે.

એવું માનવામાં આવે છે કે ચીનને આ દેશોએ સૂચિત કરી દીધું છે કે તેઓ અન્ય વિકલ્પો પર પણ ગંભીરતાથી વિચાર કરે છે. જેમાં મોટાભાગે મહાસભામાં મસૂદ અઝહર મુદ્દે ડિબેટ અને ત્યારબાદ વોટિંગ કરાવવામાં આવશે. તેમજ તેના માટે મહિનાઓ કે સપ્તાહ રાહ જોવા કોઈ દેશ તૈયાર નથી. થોડાક જ દિવસોમાં આ મુદ્દાને મહાસભામાં લઈ જવામાં આવી શકે છે. જો ચીન આ પ્રસ્તાવ પર સહયોગ કરશે તો તેને એક મોટી સફળતા ગણાશે.

(3:29 pm IST)