Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

આરકોમ - એરિકસન કેસ

૧૯મી સુધીમાં અનિલ અંબાણીએ આપવા પડશે ૪૫૩ કરોડ નહિતર થશે જેલવાસ

નવી દિલ્હી તા. ૧૬ : એરિકસનની બાકીની રકમ ચૂકવવા માટે અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટે આપેલી મુદ્દત આડે હવે માત્ર ચાર દિવસનો સમય બાકી રહી ગયો છે. આ સમયે NCLAT (નેશનલ કંપની લો એપેલટ ટ્રિબ્લુનલ)એ શુક્રવારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને ૨૫૯ કરોડનું ઈનકમ ટેકસ રિફંડ આપવાનો નિર્દેશ કરવાનો ઈનકાર કરી દેતા અનિલ અંબાણીની મુશ્કેલી વધી ગઈ છે. NCLATએ કહ્યું છે કે આ મામલો તેના અધિકાર ક્ષેત્રની બહારનો છે.

RCOM આ પૈસામાંથી એરિકસનને બાકીની રકમ ચૂકવવા માંગે છે. સુપ્રીમ કોર્ટે આરકોમ ગૃપને ચાર અઠવાડિયામાં ૪૫૩ કરોડ રૂપિયા ચૂકવવાનું જણાવ્યું હતું. આ માટેની છેલ્લી તારીખ ૧૯ માર્ચ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગૃપ આ રકમ નહિ ચૂકવે તો અનિલ અંબાણીને જેલ જવુ પડશે.

NCLATના ચેરમેન ન્યાયમૂર્તિ એસ.જે મુખોપાધ્યાય અને જસ્ટિસ બંસી લાલ ભટ્ટની બેન્ચે જણાવ્યું, 'ઈન્સોલ્વન્સી કાયદાની કલમ ૯૧ મુજબ અપીલમાં કોઈપણ પક્ષને મામલાનો નીવેડો લાવવા માટે નિર્દેશ આપી ન શકાય. ખાસ કરીને બે પક્ષ વચ્ચે સમજૂતી ન થાય ત્યાં સુધી ત્રીજી પાર્ટીને કોઈ સૂચના આપી ન શકાય.'

અત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે આથી ટ્રિબ્યુનલ સુપ્રીમ કોર્ટના હવેના ચુકાદા સુધી કોઈ ઈન્ટરિમ આદેશને હટાવી ન શકે. ન તો તે કોઈ રકમ પાછી આપવા માટે ઈન્ટરિમ આદેશ આપી શકે. રિલાયન્સે ટ્રિબ્યુનલને કંપનીના ઈનકમ ટેકસના ૨૫૯.૨૨ કરોડ રૂપિયાની રકમ છૂટી કરવાનો આગ્રહ કર્યો હતો. સ્ટેટ બેન્કે રિલાયન્સના આ પગલાનો વિરોધ કર્યો હતો. આરકોનના વકીલ કપિલ સિબ્બલે સુનવણી દરમિયાન કહ્યું કે કંપની ઉધાર રૂપિયા લઈને ૪૫૩ કરોડ રૂપિયા ચૂકવશે. કંપની એરિકસનને ૧૧૮ કરોડ રૂપિયા ચૂકવી ચૂકી છે.

(11:26 am IST)