Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

હવે મસુદ અઝહર મરવાનો થયો છેઃ મોદીને આપી ચેલેન્જ

તમાચા ઉપર તમાચા-ફટકા ઉપર ફટકા છતા જૈશની ટંગડી ઉંચીને ઉંચીઃ બાલાકોટ એર સ્ટ્રાઈકથી કોઈ નુકશાન નથી થયું: બધા ત્રાસવાદીઓ હેમખેમ હોવાનો ગુબ્બારો ચલાવ્યોઃ ત્રાસવાદીએ પોતાના અખબારમાં લેખ લખ્યોઃ હું સંપૂર્ણપણે ફીટ છું, મોદી મારી સાથે શૂટીંગ કે તિરંદાજીમાં મુકાબલો કરી શકે છેઃ કાશ્મીરને ફરી સળગાવવાની ગુલબાંગો ઝીંકીઃ ત્રાસવાદી પ્રવૃતિને આઝાદીનું આંદોલન ગણાવતા ઓકયુ ઝેર

નવી દિલ્હી, તા. ૧૬ :. પુલવામા ઘટના બાદ ભારતે કરેલી એર સ્ટ્રાઈકમાં મોટાપાયે નુકશાન સહન કરવા છતા જૈશ-એ-મહમદ પોતાની ટંગડી ઉંચી રાખી એવો લુલો બચાવ કરી રહ્યુ છે કે, ભારતીય વાયુદળે કરેલા હવાઈ હુમલામાં તેને કોઈ નુકશાન નથી થયું. જૈશના ત્રાસવાદી મૌલાના મસુદ અઝહરે બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ જૈશના અખબાર અલ કલામમાં એક કોલમ લખી છે અને તેમા શેખી કરતા કહ્યુ છે કે અમારા બધા ત્રાસવાદી ઠીક અને સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેણે એવો ગુબ્બારો પણ ફેંકયો છે કે હું સંપૂર્ણપણે ફીટ છું અને સાબિત કરવા માટે તેણે પીએમ મોદીને પોતાની સાથે મુકાબલો કરવાની ચેલેન્જ પણ આપી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલમાં આ મુજબ જણાવવામાં આવ્યુ છે.

મસુદ અઝહરે પોતાની કલમમાં લખ્યુ છે કે જૈશના બાલાકોટમાં થયેલા નુકશાન અને મારા સ્વાસ્થ્યને લઈને અનેક પ્રકારના ખોટા સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે. તેણે કોલમમાં લખ્યુ છે કે આવુ નથી અને બધા જીવતા અને ઠીક છે. મસુદ અઝહરે પોતાની આ કોલમને સાદી નામથી લખેલ છે. અઝહરે ઉંદરડી દારૂ પી ગઈ હોય તેમ પોતાની કોલમ થકી ભારતના વડાપ્રધાનને ચેલેન્જ આપી છે કે હું તેમની સાથે શૂટીંગ કે તિરંદાજીનો મુકાબલો કરીને સાબિત કરી શકુ છું કે હું કેટલો ફીટ છું. જો કે અત્યાર સુધી એ વાતની પુષ્ટી થઈ નથી કે, અઝહર મસુદ જ અલ કલામમાં આવેલ કોલમના લેખક છે, પરંતુ સાદી અઝહર તેનુ ઉપનામ છે.

આ કોલમમાં ત્રાસવાદીએ પોતાની અને પોતાના સંગઠનની તુલના એ સમય સાથે કરી છે જે મુસ્લિમો માટે મહમદ પૈગમ્બરના દોરમાં હતી. તેણે લખ્યુ છે કે, અદિલ અહમદ ડાર જેવા કાશ્મીરીઓએ જે આગ ભડકાવી છે જે કોઈપણ ભોગે નહિ ઠરે. આ એ જ ડાર હતો જે પુલવામા આતંકી હુમલા માટે જવાબદાર હતો.

ત્રાસવાદી અઝહરે જમ્મુ કાશ્મીરમાં ચાલતી આતંકી ગતિવિધિઓને આઝાદીનું આંદોલન ગણાવ્યુ છે અને દાવો કર્યો છે કે, જેમ જેમ સમય વધતો જશે તેમ તેમ આઝાદીની લડાઈ સમગ્ર રાજ્યમાં ફેલાતી જશે, કારણ કે આ જ પ્રકારે આંદોલન આગળ વધતા હોય છે. અઝહરે કાશ્મીરી સ્થિતિ નાજુક ગણાવી હતી. તેણે પોતાના સ્વાસ્થ્ય અંગે લખ્યુ છે કે, હું પડકાર ફેંકુ છું કે મારી સાથે કોઈ ખેલ, તિરંદાજી કે શૂટીંગ હરીફાઈ કરે કે જેથી સાબિત થઈ શકે કે હું તેમનાથી કેટલો સ્વસ્થ છું. મારી કીડની અને લીવર યોગ્ય રીતે કામ કરે છે. હું છેલ્લા ૧૭ વર્ષથી કદી હોસ્પીટલમાં ગયો નથી અને વર્ષોથી ડોકટરને પણ મળ્યો નથી. તેણે કહ્યુ હતુ કે હું નરેન્દ્ર મોદી કરતા વધુ ફીટ છું.

(11:23 am IST)