Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

રાહુલ પણ મોદીની જેમ બે બેઠક ઉપર લડે તેવા સંકેતો

અમેઠી ઉપરાંત દક્ષિણ ભારતની બેઠક પર લડશે : કોઇ સુરક્ષિત બેઠકની પસંદગીને લઇને હિલચાલ જારી

નવી દિલ્હી, તા. ૧૫ : અમેઠી લોકસભા સીટથી ત્રણ વખતના સાંસદ અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે બે સીટો ઉપર ચૂંટણી લડે તેવી શક્યતા છે. અમેઠી ઉપરાંત દક્ષિણ ભારતની કોઇ સીટ પરથી પણ ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પણ માંગ કરી રહ્યા છે કે, તેમને વધુ એક સીટ પરથી ઉમેદવારી દાખલ કરવી જોઇએ. દક્ષિણ ભારતથી રાહુલ ગાંધીની ચૂંટણી લડવાની શક્યતા વચ્ચે એવી અટકળો ચાલી રહી છે કે, મહારાષ્ટ્રની નાંદેડ સીટ પરથી અથવા મધ્યપ્રદેશની કોઇ સુરક્ષિત સીટ પરથી તેઓ ચૂંટણી લડી શકે છે. સુત્રોના કહેવા મુજબ કોંગ્રેસની યોજના એવી છે કે, જો રાહુલ ગાંધી વધુ એક સીટ પરથી લડશે તો તેમના આસપાસની સીટો ઉપર પણ અસર થશે અને કોંગ્રેસને લીડ મળી શકે છે. દક્ષિણ ભારતમાં જો રાહુલ પોતાની હાજરી નોંધાવશે તો હિન્દુ પટ્ટામાં કમજોર દેખાઈ રહેલી કોંગ્રેસ પાર્ટી એક રીતે ભરપાઈ કરી શકે છે. લોકસભા ચૂંટણીમાં મોદીએ અગાઉ બે જગ્યા પરથી ચૂંટણી લડી હતી. ઉત્તરપ્રદેશની વારાણસી અને વડોદરાની લોકસભા બેઠક પરથી મોદીએ ચૂંટણી મેદાનમાં ઉતરીને તમામને ચોંકાવી દીધા હતા. મોદીની જેમ જ રાહુલ ગાંધી પણ બે બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. મહારાષ્ટ્રના નાંદેડમાંથી ચૂંટણી લડશે તેવી ચર્ચા થઇ ચુકી છે. રાહુલ ગાંધીએ માર્ચ ૨૦૦૪માં રાજનીતિમાં એન્ટ્રીની જાહેરાત કરી હતી. તેઓ સતત ત્રણ વખત ઉત્તરપ્રદેશના અમેઠીમાંથી સાંસદ તરીકે રહ્યા છે. મે ૨૦૦૪માં સૌથી પહેલા ચૂંટાયા હતા. ત્યારબાદ ૨૦૦૯માં પણ ચૂંટણી અમેઠીમાંથી જ જીતી હતી. વર્ષ ૨૦૧૪મમાં લોકસભા ચૂંટણીમાં મોદી લહેર દરમિયાન ભાજપે અમેઠીની બેઠક પરથી સ્મૃતિ ઇરાનીને મેદાનમાં ઉતાર્યા હતા.

(8:25 pm IST)