Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના માહોલમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના વડા મોહન ભાગવતની અભિનેતા મિથુન ચક્રવર્તી સાથેની મુલાકાતથી રાજકીય અટકળો તેજ

મુંબઇઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી માહોલ વચ્ચે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતે ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે મુલાકાત કરી છે. બંને વચ્ચે મુલાકાત મુંબઈમાં થઈ છે.

આરએસએસ પ્રમુખ મોહન ભાગવત મંગળવારે સવારે પોતે મુંબઈ સ્થિત મિથુન ચક્રવર્તીના ઘરે પહોંચ્યા. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે મિથુન નાગપુર જઈને મોહન ભાગવતની મુલાકાત કરી હતી, ત્યારે તેમને મુંબઈમાં પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું. હવે જ્યારે બંગાળ વિધાનસભા ચૂંટણી માટે બીજેપી ચહેરાની શોધમાં છે, તેવામાં આરએસએસ પ્રમુખની મિથુન સાથે મુલાકાત ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે, હાલમાં રાજકીય અટકળો છે.

ઉલ્લેખનિય છે કે, બંગાળમાં જન્મેલા મિથુન દાની પ્રોફાઈલમાં ડિસ્કો ડાન્સરથી લઈને સામાજિક કાર્યકર્તાઓ અને રાજનેતા સુધીનો અનુભવ સામેલ છે. તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. રસપ્રદ વાત તે છેકે, તૃણમૃલ કોંગ્રેસે તેમને રાજ્યસભા મોકલ્યા હતા. જોકે, હાલમાં તૃણમૃલ કોંગ્રેસના અનેક નેતા બીજેપીમાં સામેલ થઈ ચૂક્યા છે અને થઈ રહ્યાં છે. બે વર્ષ સુધી સાંસદ રહ્યાં પછી મિથુને પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

હવે જ્યારે બંગાળમાં ચૂંટણીઓને લઈને રાજકારણ ગરમાઇ ગયું છે અને બીજેપી પોતાના લક્ષ્યને મેળવવા માટે લોકલ ફેસને શોધી રહી છે તો એવામાં મિથુન સાથે આરએસએસ પ્રમુખની મુલાકાત ખુબ મત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અત્યાર સુધી બીસીસીઆઈ અધ્યક્ષ અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને લઈને રાજકીય અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ જ્યારથી તેમને હાર્ટ એટેક આવ્યો છે, ત્યારથી ગાંગુલીનું નામ રાજનીતિ સાથે જોડીને જોવામાં આવી રહ્યું નથી.

(5:32 pm IST)