Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ભગવાન શ્રીરામ આદર્શ મેનેજમેન્ટ ગુરૂ

રાજકોટ : સંસ્થા હોય કે સમાજ. સ્વરૂપ નાનુ હોય કે વિશાળ. ઓળખાય છે, દોરવાય છે, સચવાય છે ને વિકાસ કે વિનાશ પામે છે તેના સંચાલકથી. જે મેનેજમેન્ટ લીડર કે નેતાથી ઓળખાય છે. વાણીજય સંસ્થાનો વડો મેનેજર અને લીડર હોય છે. જયારે સામાજીક, રાજકીય સંસ્થાઓના વડા તરીકે નેતા કે પ્રમુખ શોય છે.

સંચાલન વિજ્ઞાન કાર્ય પ્રણાલી, વ્યવસ્થા, વહીવટ સંચાલનના સિધ્ધાંતો આપવાનું છે. પરંતુ સંચાલનમાં અતી મહત્વનો રોલ તેના સંચાલકનો હોય છે. જેની વ્યકિતગત ગુણવતા, પર્સનલ ટ્રેઇટસ, મુલ્યનિષ્ઠા વગેર ેસંસ્થાની જીવાદોરીને શ્વાસ હોય છે. સંચાલકોથી જ સંસ્થા પનપે છે, ટકે છે અને વિકાસ સાધે છે. એક સફળ અને ઉમદા સંચાલક રાજપુરૂષ બની જાય છે. પોતાના એકમને જ દોરતો કે મેનેજ કરતો નથી પણ ઘડે છે, ઉન્નત બનાવે છે. ભવિષ્યનો વિચાર કરી તેના પથદર્શક બને છે. સંસ્થાને જ દીપક બનાવે છે. વાણીજય એકમ માટે આપણા નારાયણ મૂર્તી, તાતાનું ઉદાહરણ આપી શકાય. કારણ કે તેઓ સંચાલક તથા રીફોર્મર બન્યા છે.

ત્યારે સમાજ માટે ભગવાન શ્રીરામ આવાજ આદર્શ મેનેજમેન્ટ ગુરૂ છે. જેઓ બધાને રીફોર્મ કરે છે. જેના વ્યકિતગત ગુણો એ હ્યુમન રીસોર્સ ડેવલોપમેન્ટને નવો આયામ આપે છે. શ્રી રામ રાજયના વડા તરીકે રાજા, લીડર, નેતા જ નહી સમગ્ર સમાજના વડા તરીકે આદર્શ રાજપુરૂષ હતા. એટલે જ તો આજે પણ ઉદાહરણરૂપે રામ રાજયના દાખલા અપાય છે.

એક રાજપુરૂષ પોતાની વ્યવસ્થાની કાર્યશૈલી માટે જ નહીં પણ પોતાની વ્યકિતગત જીવનશૈલીથી સંસ્થા કે સમાજને ઘડે છે. પોતે જ દાખલારૂપ થઇને સમાજને માર્ગ ચીંધે છે. અહીંયા આપણે શ્રીરામની જીવનશૈલીના કેટલાક દાખલા જોઇએ. જે સમાજના વ્યકિત તરીકે, પરિવારના સભ્ય તરીકે રાજયના વડા તરીકે પોતાના ફોલોઅર્સને ઘડે છે.

રોલ મોડેલ અને પરિવાર મોડેલ

શ્રીરામે તત્કાલીન સમાજને સુધારવા 'પરિવાર' ને પાયાનો એકમ બનાવી પરિવારના દરેક સભ્યોની ગુણવતા, પરિવાર પ્રત્યેની નિષ્ઠા કેવી હોવી જોઇએ તે પોતે અમલ કરીને દર્શાવ્યુ છે. સમાજ વ્યવસ્થા પાયાના સબંધોનું પણ જતન કર્યુ છે.

ગુરૂ શિષ્યના સબંધો

નાની વયે ગુરૂ વિશ્વામિત્ર સાથે જવુ, ગુરૂની સેવા કરવી, એટલું જ નહીં ગુરૂ સાથે જનક રાજાના દરબારમાં જવુ, ગુરૂ પરવાનગી આપ્યા પછી જ શહેર જોવા, ફુલ ચુટવા જવુ, દરબારમાં ગુરૂજી પરવાનગી આપે પછી જ ધનુષ્ય ઉઠાવવું, આ દરેક ક્રિયામાં ગુરૂના આદર્શ પાલનના દર્શન થાય છે. ગુરૂ શિષ્યના સંધંધો ગરીમાપૂર્ણ બનાવે છે એટલુ જ નહી ઓર્ગેનાઇજેશનમાં કર્મચારીઓ માટે શિસ્ત પાલનનો ગુણ શીખવાડે છે.

પુત્ર તરીકે

આદર્શ પુત્ર તરીકે તેમણે દરેખ સુખ સુવિધા છોડી હસતે મુખે વનમાં જવાનું પસંદ કર્યુ. ઓરમાન પુત્ર તરીકે કોઇપણ દુર્ભાવ વગર કૈકેયીનો વનગમન માટે આભાર માન્યો. લંકાથી વિજય મેળવી પરત આવતા પ્રથમ કૈકયીને મળ્યા.

ભાઇ તરીકે

મોટાભાઇ તરીકે દરેક નાનાભાઇઓનું ધ્યાન રાખવુ, લક્ષ્મણને મેઘનાદનું બાણ વાગતા વિલાપ કરવો, ભરતને પાદુકા આપવી અને તેના પ્રત્યે સ્નેહ રાખવો. આ બધા ગુણ ભાઇ તરીકે કેમ ર્વતવુ તે શીખવે છે.

પતિ તરીકે

બહુપત્નિવાળા સમાજમાં એક પત્નિત્વ અપનાવી નવો આદર્શ તેમણે સ્થાપ્યો. શુર્પણખાની લાલચ ફગાવી અડગ રહ્યા. અશ્વમેઘ યજ્ઞના સમયે સજોડે રહેવા સીતાનું પુતળુ મુકાવ્યુ. વનમાં રામનો સીતા વિલાપ  અને તેના માટે લંકા જવુ, રાવને મારવો વગેરે આદર્શ પતિ તરીકેના ગુણ છે.

લીડરશીપના રોલમાં રામ

લીડરે માત્ર પોતાની સંસ્થાને વળગી રહેવાને બદલે સમાજ ઘડતરનો રોલ નિભાવવાનો હોય છે. આ સમજ શ્રીરામની વફાદારીમાંથી મળે છે. તેમણે રીફોર્મરની ભુમિકા બરાબર નિભાવી જાણી. સમાજને સંસ્થાને દોરવા, સમાજને ઉપયોગી થાય તેવા નીતિ નિયમો તેમણે ઘડયા અને અમલ કરાવ્યો. લીડરે પોતાના ફોલોઅર્સ માટે એક રોલ મોડેલ ઉભો કરવાનો હોય છે. એક લીડરે પોતાની આંખ અને જીભ પર અંકુશ રાખવાનો હોય છે. આવો ઉત્તમ સંદેશ શ્રીરામે પોતાના જીવન દરમિયાન આપ્યો.

પર્યાવરણ જાગૃતિનો સંદેશ

પશુ પક્ષી, ઝાડ, પાનની કઇ રીતે સંભાળ લેવી તેની શીખ પણ શ્રીરામ સારી રીતે આપી ગયા. જટાયુ ઉધ્ધાર અને સીતા વિરહ સમયે વનમાં તેમણે વિતાવેલ સમય પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપે છે.

લશ્કરના સર્જક

સુગ્રીવના સંકટ નિવારણ માટે છળથી વાલીને મારવાનું પાપ માથે લઇ મિત્ર ભાવ તો નિભાવ્યો જ છે સાથે ખર્ચ વગર લશ્કર કેમ રચવુ અને લંકા સુધી પહોંચી રાવણને હરાવવા સુધીના વ્યુહ જોતા લશ્કરનું સારૂ સંચાલન કરવાના ગુણ તેમનામાં જોવા મળ્યા.

રાષ્ટ્ર પ્રેમ

આજની આર્થીક આંધીમાં પાયાના મુલ્યો જળવાતા નથી. ત્યારે શ્રીરામના મુલ્યનિષ્ઠ સંચાલનમાં તેમની તેમની ક્ષમતાના દર્શન થાય છે. સોનાની લંકા જીતી લીધા પછી ''જનની જન્મભુમિ સ્વર્ગાદઅપી ગરીયશી'' કહીને તેમણે અધ્યાય આવી ઉત્કૃષ્ટ રાષ્ટ્રપ્રેમ દર્શાવ્યો.

આમ શ્રીરામના જીવનમાંથી આપણને ડગલે ને પગલે આદર્શ સમાજ જીવનની શીખ મળતી રહે છે. તેમના આદર્શ જીવનનું અનુકરણ કરીએ અને પરિવાર, સંસ્થા, સમાજ, રાષ્ટ્રને ઉપયોગી એવી સંચાલન ક્ષમતા વીકાસાવીએ તે જ ખરી રામભકિત ગણાશે.

:: આલેખન ::

શ્રી ત્રિલોક ઠાકર

એડીટર - સંકલન શ્રેણી

વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત

મો.૯૮૨૪૩ ૪૨૦૪૨

(11:37 am IST)