Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

હવાઈ હુમલો કરી ત્રાસવાદીઓના ગાભા-છોતરા કાઢી નાખવા તૈયારી !

નિયંત્રણ રેખા ઉપર બન્ને તરફે ચહલપહલ વધીઃ પાકિસ્તાનની હવાઈ સીમામાં ઘુસ્યા વગર જ ભારતના લડાકુ વિમાનો જેમ કે સુખોઈ ૩૦ એમકેઆઈ, મિરાજ-૨૦૦૦ અને જગુઆર નિયંત્રણ રેખાની નજીક બનેલા ત્રાસવાદીના કેમ્પો અને લોન્ચ પેડ ઉપર હુમલો કરી શકે છે : પાકિસ્તાનની આર્મી પોસ્ટ, ત્રાસવાદી કેમ્પો, લોન્ચ પેડ અને આસપાસના વિસ્તારોમાં હુમલા માટે ભારત સ્મર્ચ મલ્ટિપલ લોન્ચ રોકેટ સીસ્ટમ (૯૦ કિ.મી.) બ્રહ્મહોસ સુપરસોનીક ક્રુઝ મિસાઈલ (૨૯૦ કિ.મી.)નો પણ ઉપયોગ કરી શકે છે

નવી દિલ્હી, તા. ૧૬ :. પુલવામા હુમલા બાદ નિયંત્રણ રેખા એટલે કે એલઓસી પર ભારતીય સશસ્ત્ર દળોની ચહલપહલ વધી ગઈ છે તો બીજી તરફ પાકિસ્તાની સેનાએ પણ સીમા પર સતર્કતાનું સ્તર વધારી દીધુ છે. જો કે મોટાભાગના લોકોનું એવુ માનવુ છે કે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી સીધુ દોર કરી દેવા માટે સરકારે સીમા પાર સીમીત હુમલો કરવાના વિકલ્પ ઉપર ગંભીરતાથી વિચારવુ જોઈએ. પૂર્ણ સ્વરૂપના યુદ્ધમાં જવાથી બચવા માટે સૈન્ય પાસે અનેક વિકલ્પો મોજુદ છે. વરિષ્ઠ સૈન્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે જમીન પર થોડુ દૂરી સુધી હુમલાથી લઈને કેટલાક શિખરો પર કબ્જાની સાથે જ એલઓસી પર પાક કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં મોજુદ નોનસ્ટેટ એકટર્સ વિરૂદ્ધ નક્કર હવાઈ હુમલાની બાબત પણ સામેલ છે.

એ બાબતને લઈને સર્વસંમતિ બનતી દેખાઈ રહી છે કે, નક્કર હવાઈ હુમલો સૌથી વ્યવહારૂ અને અસરકારક વિકલ્પ છે. અત્રે નોંધનીય છે કે, સપ્ટે. ૨૦૧૬માં સર્જીકલ સ્ટ્રાઈક કરીને ભારતે દુનિયાને ચોંકાવી દીધી હતી. એવામાં હવે આ એકશનમાં આશ્ચર્યની વાત કેટલીક હદ સુધી સમાપ્ત થઈ ગઈ છે.

પાકિસ્તાનની હવાઈ સીમામાં ઘુસ્યા વગર જ ભારતના લડાકુ વિમાનો જેમ કે સુખોઈ ૩૦ એમકેઆઈ, મિરાજ-૨૦૦૦ અને જગુઆર નિયંત્રણ રેખાની નજીક બનેલા ત્રાસવાદીના કેમ્પો અને લોન્ચ પેડ ઉપર હુમલો કરી શકે છે. આ લડાકુ વિમાનો ગ્લાઈડેડ બોમ્બ અને મિસાઈલોથી સજ્જ છે. અત્રે નોંધનીય છે કે ગ્લાઈડેડ બોમ્બની ખાસીયત એ છે કે, તેને હુમલાની જગ્યાની ઉપર છોડવાને બદલે કેટલીક દૂરથી છોડી શકાય છે. એક અધિકારીએ કહ્યુ કે, આ પ્રકારના હવાઈ હુમલા માટે તૈયારીનો સમય પણ ન્યુનત્તમ છે. એટલુ જ નહિ પાકિસ્તાનની આર્મી પોસ્ટ, ત્રાસવાદી કેમ્પો, લોન્ચ પેડ અને આસપાસના વિસ્તારોમાં હુમલા માટે ભારત સ્મર્ચ મલ્ટિપલ લોન્ચ રોકેટ સીસ્ટમ (૯૦ કિ.મી.) બ્રહ્મહોસ સુપરસોનીક ક્રુઝ મિસાઈલ (૨૯૦ કિ.મી.)નો પણ ઉપયોગ કરી શકે છે. જો કે આ પ્રકારની વળતી કાર્યવાહી માટે દ્રઢ રાજકીય ઈચ્છા શકિતની જરૂર પડશે કારણ કે પછી પ્રતિક્રિયા કે ટેન્શન વધવાનો ખતરો રહેશે.

એક સૈન્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે સીમા પાર કર્યા વગર એકશન માટે સમય, જગ્યા અને હથીયારોના પ્રકારને જોતા સેના પાસે અનેક વિકલ્પો મોજુદ છે. એટલે કે પીઓકેમાં મોજુદ ત્રાસવાદી ઠેકાણાને ટાર્ગેટ કરવાના રહેશે ન કે પાકિસ્તાનની ભૂમિ કે તેના નાગરીકો.

૨૦૧૬માં સર્જીકલ સ્ટ્રાઈક વખતે નોર્ધન કમાન્ડના ચીફ રહી ચૂકેલા લેફ. જનરલ ડી.એસ. હુડ્ડાનું કહેવુ છે કે, પુલવામા એક ટ્રેજેડી છે આપણે ગંભીરતાપૂર્વક કેટલાક કઠોર વિકલ્પો પર વિચારવું પડશે. પાક સાથે કુટનીતિ કામ નહિ કરે, કારણ કે તેને ચીન ટેકો આપે છે. ૩ વર્ષમાં એક સર્જીકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાન સુધર્યુ નથી. ભારતે સતત કાર્યવાહી કરવી પડશે.(૨-૨)

 

(9:48 am IST)