Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

બાકી બેંકની ચુકવણી માર્ચ સુધી પરિપૂર્ણ કરવા તૈયારી

વધુ આઠ કર્મચારીઓ સસ્પેન્ડ કરી દેવાયા : મોટુ કૌભાંડ સપાટી પર આવ્યા બાદથી હજુ સુધી ૧૮ કર્મચારીઓ સસ્પેન્ડ થયા : ૩૬ ખાતાઓમાં ઉંડી તપાસ

નવીદિલ્હી, તા. ૧૬ : પંજાબ નેશનલ બેંકે ૧૧૪૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં અન્ય આઠ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરી દીધા છે. અમાથી એક અધિકારી જનરલ મેનેજર સ્તરના છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, આ કૌભાંડમાં સામેલ હોવાની શંકાના આધાર પર તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કૌભાંડમાં હિરાના કારોબારી નિરવ મોદીએ  મુંબઈ શાખામાંથી બોગસ પત્રો મેળવી લીધા હતા અને બીજી ભારતીય બેંકોની વિદેશી શાખાઓમાંથી નાણા ઉપાડી લીધા હતા. સીબીઆઈ અને ઇડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ માર્ચના અંત સુધીમાં બેંકોને ચુકવણીની પ્રક્રિયા કરવામાં આવશે. બેંક તપાસ રિપોર્ટના આધાર પર આગળ વધવામાં આવશે. આ કૌભાંડમાં સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીઓની સંખ્યા વધીને હવે ૧૮ ઉપર પહોંચ ગઈ છે. એલઓયુના આધાર પર કેટલા નાણા આપવામાં આવ્યા હતા તેની તપાસ પણ ચાલી રહી છે. બીજી બાજુ પીએનબી અન્ય બેંકોને આ મામલામાં તેમની બાકી રકમની ચુકવણી ૩૧મી માર્ચ સુધ કરશે. આંતરિક સંશાધનો મારફતે ફંડની ચુકવણી કરવામાં આવશે. બુધવારના દિવસે આ કૌભાંડ સપાટી ઉપર આવ્યા બાદથી બેંકે પહેલા ૧૦ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. હવે સંબંધિત ૩૬ ખાતાઓની તપાસ કરવામાં આવશે જેનાથી બાકી રકમની વસુલી કરવામાં આવશે. કૌભાંડમાં મુખ્ય આરોપી નિરવ મોદી અને ચોકસીના પાસપોર્ટ પણ એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઇડી અને સીબીઆઈ દ્વારા તપાસ ચાલી રહી છે. અધિકારીઓને લઇને હજુ સુધી કોઇ નામ જાહેર કરવામાં આવ્યા નથી.

(7:39 pm IST)