Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

લાખોના ઘરેણા પહેરી પત્ની ફેસબુક પર ફોટો મૂકે તો IT અધિકારી કરશે, લાઇક!

નવી દિલ્હી, તા. ૧૬ : દેશમાં માત્ર ૪ કરોડ લોકો જ ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરે છે. તે પૈકી મોટા ભાગના નોકરિયાતો છે. લાખોની ગાડીમાં ફરતા અને કરોડોના બંગલામાં રહેતા માલેતુજારો યેનકેન પ્રકારે કરચોરી કરી વ્હાઇટ કોલર બની સમાજમાં ફરતા રહે છે, પરંતુ હવે સરકાર આવા કરચોરો સામે લાલ આંખ કરી છે. સરકારની સૂચનાથી આવકવેરા વિભાગનું ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ (એફઆઇયુ) દેશના પ્રત્યેક નાગરિકના આવક-ખર્ચનો ૩૬૦ ડીગ્રી રીપોર્ટ તૈયાર કરી રહી છે.

તમે કઇ રેસ્ટોરન્ટમાં પિત્ઝાનો ઓર્ડર કર્યો, તેનું પેમેન્ટ રોકડેથી ચૂકવયું કે કાર્ડથી અને તમે વર્ષમાં કેટલી વાર વિદેશ પ્રવાસ કર્યો ? મોબાઇલ ખરીદ્યો ? આ તમામ વિગતો પર તો આઇટીના ઉચ્ચ અધિકારીઓ નજર રાખી જ રહ્યાં છે પણ તેની સાથે સાથે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ ચાંપતી નજર માંડીને અધિકારીઓ બેઠા છે.

કેન્દ્ર સરકારની ડાયરેકટ ટેકસ કોડ કમિટીના સભ્ય ડો. ગિરીશ આહુજા તાજેતરમાં સુરતની મુલાકાતે આવ્યા ત્યારે તેઓએ કહ્યું કે, પાનકાર્ડ, આધારકાર્ડ લિન્ક કરીને આવકવેરાના અધિકારીઓ દેશના પ્રત્યેક નાગરિકને ૩૬૦ ડીગ્રી રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. આજકાલ તમામ વ્યવહારો આધાર, પાન અને મોબાઇલ નંબરથી જોડાયેલા હોય છે. તેથી કરચોરી કરવી હવે કઠીન બનશે. વળી, આવકવેરા અધિકારીઓ તમારા ફેસબુક, વોટસએપ, ઇન્સ્ટા, ટ્વીટર સહિતના સોશિયલ એકાઉન્ટને પણ ફોલો કરે છે. આપણા સમાજમાં લગ્નપ્રસંગોમાં ઘરેણા લાદીને ફરતી મહિલાઓ સામાન્ય દૃશ્યો છે. જો હવે તમારી પત્ની ઘરેણા પહેરેલા ફોટો ફેસબુક પર મૂકે તો આવકવેરા અધિકારી તેને લાઇક કરી શકશે.

(10:11 am IST)