Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

J&K: પુલવામાં CRPF કેમ્પ પર આતંકવાદી હુમલો

આતંકીઓને શોધવા સેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશનઃ સુંજવાન હુમલાના પાંચ દિવસ બાદ વધુ એક હુમલો

શ્રીનગર તા. ૧૬ : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ફરી એકવખત સીઆરપીએફ જવાનોના એક કેમ્પને નિશાન બનાવાયો છે. સુંજવાનમાં આર્મીના કેમ્પ પર હુમલાના પાંચ દિવસ બાદ જ આતંકવાદીઓ દ્વારા દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના એક કેમ્પ પર મોડી સાંજે ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલા બાદ કેમ્પની સુરક્ષામાં તૈનાત જવાનો તરફથી પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી. તે પછી ઘટનાસ્થળની આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ આપી દેવાયું છે.

જાણવા મળ્યા મુજબ, ૨-૩ આતંકવાદીઓ દ્વારા પુલવામાના અવંતિપોરા વિસ્તારમાં આવેલા સીઆરપીએફના કેમ્પ પર હુમલો કરાયો. અવંતિપોરાના પંજગામમાં થયેલા આ હુમલા બાદ આતંકવાદી ત્યાંથી ફરાર થઈ ગયા છે, જેમની શોધવા આર્મીની રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસની એલઓજી અને સીઆરપીએફના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આર્મીના સર્ચ ઓપરેશનને પગલે સીઆરપીએફ કેમ્પની આસપાસના વિસ્તારને સીલ કરી દેવાયો છે. આ આતંકવાદી હુમલો ત્યારે થયો છે કે જયારે સીઆરપીએફના ડીજી રાજીવ રાય ભટનાગર આ વિસ્તારની મુલાકાતે આવેલા છે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે થયેલી ઘટના જમ્મુ-કાશ્મીરમાં એક સપ્તાહમાં થયેલી ચોથી આતંકવાદી ઘટના છે. આ પહેલા આતંકવાદીઓએ જમ્મુના સુંજવાનમાં પણ આર્મીના એક કેમ્પ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. તે પછી બે આતંકવાદીઓએ શ્રીનગરમાં પણ સીઆરપીએફના એક કેમ્પ પર ગોળીબાર કર્યો હતો, તે પછી થયેલી અથડામણમાં ૨ આતંકવાદીઓને ઢાળી દેવાયા હતા.(૨૧.૬)

(11:56 am IST)