Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ધારાસભ્ય અભય ચૌટાલાનું ખેડૂતોના સમર્થનમાં રાજીનામુ:કહ્યું--ખેડૂતો માટે લડશે પદનો મોહ નથી !

ચંદીગઢથી ટ્રેકટર યાત્રા પર નીકળ્યા : સમગ્ર હરિયાણામાંથી પસાર થઈને સિંધુ બોર્ડરે પહોંચશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલા કૃષિ કાયદાને રદ કરી દેવાની માંગણી ઉગ્ર બની રહી છે અને ખેડૂતો છેલ્લા પોણા બે મહિનાથી આંદોલન ઉપર છે ત્યારે તેઓના સમર્થનમાં હવે ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના નેતા અને એલનાબાદથી ધારાસભ્ય અભય ચૌટાલા આગળ આવ્યા છે અને ખેડૂતોનું સમર્થન કરી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. હરિયાણા વિધાનસભા સ્પીકરને પોતાનું રાજીનામું આપ્યા બાદ તેઓ ખેડૂતોના સમર્થન માટેની ટ્રેક્ટર રેલી પર નીકળી ગયા હતા.

 અભય ચૌટાલાએ પોતાની ટ્રેક્ટર યાત્રા ચંદીગઢથી શરૂ કરી છે અને સંપૂર્ણ હરિયાણામાંથી પસાર થતા 19 જાન્યુઆરીએ સિંધુ બોર્ડર પર પહોંચશે. જ્યાં તેઓ ખેડૂતો સાથે બેસી ત્રણેય કૃષિ બિલનો વિરોધ કરશે. INLDના નેતા અભય ચૌટાલાએ હરિયાણા વિધાનસભાના સ્પીકરને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. ચૌટાલાએ જણાવ્યું કે, 26 જાન્યુઆરી સુધી ખેડૂતોની માંગ ના માનવામા આવે તો 27 જાન્યુઆરીએ તેમનું રાજીનામું સ્વીકારી લેવામા આવે. અભય ચૌટાલાએ જણાવ્યું હતું કે, તેમનો પક્ષ ખેડૂત સમર્થિત છે અને ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરાવવા માટે તેઓ ખેડૂતોના સમર્થનમાં જોડાઇ ગયા છે અને ખેડૂતો ના હિતો ની રક્ષા માટે પદ નો મોહ રાખતા નથી તેઓ હવે આખર સુધી ખેડૂતો ના ન્યાય માટે લડશે.

(12:24 pm IST)