Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

રાવની નિમણૂંક કરવાને લઇ સુપ્રીમમાં અરજી દાખલ થઇ

આગામી સપ્તાહમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાશે : સીબીઆઈમાં થનાર વરણીમાં પારદર્શિતા લાવવા માંગ

નવી દિલ્હી,તા. ૧૬ : સીબીઆઈના વચગાળાના નિર્દેશક એમ નાગેશ્વર રાવને નિર્દેશક બનાવવા સામેની વિરુદ્ધમાં અરજી પર આગામી સપ્તાહમાં સુનાવણી કરવામાં આવી શકે છે. એનજીઓ કોમન કોઝ તરફથી તરત સુનાવણી માટે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવતા કોર્ટે આગામી સપ્તાહમાં સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં રાવની નિમણૂંકની સાથે જ સીબીઆઈમાં થનાર નિમણૂંકમાં પારદર્શિતા લાવવા માટેની પણ અપીલ કરવામાં આવી છે. અરજી કરનાર એનજીઓ કોમનકોઝના વકીલ પ્રશાંત ભૂષણ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા શરતોની સાથે નિમણૂંક કરવામાં આવ્યાના એક દિવસ બાદ જ પૂર્વ ડિરેક્ટર આલોક વર્માને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા. હોદ્દાથી દૂર કરવામાં આવ્યા બાદ વર્માએ રાજીનામુ આપ્યું હતું. કોંગ્રેસ અને બીજા વિપક્ષના ડિરેક્ટર પદથી દૂર કરવામાં આવ્યા બાદ રાજકીય કાવતરા ઘડવાના આક્ષેપ થઇ રહ્યા છે. છેલ્લા થોડાક મહિનાથી સીબીઆઈમાં ચાલી રહેલા ઘમસાણ વચ્ચે ખેંચતાણને રોકવાના પ્રયાસરુપે સરકારે નાગેશ્વર રાવને વચગાળાના નિર્દેશક બનાવ્યા હતા. જો કે, રાવની નિમણૂંક ઉપર કેટલાક સામાજિક કાર્યકરો અને રાજકીય પક્ષો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સીબીઆઈના વિવાદ વચ્ચે આલોક વર્માને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા બાદ વિવાદ હજુ અકબંધ છે. લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખગડેએ સીબીઆઈના વચગાળાના વડા નાગેશ્વર રાવની નિમણૂંક ગેરકાયદે ગણાવીને ટીકા કરી છે. ખડગેએ વડાપ્રધાનને પત્ર લખીને સીવીસીના રિપોર્ટ, રિટાયર્ડ જસ્ટિસ એકે એન્ટોનીના રિપોર્ટ અને ૧૦મી જાન્યુઆરીના દિવસે યોજાયેલી પસંદગી સમિતિની મિટિંગ અંગેની વિગતો જાહેર કરવાની માંગ કરી છે. ખડગેએ વડાપ્રધાન સમક્ષ નવા સીબીઆઈ વડાની નિમણૂંક માટે તરત જ પસંદગી સમિતિની બેઠક બોલાવવાની રજૂઆત કરી છે. ખડગેએ પત્ર લખીને વડાપ્રધાન સમક્ષ આ મુજબની વાત કરી છે. ખડગેએ દાવો કર્યો છે કે, આ મામલામાં સરકારના પગલાથી એવી બાબત સાબિત થાય છે કે, સીબીઆઈ એક સ્વતંત્ર નિર્દેશક હેઠળ કામ કરે તેમ તે ઇચ્છતી નથી.છેલ્લા કેટલાક મહિનામાં સીબીઆઇમાં ચાલી રહેલી ખેંચતાણને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. જો કે વિવાદનો ઉકેલ આવી રહ્યો નથી. રાવની નિમણૂંકના મામલે હજુ વિવાદ શાંત થાય તેવી શક્યતાઓછી દેખાઇ રહી છે. રાવને લઇને સરકાર તરફથી રજૂઆત થઇ છે.

(7:43 pm IST)