Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ભાજપ હવે પશ્ચિમ બંગાળમાં રથયાત્રાને બદલે પદયાત્રા, રેલી અને જનસભાઓ યોજશેઃ વિરોધીઓને પછાડવા નવી રણનીતિ બનાવી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ભાજપની રથયાત્રાને સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી ન મળતા હવે પ્રદેશ ભાજપ રથયાત્રાને બદલે પદયાત્રા, રેલી અને જનસભાઓ કરવા જઈ રહી છે. અત્રે જણાવવાનું કે મંગળવારે 15 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે રથયાત્રાની મંજૂરી આપી શકાય નહીં. ત્યારબાદથી જ ભાજપના નેતાઓએ પોતાની આગળની રણનીતિને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી હતી. કારણ કે હવે ભાજપ પાસે અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.

પશ્ચિમ બંગાળમાં ભાજપ પદયાત્રા, રેલી, જનસભા કે અન્ય કોઈ સિવાય અન્ય કઈ  કરી શકશે નહીં. ભાજપ પશ્ચિમ બંગાળના દરેક જિલ્લામાં જઈને પોતાના કાર્યક્રમનો અંજામ આપશે. રથયાત્રાને ફગાવી દીધા બાદ હવે ભાજપની તમામ ગણતરીઓ ઊંધી વળી ગઈ છે. આથી હવે ભાજપે 29 જાન્યુઆરીના રોજ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં થનારી સભાને રદ કરી નાખી છે. હવે આ સભા ક્યારે થશે તેનો નિર્ણય પછીથી લેવાશે.

જો કે કોલકાતામાં આજે પશ્ચિમ બંગાળ ભાજપની કેન્દ્રના નેતાઓ સાથે બેઠક થઈ રહી છે. ત્યારબાદ નિર્ણય લેવાશે કે રાજ્યમાં પીએમ મોદીની રેલી ક્યારે યોજાશે. અત્રે જણાવવાનું કે 19 જાન્યુઆરીના રોજ કોલકાતાના પરેડ ગ્રાઉન્ડમાં જ ટીએમસી સુપ્રીમો અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી વિપક્ષી એક્તા બતાવવા માટે રેલીનું આયોજન કરવા જઈ રહ્યાં છે. 19 જાન્યુઆરીના રોજ તૃણમૂલ કોંગ્રેસ કોલકાતામાં બ્રિગેડ સમાવેશ કરવા જઈ રહી છે. લોકસભા ચૂંટણીની બરાબર પહેલા બ્રિગેડ સભામાં દેશભરમાંથી વિરોધી નેતાઓ હાજરી પૂરાવશે. મમતા બેનરજી તેમાં પીએમ મોદી વિરોધી ગઠબંધનને વધુ મજબુતાઈથી રજુ કરશે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં ભાજપની રથયાત્રા માટે મંજૂરી આપી નથી. કોર્ટે કહ્યું કે એ વાતનો ઈન્કાર ન કરી શકાય કે આ રથયાત્રાથી સોહાર્દ બગડશે. જો કે કોર્ટે ભાજપને બેઠક કરવા માટેની મંજૂરી આપી છે. અત્રે જણાવવાનું કે અગાઉ ભાજપની રાજ્યમાં 39 સભાઓ થવાની હતી. હવે રાજ્ય સરકાર 20 કરવા માટે તૈયાર થઈ છે. રાજ્ય સરકારની દલીલ છે કે સભામાં કેટલા લોકો આવશે અને સભા ક્યાં થશે તે અંગે હજુ સુધી ભાજપે જણાવ્યું નથી. કોર્ટે ભાજપને કહ્યું છે  કે તેઓ પોતાની યાત્રાનું નવું શેડ્યુલ પશ્ચિમ બંગાળ સરકારને આપે.

(5:34 pm IST)