Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સ્વ. બાળાસાહેબ ઠાકરે સામે પૂર્વ સાંસદ નિલેશ રાણેઅે લગાવ્યો ગંભીર આરોપઃ કહ્યું, બાળ ઠાકરે ગાયક સોનુ નિગમની હત્યા કરાવવા માંગતા હતાં

મુંબઈ:  મહારાષ્ટ્રના ભાજપના નેતા નારાયણ રાણેના પુત્ર અને પૂર્વ સાંસદ નિલેશ રાણેએ દિવંગત શિવસેના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરે પર અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે. નિલેશ રાણેએ આરોપ લગાવ્યો કે બાળ ઠાકરે ગાયક અને અભિનેતા સોનુ નિગમની હત્યા કરાવવા માંગતા હતાં. આ માટે તેમણે પ્રયત્ન પણ કર્યો હતો. એટલુ જ નહીં નિલેશ રાણેએ શિવસેના નેતા આનંદ દિધેના મોત ઉપર પણ સવાલ કર્યાં. તેમણે કહ્યું કે આનંદ દિધેની હત્યા કેવી રીતે થઈ. તેમના મોતને હોસ્પિટલમાં કેવી રીતે દેખાડવામાં આવી. હું આજ સુધી શાંત રહ્યો પરંતુ કોઈ રાણે સાહેબ વિરુદ્ધ કઈ પણ કહેશે તો હું ચૂપ રહીશ નહીં. મારા માટે રાણે સાહેબ મહત્વપૂર્ણ છે બાળા સાહેબ નથી.

નિલેશે કહ્યું કે બાળા સાહેબે સોનુ નિગમને મારવા માટે અનેકવાર પ્રયત્નો કર્યાં. કોઈ હવે જઈને પૂછે તેમને કદાચ બતાવી દે. સોનુ નિગમની હત્યા માટે અનેકવાર શિવસૈનિકો મોકલાયા હતાં. સોનુ નિગમ અને બાળ ઠાકરે વચ્ચે શું સંબંધ છે તે ઠાકરે પરિવારને પૂછવું જોઈએ. બાળા સાહેબના કર્જતવાળા ફાર્મ હાઉસ પર કોની કોની હત્યા થઈ, તેના ઉપરથી પણ પડદો ઉઠાવવો જોઈએ.

અત્રે જણાવવાનું કે હાલમાં જ શિવસેના સાંસદ વિનાયક રાઉતે નિલેશના પિતા નારાયણ રાણે ઉપર ગંભીર આરોપ લગાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે નારાયણ રાણેના 10 વર્ષના રાજકીય કેરિયરમાં કોણે નવ લોકોની હત્યા કરી? નારાયણ રાણેમાં જો હિંમત હોય તો તેઓ તેનો જવાબ આપે. રાઉતે 2014ની લોકસભા ચૂંટણીમાં નિલેશને હરાવ્યા હતાં.

નિલેશ અને તેમના પિતા નારાયણ રાણે બંને પહેલા કોંગ્રેસમાં હતાં. બંનેએ એકસાથે પાર્ટી છોડી હતી. ત્યારબાદ કોંગ્રેસથી અલગ થઈને નારાયણ રાણેએ મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષ નામની પાર્ટી બનાવી હતી. નિલેશ 2017 સુધી કોંગ્રેસમાં રહ્યાં અને ત્યારબાદ તેઓ મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષમાં જોડાઈ ગયાં.

 

(5:34 pm IST)