Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ડૂબશે પીએફ - પેન્શનનાં ૨૦,૦૦૦ કરોડ

IL&FSમાં ડુબશે પૈસા : કંપની દેવાળુ ફુંકવાના આરે : પગારદારોને લાગશે ઝટકોઃ IL&FSમાં ૪૦ ટકા પૈસા પેન્શન - પીએફ ખાતામાં છે : બાકીના ૬૦% રકમ યશ બેંક, પંજાબ નેશનલ, ઇન્ડસઇન્ડ બેંક, બીઓબી દ્વારા લોન અપાઇ તેના છે

મુંબઇ તા. ૧૬ : લાખો મધ્યમવર્ગીય વેતનભોગીઓના પ્રોવિડન્ટ અને પેન્શન ફંડના હજારો રૂપિયા ડુબવાનો ખતરો મંડરાય રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્ફ્રાસ્ટ્રકચર લિજિંગ એન્ડ ફાયનાન્શિયલ એટલે કે આઇએલ એન્ડ એફએસ અને તેની ગ્રુપ કંપનીઓમાં આ ફંડના ૧૫થી ૨૦ હજાર કરોડ રૂપિયા રહેલા છે. આ મામલા સાથે જોડાયેલા ત્રણ લોકોએ આ અંગે જાણકારી આપી.

પીએફ અને પેન્શન ખાતા પર ખતરો મંડરાય રહ્યો છે. એક અંદાજ મુજબ અંદાજે ૨૦ હજાર કરોડનો ઝટકો એવા લોકોને લાગશે જેનું પીએફ અને પેન્શન ફંડનું ખાતુ રહેલું છે.

પીએફ અને પેન્શન ફંડ ખાતાના વધુ પડતા પૈસા લોનના બોજ હેઠળ કંપની આઇએલ એન્ડ એફએસમાં રોકવામાં આવી છે. કંપની હાલમાં દેવાળુ ફુંકાવાની તૈયારીમાં છે એવામાં સેલેરી કલાસવાળા લોકો પર તેની અસર પડશે.

એક રીપોર્ટના જણાવ્યા મુજબ ફંડ મેનેજરોએ વધુ પડતા પૈસા બ્રાન્ડ અથવા લોન તરીકે કંપનીને આપેલા છે. આ પૈસા ત્યારે આપવામાં આવ્યા હતા. જ્યારે આઇએલ એન્ડ એફએસની સ્થિતિ યોગ્ય હતી અને તેને સુરક્ષિત રોકાણમાં AAAની રેટીંગ મળેલી હતી.

આઇએલ એન્ડ એફએસમાં રોકાણકારોના જણાવ્યા મુજબ ૪૦ ટકા પૈસા પેન્શન અને પીએફ ખાતામાં જમા છે. બાકી ૬૦ ટકા રકમ યશ બેંક, પંજાબ નેશનલ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને બેંક ઓફ બરોડાના દ્વારા લોન તરીકે આપવામાં આવ્યા હતા.

કંપની પર હાલમાં ૯૧ હજાર કરોડની દેણદારી છે. ઇન્ફ્રસ્ટ્રકચર રોકાણ સાથે જોડાયેલી સરકારી ક્ષેત્રની કંપની ઇન્ફ્રસ્ટ્રકચર લીજિંગ એન્ડ ફાઇનાન્શીયલ સર્વિસેઝ તેની લોનના હપ્તા ચુકવી રહ્યા નથી. તેના લીધે ફકત અનેક મોટા બેંકો સંકટમાં પડી ગયા છે પરંતુ પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન ફંડમાં પૈસા લાગતા સામાન્ય લોકોની મહેનતની કમાણી પણ દાવ પર લાગી છે.

૨૦૧૭-૧૮ના આંકડા મુજબ આઇએલ એન્ડ એફએસ સમુહમાં ૧૬૯ કંપનીઓ છે. તેમાં આઇએલ એન્ડ એફએસ ટ્રાન્સપોર્ટેશન નેટવર્કસ, આઇએલ એન્ડ એફએસ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શીયલ ટેક સીટી કંપની લિમિટેડ વગેરે સામેલ છે

(3:33 pm IST)