Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ચેમ્બર ચૂંટણી જંગ

રસપ્રદ મતદાનઃ કાલે મતગણતરી

સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં સવારથી વેપારી આલમ મતદાન માટે ઉમટી પડીઃ ખેરખાંઓનું મતદાનઃ કોણ-કોનો પતંગ કાપશે ? જબરી ચર્ચાઃ વાયબ્રન્ટ વિરૂદ્ધ મહાજન પેનલ વચ્ચે જંગઃ બન્નેના વિજયના દાવાઃ કાલે મતગણતરી : બપોર સુધીમાં ચેમ્બરના કુલ ૪૫૯૧માંથી ૨૦૦૦થી વધુ સભ્યોનું મતદાનઃ જબરો રોમાંચ

મતદાન માટે વેપારીઓની લાગેલી લાંબી લાંબી લાઈનો નજરે પડે છે. મતદાન સાંજે ૬ સુધી ચાલવાનુ છે. ધીંગુ મતદાન થાય તેવી શકયતા છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૬ :. રાજકોટના વેપાર ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી મહાજનોની સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની કારોબારીની મધ્યસત્ર ચૂંટણી માટે આજે મતદાન રસપ્રદ મતદાન થઈ રહ્યુ છે. બપોર સુધીમાં એકંદરે ૫૦ ટકાની આસપાસ મતદાન નોંધાયુ હોવાનું જાણવા મળે છે. કુલ ૪૫૯૧ મતદારોમાંથી આ લખાય છે ત્યારે ૨૦૦૦થી વધુ સભ્યોએ મતદાન કરી લીધુ છે. બપોર બાદ મતદાનમાં વેગ આવે તેવી શકયતા છે. મતદાન ૬ વાગ્યા સુધી ચાલવાનુ છે અને આવતીકાલે મતગણતરી થશે.

૬૫ વર્ષ જૂની મહાજનોની આ સંસ્થાના ઈતિહાસમાં પહેલી વખત આ વખતે મધ્યસત્ર ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં વી.પી. વૈષ્ણવના નેતૃત્વ હેઠળની વાયબ્રન્ટ પેનલના ૨૩ સભ્યો અને સમીર શાહના નેતૃત્વ હેઠળની મહાજન પેનલના ૧૧ સભ્યો વચ્ચે મુખ્ય મુકાબલો છે. ૧ ઉમેદવાર અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યો છે. કુલ ૩૫ ઉમેદવારોનુ ભાવિ રાજકોટના વેપાર ઉદ્યોગો મતપેટીમાં પુરી રહ્યા છે. આ ચૂંટણીએ જબરી રસાકસી અને રોમાંચ જગાવ્યો છે. કોણ-કોનો પતંગ કાપશે ? એ લઈને જબરી ચર્ચા થઈ રહી છે. બન્ને પેનલોએ પોતપોતાના ઉમેદવારોના વિજયના દાવા કર્યા છે.

સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે આજે સવારે ૯ વાગ્યે મતદાન શરૂ થયુ કે તરત જ વેપારીઓ-ઉદ્યોગપતિઓ મતદાન માટે ઉમટી પડતા મતદાન માટે લાંબી લાંબી લાઈનો નજરે પડી હતી. પ્રારંભમાં જ બન્ને પેનલના સૂત્રધારો અને ઉમેદવારોએ મતદાન કર્યુ હતું. બપોર સુધીમાં ૫૦ ટકાની આસપાસ મતદાન થયાનુ ચૂંટણી કમિશ્નર હિતેશભાઈ બગડાઈએ જણાવ્યુ હતું. કુલ ૪૫૯૧ મતદારો છે. તેમાંથી ૨૦૦૦થી વધુ લોકોએ મતદાન કરી લીધુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, મતદાન શાંતિપૂર્ણ થઈ રહ્યુ છે અને અત્યાર સુધીમાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી કે કોઈ વિવાદ ઉભો થયો નથી. વેપારીઓ શિસ્તબદ્ધ રીતે મતદાન કરી રહ્યા છે.

બપોર બાદ મતદાનમાં વેગ આવે તેવી શકયતા છે કારણ કે બપોર બાદ બન્ને હરીફ જુથો પોતાની તરફેણમાં વધુમાં વધુ મતદાન કરાવવા માટે પોતાની તમામ તાકાત કામે લગાડે તેવી શકયતા છે. આ મતદાન અને ચૂંટણીએ રાજકોટના વેપારીઓ અને ઉદ્યોગકારોમાં જબરો રોમાંચ જગાવ્યો છે. વર્તુળોના જણાવ્યા પ્રમાણે જો વધુ મતદાન થશે તો વાયબ્રન્ટ પેનલની તરફેણમાં જશે અને જો ઓછુ મતદાન થયુ તો હરીફ પેનલના બે થી ત્રણ સભ્યો ચૂંટાઈ શકે છે. જે હોય તે આવતીકાલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આવતીકાલે મતગણતરી થવાની છે અને બપોર સુધીમાં પરિણામ આવી જશે. બન્ને પેનલોએ પોતપોતાના વિજયના દાવા કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ વી.પી.ના શિરે પ્રમુખ પદનો તાજ નક્કી છે.

(3:33 pm IST)