Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મોદી સરકાર લાવી રહી છે નવી સ્કીમ

અરે વાહ... હવે ATMમાંથી મળશે ફ્રી દવા

બ્રાન્ડેડ - જેનરિક બંને મળશે : ગોળી સાથે સિરપ પણ મળશે

નવી દિલ્હી તા. ૧૬ : ATMમાંથી તમે પૈસા કાઢતા હશો, પરંતુ હવે એટીએમમાંથી દવા પણ નીકળશે. સરકાર દરેક જિલ્લામાં આવા એટીએમ લગાવવાનું વિચારી રહી છે, જેમાંથી મફતમાં દવા નીકળશે. આંધ્ર પ્રદેશમાં થયેલા પ્રયોગ બાદ ઉત્સાહિત થયેલી કેન્દ્ર સરકાર મોટી સંખ્યામાં એટીએમ લગાવવા અંગે વિચારી રહી છે. આ ATMનું પૂરું નામ એની ટાઇમ મેડિસિન છે. આ એટીએમમાં બ્રાન્ડેડ અને જેનરિક દવાઓ મફતમાં મળશે. આ એટીએમમાંથી ટેબ્લેટની સાથે સાથે સિરપ પણ નીકળશે.

 

નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન લિસ્ટમાં રહેલી મોટા ભાગની દવાઓ આ એટીએમમાં હશે. સામાન્ય રોગો માટે જરૂરી તમામ દવાઓ નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન લિસ્ટમાં હયાત છે. આમાં ૩૦૦થી વધારે જરૂરી દવાઓ છે. બ્રાન્ડેડ અને જેનરિક એમ બંને પ્રકારની દવાઓ એટીએમમાં હશે. ગોળીની સાથે સાથે સિરપ પણ એટીએમમાંથી કાઢી શકાશે.

આંધ્ર પ્રદેશમાં આ પ્રયોગ સફળ રહ્યા બાદ આખા દેશમાં આ યોજના લાગૂ કરવાનું સરકાર વિચાર રહી છે. આંધ્ર પ્રદેશમાં પ્રાથમિક તબક્કે આ એટીએમ સામાન્ય પ્રિસ્ક્રિપ્શનને સ્કેન કર્યા બાદ દવા આપે છે. ફોન કોલ કરીને પણ આ એટીએમમાંથી દવા કાઢી શકાય છે. આ માટે દર્દી દૂર બેઠેલા ડોકટરને પોતાની સમસ્યા જણાવશે. ડોકટર દવા લખીને એટીએમ કિઓસ્કને કમાન્ડ મોકલશે, કમાન્ડ મળતાની સાથે એટીએમમાંથી દવા નીકળશે.૧૫ જગ્યા પર દવા નીકળતી હોય એવા એટીએમ લગાવવામાં આવ્યા છે.

એટીએમની ખરીદી માટે નેશનલ રૂરલ હેલ્થ મિશનના પૈસાનો ઉપયોગ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ એટીએમ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લગાવવામાં આવશે.(૨૧.૯)

 

(10:22 am IST)