Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

દિલ્હીમાં ઠંડીનો કહેર : ૧૪ દિવસમાં ૯૬ના મોતનો કરાયો દાવો

પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાના કારણે ઉત્તર ભારતમાં પણ પારો ગગડયો

નવી દિલ્હી તા. ૧૬ : દિલ્હીમાં ઠંડી હવાના કારણે ઠંડીનો જોર વધ્યું છે. ઠંડીનો કહેર એટલો વધારે છે કે ૧ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી વચ્ચે ૯૬ બેઘર લોકોના મોત નિપજયાંનો દાવો કરવામાં આવ્યો છે. પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાએ રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં પારો ગગડાવી દીધો છે.

ઠંડા પવનના કારણે લોકોને બહાર નિકળવાનું મુશ્કેલ કરી દીધુ છે. જેના કારણે ઘરવિહોણાં લોકોનું જીવન મહામુશ્કેલ ભર્યું થયું છે. હાલાત એટલા બધા ખરાબ થયા છે કે રાજધાની દિલ્હીમાં જ ૧૪ દિવસમાં ૯૬ બેઘર લોકોના મોત નિપજયાં છે.

આશ્ચર્યચકિત કરવાવાળી વાત એ છે કે આ આંકડા સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટના છે. સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટના અધિકારીએ જણાવ્યું કે આ આંકડા ગૃહમંત્રાલની વેબસાઇટ પરથી લેવામાં આવ્યાં છે.

આમ જયારે હિમવર્ષાના પગલે ઠંડા પવનનું જોર વધવાથી તાપમાનો પારો ગગડયો છે ત્યારે બેઘર લોકોના મોતનો આંકડો ન વધે તેના માટે સરકારે પુરતી વ્યવસ્થા કરવી જોઇએ.

આમ ઠંડા પવનના કારણે જયાં ઠંડક વધી ગઇ છે ત્યાં દિવસ અને રાત્રિના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગના અનુસાર ૨૦ જાન્યુઆરી બાદ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ રહ્યું છે જેના કારણે વરસાદ બાદ ઠંડીનું પ્રમાણ હજી પણ વધી શકે છે. ઉત્તર પશ્ચિમી હવાના કારણે ઠંડીમાં વધારો થશે.(૨૧.૯)

(10:22 am IST)