Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

દેશની ૪૦૦૦૦ કોલેજો - ૯૦૦ યુનિ.માં આ વર્ષથી જ લાગુ થઇ જશે ૧૦% અનામત

સરકાર શૈક્ષણિક સંસ્થાઓમાં ૨૫% બેઠકો વધારશે

નવી દિલ્હી તા. ૧૬ : માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, દેશભરની ૪૦,૦૦૦ કોલેજો અને ૯૦૦ યુનિવર્સિટીઓમાં ૧૦ ટકા અનામતના કવોટા આ શૈક્ષણિક સત્રથી લાગુ કરી દેવાશે. તેમાં સરકારી અને પ્રાઇવેટ બંને પ્રકારની સંસ્થાઓ સામેલ હશે. જો કે વર્તમાન કોટા સાથે કોઇ છેડછાડ નહિ કરાય અને તે ૧૦ ટકા વધારે હશે. ૧૦% કવોટાને ૨૦૧૯થી જ લાગુ કરાશે.

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા મંગળવારે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક સત્રથી દેશભરમાં સામાન્ય વર્ગના આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૦ ટકા અનામત લાગુ કરવામાં આવશે. આ માટે દેશભરમાં આવેલી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં લગભગ ૨૫ ટકા જેટલી બેઠકો વધારવામાં આવશે.

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, મંત્રાલય, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC) અને અખિલ ભારતીય તકનીકી શિક્ષણ પરિષદ (AICTE)ના અધિકારીઓ સાથેની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે પત્રકારોને જણાવ્યું કે, 'વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના શૈક્ષણિક સત્રથી જ દેશભરમાં સવર્ણ અનામત લાગુ કરી દેવામાં આવશે. સવર્ણ વર્ગના લોકોને તેનો ફાયદો મળી શકે તે માટે અંદાજે ૨૫ ટકા જેટલી સીટો વધારવામાં આવશે, જેથી કરીને અુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગના કવોટાને કોઈ અસર થાય નહીં.'

પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, 'દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં ૧૦ ટકા આર્થિક અનામત લાગુ કરવા અને તેના માટે જરૂરી બેઠકો વધારવા અંગે હાલ મંત્રાલય કામગીરી કરી રહ્યું છે. એક અઠવાડિયાના અંદર જ કયાં કેટલી સીટ વધારવામાં આવશે તેની જાહેરાત કરાશે. સાથે જ સરકાર ખાનગી યુનિવર્સિટીઓમાં પણ અનામત લાગુ કરાવા માટે તૈયાર છે.'

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા બંધારણ (૧૨૪મો સુધારો) બિલ, ૨૦૧૯ પર સોમવારના રોજ હસ્તાક્ષર કરી દેવાની સાથે જ દેશભરમાં સરકારી નોકરીઓ અને શિક્ષણના ક્ષેત્રે ૧૦ ટકા અનામદ આપવાની બંધારણીય જોગવાઈ લાગુ થઈ ગઈ છે.(૨૧.૮)

 

(10:21 am IST)