Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

પ. બંગાળના એક જિલ્લામાં લોકોના ખાતામાં આવી રહ્યા છે ૧૦૦૦૦ થી ૨૫૦૦૦ રૂપિયા

પૈસા કયાંથી આવ્યા તે કોઇ જાણતુ નથી

નવી દિલ્હી તા. ૧૬ : જો તમારા ખાતામાં અચાનક જ એક નહીં પરંતુ બે-બે વખત નાણા જમા થઈ જાય તો તમે જરૂર ચકિત થઈ જશો. પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં પણ કંઈક આવું જ બની રહ્યું છે, અહીં લોકોના ખાતામાં અચાનક જ મોટી રકમ જમા થઈ ગઈ છે અને લોકોએ તેને ઉપાડવા માટે લાઈન લગાવી દીધી છે. જોકે, આ પૈસા કયાંથી આવી રહ્યા છે, કોણે મોકલ્યા છે તેના અંગે કોઈ જાણતું નથી.

પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લાના કેતુગ્રામ-૨ નંગર પંચાયત સમિતિ અંતર્ગત આવતા શિબલૂન, બેલૂન, ટોલાબાડી, સેનાપાડા, અમ્બાલગ્રામ, નબગ્રામ અને ગંગાટીકુરી જેવા અનેક નાના-નાના ગામડાઓમાં રહેતા લોકોના ખાતામાં અચાનક જ મોટી રકમ જમા થવા લાગી છે.

જે લોકોના ખાતામાં પૈસા આવ્યા છે તે રકમ રૂ.૧૦ હજારથી રૂ.૨૫ હજાર સુધીની છે. આ પૈસા યુકો બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને એસબીઆઈના ખાતાધારોકોના ખાતામાં આવી રહ્યા છે. આ અંગે જયારે બેન્ક મેનેજરને પુછ્યું તો તેમણે પણ લોકોના ખાતામાં પૈસા જમા થયા હોવાની વાતને સમર્થન આપ્યું છે. જોકે, પૈસા કયાંથી આવી રહ્યા છે તેના અંગે તેમણે જણાવ્યું કે, અમે એ જણાવી શકીએ નહીં. તેમણે એટલું જ જણાવ્યું કે, પૈસા ઉપાડવા માટે તેમની બેન્કોની બહાર ગ્રામીણોની લાઈન લાગી છે.

લોકોના ખાતામાં આ રકમ NEFT દ્વારા આવી રહી છે. કેતુગ્રામના ધારાસભ્ય શેખ શાહનવાઝે મહેણુ મારતા જણાવ્યું કે, 'વડા પ્રધાને કહ્યું હતું કે, આપકે એકાઉન્ટ મેં પૈસે આએંગે. કદાચ ત્યાંથી જ આવ્યા હોય.' કેટલાક ગ્રામીણો પણ સરકાર દ્વારા આ રકમ જમા કરાવાઈ હોવાનું માની રહ્યા છે.

જોકે, સમગ્ર ઘટનાક્રમ પાછળ સત્ય ઘટના શું છે તેના અંગે વહીવટી તંત્ર પણ અજાણ છે. કટવા સબ ડિવિઝનના અધિકારી સોમેન પલને આ અંગે પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, હજુ આ ઘટના પાછળ તપાસ કરવાની બાકી છે.

અચાનક જ ખાતામાં મોટી રકમ જમા થઈ જવાને કારણે ગ્રામીણો તો ખુશ થઈ ગયા છે. તેમણે બેન્કોની બહાર મફતમાં જમા થયેલા આ પૈસા ઉપાડવા માટે લાઈનો લગાવી દીધી છે. બેન્ક અધિકારીઓ સહિતના તમામ લોકો આશ્ચર્યચકિત છે કે, આખરે ગરીબ પરિવારના લોકોના ખાતામાં આટલી મોટી રકમ કયાંથી જમા થઈ રહી છે.(૨૧.૬)

 

(10:16 am IST)