Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

કેન્દ્ર સરકારના શૈક્ષણિક કર્મચારીઓને 7મુ પગારપંચ લાગુ :1 લી જાન્યુઆરીથી વેતન ચૂકવાશે :એરીયર્સ પણ મળશે

કેન્દ્રની તિજોરીપર રૂ.1,241 કરોડનો વધારાનો બોજો પડશે : લઘુતમ વેતન વધીને 21000 થઇ જશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના શિક્ષણ ક્ષેત્રના કર્મચારીઓને 7મું પગારપંચ લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. આ શિક્ષણ સંસ્થાઓના પ્રોફેસરો, સ્ટાફ અને ટેક્નીકલ ઈન્સ્ટિટ્યુટના કર્મચારીઓને 7મા પગારપંચ મુજબ 1 જાન્યુઆરી, 2019ની વેતન ચૂકવવામાં આવશે. 

 કેન્દ્ર સરકારે એ પ્રસ્તાવને મંજુરી આપી છે, જેમાં પ્રોફેસર અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓને 7મા પગારપંચ અંતર્ગત વેતન આપવામાં માગ કરવામાં આવી હતી. તેનો ફાયદો રાજ્ય સરકારના શૈક્ષણિક કર્મચારીઓ અને સરકારની ગ્રાન્ટેડ ડિગ્રી કક્ષાની ટેક્નીકલ સંસ્થાના કર્મચારીઓને પણ મળશે. તેના કારણે કેન્દ્રની તિજોરી ઊપર રૂ.1,241 કરોડનો વધારાનો બોજો આવશે. 

  શિક્ષકોને ફાયદો આપવા ઉપરાંત કેન્દ્ર સરકારે એ સંસ્થાઓને પણ રાહત આપી છે જે કર્મચારીઓને એરિયર્સ ચૂકવશે. સરકારને એરિયર્સ પાછળ થનારા ખર્ચના 50 ટકા ભોગવવાની પણ જાહેરાત કરી છે. 1 જાન્યુઆરી, 2016થી 31 માર્ચ, 2019 દરમિયાનના સમયગાળા માટે એરિયર્સ પાછળ જે કોઈ ખર્ચ આવશે તેનો 50 ટકા ખર્ચ સરકાર શૈક્ષણિક સંસ્થાઓને પાછો આપશે.

   શિક્ષકો માટે જાહેરાત થયા બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓ માટેનો પણ માર્ગ મોકળો થતો દેખાઈ રહ્યો છે. સૂત્રો અનુસાર ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકા વધારીને 3 ગણું કરવામાં આવી શકે છે. કર્મચારીઓને તેનો સીધો લાભ મળશે અને તેમનું લઘુત્તમ વેતન રૂ.18,000 પ્રતિ માસથી વધીને રૂ.21,000 જેટલું થઈ જશે. ફિટમેન્ટ ફેક્ટરને પણ 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરવાની વિચારણા છે.

(12:18 am IST)