Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

અંકુશરેખા પર પાકિસ્તાનનો ગોળીબાર : ૧ જવાન શહીદ

નાના અને ભારે હથિયારો મારફતે ગોળીબાર : બીએસએફ દ્વારા તીવ્ર જવાબી કાર્યવાહી કરવામાં આવી

જમ્મુ, તા. ૧૫ : જમ્મુ કાશ્મીરના કઠુઆ વિસ્તારમાં આજે સવારે પાકિસ્તાન તરફથી ફરી એકવાર જોરદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં એક જવાન શહીદ થયા હોવાની માહિતી મળી છે. ભારતીય બીએસએફના જવાનોએ પાકિસ્તાનની કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ગોળીબાર દરમિયાન બીએસએફ જવાન શહીદ થયા હતા. બીએસએફના આસીસ્ટન્ટ કમાન્ડેન્ટ વિનય પ્રસાદ હિરાનગર સેક્ટરમાં થયેલી ગોળીબારીમાં ઘાયલ થયા હતા. તેમને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું અવસાન થયું હતું. જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં પણ આજે અંકુશરેખા પર ભારત અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા તરફથી આ મુજબની માહિતી આપવામાં આવી હતી. લેફ્ટી કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ સવારે ૧૦ વાગે નાના હથિયારો અને ભારે હથિયારો મારફતે ગોળીબાર કર્યો હતો જેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૧૧મી જાન્યુઆરીના દિવસે અંકુશરેખા નજીક રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં સેનાના મેજર સહિત બે જવાનો શહીદ થયા હતા અને અન્ય બે જવાનો ઘાયલ થયા હતા. સરહદ ઉપર ભીષણ ગોળીબાર કરવામાં આવ્યા બાદ આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં મેજર અને અન્ય કેટલાક જવાન ફસાઈ ગયા હતા. આ હુમલાને પાકિસ્તાની રેન્જર્સની બોર્ડર એક્શન ટીમે અંજામ આપ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં આ ત્રીજો હુમલો કરાયો છે. બ્લાસ્ટથી ભારે નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનો વારંવાર ભંગ કરાઈ રહ્યો છે.

(12:00 am IST)