Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ટેલીકોમ સેકટરમાં આવતા છ મહિનામાં હજારો લોકોની નોકરી જશે

પ્રતિસ્પર્ધા - ઓછા માર્જિનના કારણે ક્ષેત્ર ભાવિત થયુઃ નોકરીની અનિશ્ચિતતાથી કર્મચારીઓ ચિંતીત : ૬૫ કંપનીઓના સર્વે પરથી કઢાયુ તારણઃ ૫થી ૭ ટકા જ મળ્યો સેલેરી હાઇક

મુંબઇ તા. ૧૬ : ટેલિકોમ સેકટર અત્યારે અનિશ્વિતતાના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આગામી છ મહિનામાં અહીં મોટા પ્રમાણમાં છટણી થઈ શકે છે. એક રિપોર્ટ મુજબ હજારો લોકોની નોકરી ખતરામાં છે અને કુલ ૮૦-૯૦ હજાર લોકો બેકાર બનશે.

સીઆઈઈએલ એચઆર સર્વિસીઝના રિપોર્ટમાં કહેવાયું છે કે, પ્રતિસ્પર્ધા વધવાથી અને ઓછા માર્જિનને કારણે આ સેકટરનો લાભ પ્રભાવિત થયો છે. તેના કારણે મોટા પ્રમાણમાં છટણી પણ થઈ છે અને નોકરીનું ચિત્ર અનિશ્વિતતામાં છે.

ટેલિકોમ કંપનીઓ માટે ટેલકો, સોફટવેર અને હાર્ડવેર સર્વિસ પ્રોવાઈડ કરાવનારી ૬૫ કંપનીઓના ૧૦૦ સીનિયર અને મિડ લેવલ કર્મચારીઓની વચ્ચે સર્વે પર આ રિપોર્ટ આધારિત છે. રિપોર્ટ મુજબ, ગત વર્ષથી અત્યાર સુધીમાં આ સેકટરમાં લગભગ ૪૦ હજાર લોકોની નોકરી પહેલા જ જઈ ચૂકી છે અને આગામી છ મહિનામાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેશે. નોકરી ગુમાવનારાઓની કુલ સંખ્યા ૮૦-૯૦ હજાર સુધી પહોંચી શકે છે.

બેંગલુરુ બેઝડ કંપનીના ચીફ એકિઝકયુટિવ આદિત્ય નારાયણ મિશ્રાએ કહ્યું કે, 'ઘટાડાનો સમય આગામી ૨-૩ ત્રિમાસિક સુધી ચાલુ રહેશે અને આ સેકટરમાંથી લગભગ ૮૦-૯૦ હજાર લોકો ઓછા કરવામાં આવશે.' તેમણે કહ્યું કે, નોકરીની અનિશ્વિતતાને લઈને કર્મચારી ચિંતિત છે. લોન સર્વિસિંગની વધુ કિંમત, માર્કેટ શેર માટે આક્રમક પ્રતિસ્પર્ધા, ટેલિકોમ કંપનીઓમાં મર્જરને લઈને અનિશ્વિતતાથી છટણીમાં વૃદ્ઘિ થઈ છે.

રિપોર્ટમાં આગળ કહેવાયું છે કે, બીજા સેકટર્સની સરખામણી વેતન વૃદ્ઘિ મંદ છે. લગભગ ૬૯ ટકા કર્મચારીઓને ૭ ટકા સેલેરી હાઈક મળ્યો, જયારે એક તૃતિયાંશને ૫ ટકાથી ઓછી વૃદ્ઘિ મળી. રિપોર્ટમાં કહેવાયું છે કે, નોકરી ગુમાવનારા મોટાભાગના લોકો બીજા સેકટરમાં નોકરી શોધી રહ્યા છે.

(1:05 pm IST)