Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

લો કર લો બાત... ઝંઝટ સમાપ્ત થશેઃ ભરીને આવશે આયકર રિટર્ન

પગારદારોને રિટર્ન ભરવામાં સરળતા મળે તે માટે સરકાર બજેટમાં લાવી શકે છે નવી સ્કીમઃ આયકર દાતાને ઇ-મેઇલથી મળશે ભરેલુ ફોર્મઃ સરળ થઇ જશે રિટર્ન ફોર્મ તૈયાર કરવાનુ

નવી દિલ્હી તા.૧૬ : સરકારી, બીનસરકારી કે સ્થાનિક એકમોમાં સાધારણ તબક્કાની નોકરી કરવાવાળા કે ઓનલાઇન રીટર્ન દાખલ કરવા અંગે વધુ નહી જાણતા આયકર કરદાતાઓની સગવડતા માટે આયકર વિભાગ તેમને અગાઉથી ભરેલા ફોર્મ ઉપલબ્ધ કરાવવાની સેવાની ગીફટ આપી શકે છે. જો બધુ ઠીકઠાક રહ્યુ તો આ ફેંસલાની ઘોષણા આગામી બજેટમાં થઇ શકે છે. આવુ થવાથી લાખો એવા પગારદારોને રાહત મળશે કે જેમને આયકર વિભાગનું ઓનલાઇન રિટર્ન ભરવાનુ પહાડ જેવુ લાગે છે.

આયકર વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર હાલ આયકર દાતાઓને વધુને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા ઉપર કામ કરી રહી છે. આ ક્રમમાં નાના પગારદારોને રાહત આપવા માટે તેઓના ભરાયેલા ફોર્મ ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ ચાલી રહ્યુ છે. અત્યારે દેશમાં લાખો કર્મચારીઓ એવા છે કે જેઓ સરકારી, બીનસરકારી કે સ્થાનિક એકમોમાં સાધારણ દરજ્જાની નોકરી કરે છે અને તેમનુ વેતન વાર્ષિક પ લાખ રૂપિયા કે તેથી વધુનુ થાય છે. આયકર વિભાગના નિયમ મુજબ આવા કરદાતાઓ માટે રિટર્ન ભરવુ અનિવાર્ય છે એટલુ જ નહી તેઓએ ઓનલાઇન રિટર્ન ભરવાનુ રહે છે તેથી ગામ કે નાના શહેરોમાં જ નહી પરંતુ દિલ્હી જેવા મહાનગરમાં રહેતા નાના કર્મચારીઓ માટે એ બાબત ચિંતાનો વિષય છે. મજબુરીમાં આવા આયકર દાતાઓ ઓનલાઇન ફોર્મ ભરવા માટે કાં તો કોઇ જાણકારની સલાહ લ્યે છે અથવા તો સીએની મદદ લેતા હોય છે.

ભારતીય સીએના એસો.ના સભ્ય કુસ્વાહનું કહેવુ છે કે આ વિચાર સારો છે પણ આ માટે સારો સોફટવેર બનાવવો પડશે કારણ કે સોફટવેર સારો ન હોય તો ભુલો થશે અને સુવિધાને બદલે દુવિધા મળશે. આ યોજના એવા કરદાતાઓ માટે બનાવાશે કે જેમની આવકનો સ્તોત્ર ફકત વેતન છે તેમનુ રિટર્ન તૈયાર કરી તેમના ઇ-મેઇલ આઇડી પર મોકલવામાં આવશે. આ એવી રીતે બનાવવામાં આવશે જેમ આયકર વિભાગ કોઇ કરદાતાનું ફોર્મ ર૬-એએસ તૈયાર કરે છે. જો આવો ફેસલો થાય તો ઘણી સરળતા રહેશે. જયારથી પાન અને આધારની સંખ્યાને જોડી દેવામાં આવેલ છે ત્યારથી વિભાગ પાસે કોઇપણ વ્યકિતના વ્યવહારોની માહિતી આવી જાય છે. આ બધુ મળી પહેલાથી ભરેલુ રીટર્ન આયકર દાતાને મોકલી શકાશે. તે એ ખોલીને જોઇ શકશે અને જો કોઇ ફેરફાર હોય તો ફેરફાર કરી પછી તેને આયકર વિભાગની સાઇટ પર અપલોડ કરી શકશે.(૩-૭)

(4:44 pm IST)