Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

NCBએ સ્ટાર્સના ૮૫ ગેઝેટ્સ ગાંધીનગર FSLમાં મોકલ્યા

સુશાંતરાજપૂત કેસના ડ્રગ કનેક્શનમાં તપાસનો ધમધમાટ : ૪૫ દિવસમાં મોકલાયેલા ગેઝેટ્સમાં ૩૦ મોબાઈલ ફોનનો ડેટા કાઢ્યા બાદ એનસીબીને પરત મોકલી દેવાયા

મુંબઈ, તા. ૧૫ : મહારાષ્ટ્ર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગુજરાતના ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સીસ સર્વિસીસ, ગાંધીનગરમાં બોલિવુડ સ્ટાર્સના ૮૫ ગેઝેટ્સ મોકલ્યા છે. છેલ્લા ૪૫ દિવસમાં મોકલાયેલા ગેઝેટ્સમાં ૩૦ મોબાઈલ ફોનનો ડેટા કાઢ્યા બાદ એનસીબીને પરત મોકલી દેવામાં આવ્યા છે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ એનસીબી કરી રહી છે. તેના આધાર પર મુંબઈમાં દરોડા અને ધરપકડ કરવામાં આવી રહી છે.

કાઢવામાં આવેલા ડેટામાં ડિલીટ કરાયેલ વોઇસ ક્લિપ્સ, વીડિયો ક્લિપ્સ અને ચેટ મેસેજીસ અને મોબાઇલ નંબર્સ પણ સામેલ છે. એનસીબી ફોરેન્સિક લેબમાં મુંબઇથી જપ્ત કરાયેલા ડ્રગ્સના સેમ્પલ્સ પણ તપાસ માટે મોકલી રહ્યું છે. આ ડ્રગ્સના સેમ્પલની તપાસ કરીને રિપોર્ટ લેવામાં આવી રહ્યો છે જેથી કરીને તેઓ ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા સપ્લાયર્સ અને ખરીદદારો સુધી પહોંચી શકે. અત્યાર સુધીમાં ફોરેન્સિક લેબને ૨૫ ડ્રગ્સના સેમ્પલ મોકલાઇ ચૂકયા છે.

ફોરેન્સિક તપાસ માટે મોકલેલા મોટાભાગના ગેઝેટ્સમાં સૌથી વધુ મોબાઇલ સેલિબ્રિટી, તેમના પરિચિતો અને આરોપી ડ્રગ્સ પેડલર્સના છે. આ સિવાય બે લેપટોપ, ટેબ્લેટ્સ અને પેન ડ્રાઈવ્સ પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક લેબ પર જે મોબાઈલ મોકલાયા છે તેમાં રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શૌવિક, સારા અલી ખાન, અર્જુન રામપાલ, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ અને તેમની સાથે સંકળાયેલા લોકોના છે. એનસીબીએ ગાંધીનગરની લેબને કહ્યું છે કે એકબીજાને મોકલેલા મેસેજીસ અને કરવામાં આવેલા કોલ વચ્ચે એક લિંક સ્થાપિત કરો જેથી કરીને ડ્રગ્સનો ઉપયોગ કરનાર ચેનને શોધી શકાય. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ડેટા ડિલિટ કરવામાં આવ્યો છે તે ખૂબ જ સિક્યોર હતો, તેથી લેબ ઇઝરાઇલ પાસેથી માંગવામાં આવેલા ખાસ સાધનોનો ઉપયોગ કરી રહ્યું છે જેથી કરીને ડેટા કાઢી શકાય.

(8:25 pm IST)