Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ગિરાવટ બાદ મામૂલી લાભ સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ સ્તરે

એચડીએફસી બેન્ક, એચડીએફસીના શેરોમાં તેજી : સેન્સેક્સ ૯.૭૧, નિફ્ટી ૯.૭૦ પોઇન્ટની વૃદ્ધિ સાથે બંધ

મુંબઈ, તા. ૧૫ :સ્થાનિક શેર બજારો મંગળવારે પ્રારંભિક ઘટાડા બાદ પુન ઊછળ્યા હતા અને થોડા ફાયદા સાથે નવી ઊંચી સપાટીએ બંધ થયા છે. એચડીએફસી બેક્ન અને એચડીએફસી શેરોમાં તેજીથી બજારને સમર્થન મળ્યું હતું. બીએસઈનો ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૯.૭૧ અંક એટલે કે ૦.૦૨ ટકા વધીને ૪૬,૨૬૩.૧૭ પોઇન્ટ બંધ રહ્યો હતો. આ તેનો નવો રેકોર્ડ ઊંચું સ્તર છે. આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૯.૭૦ પોઇન્ટ અથવા ૦.૦૫ ટકાના વધારા સાથે ૧૩,૫૬૭.૮૫ પોઇન્ટની સર્વાધિક ઉચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સ કંપનીઓમાં બજાજ ફાઇનાન્સના શેરમાં આશરે પાંચ ટકાનો ઉછાળો આવ્યો હતો. બજાજ ફિનસર્વ, એચડીએફસી, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેક્ન, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટાટા સ્ટીલના શેરમાં પણ વધારો થયો છે. બીજી તરફ, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઇન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એસબીઆઇ, ટીસીએસ અને આઇટીસીના શેરમાં ઘટાડો થયો છે. એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃદ્ધિની આગાહી અગાઉના કરતા ૭-.૭ ટકા સુધારી છે.

તેણે અગાઉ ભારતીય અર્થવ્યવસ્થામાં નવ ટકાના ઘટાડાની આગાહી કરી હતી. એસ.એન્ડ.પી.એ કોવિડ -૧૯ સંક્રમણના વધતા અને ઘટતા કેસો વચ્ચે વૃદ્ધિ દરના અંદાજને સુધારી દીધો છે. દરમિયાન, નવેમ્બરમાં છૂટક ફુગાવો ઘટીને ૬.૯૩ ટકા રહ્યો છે. જોકે, તે હજી પણ રિઝર્વ બેંકના સંતોષકારક સ્તરથી ઉપર છે. સોમવારે બજાર બંધ થયા પછી છૂટક ફુગાવાના આંકડા આવ્યા છે. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો આઠ પૈસા તૂટીને ૭૩.૬૩ (કામચલાઉ) રૂપિયા પર બંધ રહ્યો છે.શેર વિનિમયના કામચલાઉ આંકડા મુજબ, વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારોએ સોમવારે શેર વિનિમયમાં રૂ. ૨,૨૬૪.૩૮ કરોડના શેરની ખરીદી કરી હતી. અન્ય એશિયાઈ બજારોમાં, ચીનના શાંઘાઈ કમ્પોઝિટ, દક્ષિણ કોરિયાની કોસ્પી, હોંગકોંગની હેંગસેંગ અને જાપાનની નિક્કીમાં ગિરાવટ જોવા મળી હતી. યુરોપિયન બજારોમાં શરૂઆતના વેપારમાં લાભ દર્શાવ્યો હતો. ગ્લોબલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો ૦.૧૬ ટકા વધીને ૫૦.૩૭ ડોલર પ્રતિ બેરલ રહ્યો છે.

(8:24 pm IST)