Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

NDAના પૂર્વ સાથી પક્ષ અકાલીદળનો મોદી સરકાર પર આકરો પ્રહાર : કહ્યું -‘અસલી ટુકડે-ટુકડે ગેંગ તો ભાજપ’

સુખબીર સિંહ બાદલે કહ્યુ ભાજપે રાષ્ટ્રીય એકતાને ટુકડામાં તોડી નાખી

નવી દિલ્હી : શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલે ભારતીય જનતા પાર્ટી પર આકરા  પ્રહાર કર્યા છે, તેમણે કહ્યુ કે ભાજપ દેશમાં અસલી ટુકડે-ટુકડે ગેંગ છે. સાથે જ બાદલે ખેડૂત આંદોલન દરમિયાન દેશને તોડવાનો પણ આરોપ લગાવ્યો છે.સુખબીર સિંહ બાદલે કહ્યુ કે ભાજપે રાષ્ટ્રીય એકતાને ટુકડામાં તોડી નાખી છે, શરમજનક રીતે મુસ્લિમો વિરૂદ્ધ હિન્દુઓને ઉકસાવ્યા છે અને હવે પોતાના શિખ ભાઇઓ વિરૂદ્ધ આવુ કરી રહી છે. ભાજપ દેશભક્તિ ધરાવતા પંજાબને સાંપ્રદાયિક આગમાં ધકેલી રહી છે.

 

સુખબીર સિંહ બાદલે આંદોલનમાં ખાલિસ્તાનીઓની હાજરીની અફવાઓને લઇને આક્રમક વલણ બતાવ્યુ હતું, તેમણે કહ્યુ હતું કે આ આંદોલનમાં કેટલીક વૃદ્ધ મહિલાઓ પણ સામેલ છે. શું તે ખાલિસ્તાની લાગે છે? આ દેશના ખેડૂતોને સંબોધિત કરવાની કોઇ રીત છે? આ ખેડૂતોનું અપમાન છે.

બાદલે કહ્યુ હતું કે તેમની હિમ્મત કેવી રીતે થઇ આપણા ખેડૂતોને દેશદ્રોહી કહેવાની? ભાજપ અથવા કોઇ અન્યને, ખેડૂતોને દેશદ્રોહી કહેવાનો હક કોને આપ્યો? ખેડૂતોએ પોતાનું પુરૂ જીવન દેશ માટે સમર્પિત કરી દીધુ અને તમે તેને દેશદ્રોહી કહી રહ્યા છો? જે તેમણે દેશદ્રોહી કહી રહ્યા છે, તે ખુદ દેશદ્રોહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે બાદલ પરિવાર તરફથી કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યુ હતું અને કેન્દ્રના નવા કાયદાને ખેડૂતો સાથે વિશ્વાસઘાત ગણાવ્યો હતો. માત્ર આટલુ જ નહી સુખબીર બાદલે અકાલી દળના NDAથી અલગ થવાની જાહેરાત કરતા પંજાબની ચૂંટણીમાં એકલા લડવાની વાત કહી હતી.

 

આ મહિને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના સીનિયર નેતા પ્રકાશ સિંહ બાદલે કૃષિ કાયદાના વિરોધમાં પોતાનું પદ્મ વિભૂષણ સમ્માન પરત કરી દીધુ છે, આ સિવાય અકાલી દળના નેતા સુખદેવ સિંહ ઢીંઢસા તમામ પોતાના પદ્મ ભૂષણ સમ્માન પરત કરવાની વાત કહી ચુક્યા છે. કૃષિ કાયદા પર ભાજપ અને અકાલી દળ આમને-સામને આવી ગયા છે.

(7:25 pm IST)