Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

બ્રિટનમાં એક કરોડ લોકો પર ટિયર-૩ શટડાઉન લાગુ

કોરોના વાયરસની સ્થિતિ વધુ ગંભીર બની : કોરોના વાયરસે નવા પ્રકારે ગતિ પકડી હોઈ લોકડાઉનની જાહેરાત કરાઈ, લંડનમાં બુધવારથી નિયમ લાગુ પડશે

લંડન, તા. ૧૫ : બ્રિટનમાં કોરોના વાયરસની મહામારીના કારણે સ્થિતિ વધુ ગંભીર થઈ રહી છે. ત્યાં દક્ષિણપૂર્વમાં રહેતા ૧ કરોડ લોકો પર ટિયર-૩ શટડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યાંના સ્વાસ્થ્યમંત્રીએ ચેતવણી આપતા કહ્યું છે કે કોરોના વાયરસનો આ નવો પ્રકાર હવે ગતિ પકડી રહ્યો છે. આ સાથે જ હવે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લંડનમાં આ નિયમ બુધવારે સવારથી લાગુ થશે. ત્યારબાદ ફરી એકવખત બિઝનેસ પર તેની અસર પડી શકે છે.

લંડન સિવાય હર્ટફોર્ડશાયર અને એસેક્સમાં પણ લોકડાઉન લાગુ કરાશે. આ સાથે જ દેશની ૬૦% વસ્તી પર પ્રતિબંધ લાગુ થશે. બ્રિટનમાં સોમવારે કોરોનાના ૨૦,૨૬૩ કેસ નોંધાયા જે ગત સોમવારની સરખામણીમાં વધુ છે. કોરોના વાયરસ સામેનું સૌથી મોટું હથિયાર ઝડપી કાર્યવાહી છે માટે રાહ જોવી જોઈએ નહીં. હજુ આગળ પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

હવે ત્યાં એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે ક્રિસમસના તહેવાર પર મિત્રો-સંબંધીઓને મળતા સાવધાની રાખવી જરૂરી છે. ત્યાંના સ્વાસ્થ્યમંત્રીએ એવો દાવો કર્યો છે કે વૈજ્ઞાનિકોને કોરોના વાયરસના 'નવા પ્રકાર' વિશે જાણવા મળ્યું છે. આ કારણે બ્રિટનમાં ઝડપી ગતિએ કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. પરંતુ, એવા સંકેત પણ મળી રહ્યા છે કે આ વધારે ઘાતક નથી. બ્રિટન એવો પહેલો દેશ બન્યો હતો કે જ્યાં ટ્રાયલની બહાર લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી. જે લોકોમાં કોરોના વાયરસનો વધુ ખતરો રહેલો છે તેઓને સૌપ્રથમ કોરોના વાયરસ વેક્સિન આપવામાં આવશે.

(7:31 pm IST)