Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્‍યમાં 3 થી 5 ડિગ્રી પારો ગગડશેઃ કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી

ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં કોલ્ડ વેવની ચોંકાવનારી આગાહી કરી છે. ત્રણ દિવસ ઠંડીનું જોર વધશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. ત્યારે નલિયામાં આજે સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયુ છે. રાજ્યમાં નલિયા 5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યુ હતું.

આ સાથે નલિયામાં 24 કલાકમાં બે ડિગ્રી જેટલો પારો ગગડ્યો છે. ભુજમાં 11.9 ડિગ્રી, વલસાડમાં 13 ડિગ્રી, કેશોદમાં 13.2 ડિગ્રી, કંડલામાં 13.1 અને ડીસામાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં 17.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં ત્રણથી પાંચ ડિગ્રી પારો ગગડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

(5:26 pm IST)