Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

બનાવટી દસ્‍તાવેજોના આધારે બાંગ્‍લાદેશીઓને ભારતમાં ઘુસાડી ગેરકાયદે વસવાટ માટે મદદ કરતી ટોળકીનો પર્દાફાશઃ મહારાષ્‍ટ્ર એન્‍ટી ટેરરિઝમ સ્‍કવોડે 8 શખ્‍સોની ધરપકડ કરી

મુંબઈ: બનાવટી દસ્તાવેજો તૈયાર કરી તેને આધારે બંગલાદેશીઓને ભારતમાં ઘુસાડી તેમના ગેરકાયદે વસવાટમાં કથિત રીતે મદદરૂપ થનારી ટોળકીની મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વૉડે (એટીએસ) ધરપકડ કરી હતી. એટીએસે ગેરકાયદે વસવાટ કરનારા બંગલાદેશીઓને પણ પકડી પાડ્યા હોઈ મોટા પ્રમાણમાં બોગસ દસ્તાવેજો જપ્ત કરવામાં સફળતા મેળવી હતી.

વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ અકરમ ખાન નામનો બંગલાદેશનો નાગરિક મુંબઈના શિવડી વિસ્તારમાં ગેરકાયદે વસવાટ કરતો હોવાની માહિતી એટીએસના કાલાચોકી યુનિટને મળી હતી. માહિતીને આધારે એટીએસની ટીમે ૨૯ નવેમ્બરે છટકું ગોઠવી ખાનને પકડી પાડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં તેનું નામ અકરમ નૂરનબી ઓલ્લાઉદ્દીન ખાન (૨૮) હોવાનું અને તે બંગલાદેશના નોવોખલી જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. કોઈ પણ માન્ય દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશેલા અકરમને વડાલામાં રહેતા નૂરનબી અને મુંબ્રા-કૌસા ખાતે રહેતા રફીક શેખે તેના નામના બનાવટી આધાર કાર્ડ, પેન કાર્ડ અને ભારતીય પાસપોર્ટ બનાવવામાં મદદ કરી હતી, એમ અકરમની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું.

આ પ્રકરણે એટીએસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજો બનાવવા પ્રકરણે મોહમ્મદ રફીક રેહમતુલ્લા સૈયદ (૪૨), ઈદ્રિસ મોહમ્મદ શેખ (૫૭), અવિન ગંગારામ કેદારે (૩૫) અને નીતિન રાજારામ નિકમ (૪૩)ની ધરપકડ કરી હતી. એ સિવાય ભારતમાં પ્રવેશી માન્ય દસ્તાવેજો વિના વસવાટ કરવા પ્રકરણે અકરમ નૂરનબી ઓલ્લાઉદ્દીન ખાન (૨૮), મોહમ્મદ સોહીલ અબ્દુલ સુભાન શેખ (૩૩), અબ્દુલ ખૈર સમસુલહક (૪૨), અબ્દુલ હાશમ ઉર્ફે અબ્દુલ કાશમ શેખ (૨૬)ની પણ ધરપકડ કરવામાં આવી હતી.

દસ્તાવેજો તૈયાર કરનારા અન્ય કેટલાક આરોપીની શોધ ચાલી રહી છે. આ ટોળકીએ ૮૫ બંગલાદેશીને બનાવટી ભારતીય પાસપોર્ટ બનાવવામાં મદદ કરી હોવાનો દાવો એટીએસના અધિકારીએ કર્યો હતો.

તપાસમાં જણાયું હતું કે આરોપી રફીક સૈયદ ૨૦૧૩થી બનાવટી પાસપોર્ટના એજન્ટ તરીકે કાર્યરત હતો. ગેરકાયદે વસવાટ કરતા બંગલાદેશીઓ માટે અનેક પાસપોર્ટ બનાવવામાં તેની સંડોવણી હોવાનું કહેવાય છે. તેણે ઓછામાં ઓછા ૮૫ બંગલાદેશીને બનાવટી ભારતીય ઓળખપત્રો અને પાસપોર્ટ પૂરા પાડ્યા હોવાનું તપાસમાં જણાયું હતું. મુંબ્રામાં રહેતા આરોપી ઈદ્રિસ શેખે બનાવટી સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અને બર્થ સર્ટિફિકેટ બનાવવામાં સક્રિય ભાગ ભજવ્યો હતો તો મુંબઈના એન્ટોપ હિલ ખાતે રહેતા અવિન કેદારે સંબંધિત બનાવટી દસ્તાવેજો માટે બનાવટી રબર સ્ટૅમ્પ્સ બનાવવામાં ઈદ્રિસને મદદ કરી હતી. નવી મુંબઈના તળોજામાં રહેતા નીતિન નિકમે બોગસ બૅન્ક પાસબુક્સ અને ઈલેક્શન કાર્ડ્સ પૂરાં પાડ્યાં હોવાનું અધિકારીએ ઉમેર્યું હતું.

આરોપીઓ પાસેથી ૯.૩૧ લાખ રૂપિયા, ૩૦ બંગલાદેશી ટકા જપ્ત કરવામાં આવ્યા હતા. તેમની પાસેથી બનાવટી આધાર કાર્ડ, પેન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, જન્મદાખલા, ઈલેક્શન કાર્ડ, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ સહિત મોટા પ્રમાણમાં બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા. એ સિવાય જપ્ત કરાયેલા આરોપીના મોબાઈલ ફોન્સની પણ તપાસ કરવામાં આવી રહી છે.

(5:25 pm IST)