Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

મફત વીજળી, વર્લ્ડ કલાસ સ્કૂલના મુદ્દે ૨૦૨૨માં યુપીની વિધાનસભા ચૂંટણી લડશે 'આપ'

યુપીની ચૂંટણીમાં હજુ એક વર્ષથી પણ વધુ સમય બાકી છે

નવી દિલ્હી, તા.૧૫: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મંગળવારે જાહેરાત કરી છે કે તેમનો પક્ષ ૨૦૨૨માં આવી રહેલી યુપીની વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે. એક પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે જણાવ્યું હતું કે યુપીમાં ના તો સારી સ્કૂલ છે કે ના તો લોકોને નિયમિત વીજળી મળે છે. તેવામાં આ જ તેમના પક્ષ માટે ચૂંટણીના મુખ્ય મુદ્દા રહેશે.

કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ૨૦૨૦માં દિલ્હીમાં ત્રીજીવાર સરકાર બનાવી છે. તેમનો પક્ષ ૭૦માંથી ૬૨ બેઠકો જીતીને પ્રચંડ બહુમતી સાથે ત્રીજીવાર સત્તામાં પરત ફર્યો હતો, અને આ ચૂંટણીમાં ભાજપને માત્ર આઠ બેઠકો મળી હતી જયારે કોંગ્રેસ પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહી હતી.

યુપીની ચૂંટણીમાં હજુ એક વર્ષથી પણ વધુ સમય બાકી છે. જોકે, તેની તૈયારીમાં અત્યારથી જ લાગી ગયેલા કેજરીવાલ મફત વીજળી, સારી સ્કૂલો અને હોસ્પિટલ્સના મુદ્દા પર વોટ માગશે તેમ મનાઈ રહ્યું છે. આ ઉપરાંત, તેમનો પક્ષ દિલ્હી મોડેલને પણ પોતાના પ્રચારમાં હાઈલાઈટ કરશે.

આપની સ્થાપના થઈ ત્યારે જ પક્ષ દ્વારા ૨૦૧૨માં યુપીમાં પણ સક્રિય યુનિટ સ્થાપવામાં આવ્યું હતું. કેજરીવાલે ૨૦૧૪ની ચૂંટણીમાં પીએમ મોદી સામે વારાણસી બેઠક પર ચૂંટણી પણ લડી હતી. તેઓ ચૂંટણી હાર્યા હતા, પરંતુ મોદી બાદ તેમને સૌથી વધુ મત મળ્યા હતા. ૨૦૧૭માં યુપીની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપ સામે પ્રચાર કર્યો હતો, પરંતુ પોતે ચૂંટણી લડવાનું ટાળ્યું હતું.

(3:30 pm IST)