Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સાત અબજોપતિ કે જેમણે કોરોનામાં પણ કમાણી કરી

કોરોનાકાળમાં અનેક લોકોના વેપાર ધંધા પડી ભાગ્યા : મુકેશ અંબાણી, અદાણી, પૂનાવાલા, શિવ નાદર, પ્રેમજી દમાણી અને સાંઘવીની સંપતિમાં ભારે વધારો થયો છે

નવી દિલ્હી,તા.૧૫: આ વર્ષે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, સાયરસ પૂનાવાલા, શિવ નાદર, અજીમ પ્રેમજી, રાધાકિશન દમાણી અને દિલીપ સાંઘવીની સંપત્તિમાં ભારે વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૧૮.૧ અબજ ડોલરનો વધારો થયો છે. હાલમાં તેમની પાસે ૭૬.૭ અબજ ડોલરની સંપત્તિ છે જે ગયા વર્ષના અંતમાં ૫૮.૬ અબજ ડોલરની હતી. ચાલો જાણીએ આ વર્ષે કયા કરોડપતિની સંપત્તિમાં કેટલો વધારો થયો છે. ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૧૮.૧ અબજ ડોલરનો વધારો થયો છે. હાલમાં તેમની પાસે ૭૬.૭ અબજ ડોલરની સંપત્તિ છે જે ગયા વર્ષના અંતમાં ૫૮.૬ અબજ ડોલરની હતી. અંબાણીની કંપની તેલ અને ગેસ, ટેલિકોમ અને રિટેલ ક્ષેત્રમાં છે. અંબાણીની કમાણીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મહત્વની ભૂમિકા ભજવી હતી. શુક્રવારે દેશની સૌથી મૂલ્યવાન કંપનીનું માર્કેટ વેલ્યુ ૧૩.૫૬ લાખ કરોડ રૂપિય હતી જે ગયા વર્ષે ૩૧ ડિસેમ્બરના રોજ ૯.૫૯ લાખ કરોડ રૂપિયા હતી. અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીની સંપત્તિ આ વર્ષે સૌથી વધુ વધી છે. અદાણીની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૨૧.૧ અબજ ડોલરનો વધારો થયો છે. તેમની સંપત્તિ હાલમાં ૩૨.૪ અબજ ડોલર છે, જે ગયા વર્ષના અંતમાં ૧૧.૩ અબજ ડોલર હતી. તેના જૂથનો વ્યવસાય ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલ છે. જેમાં રિન્યૂએબલ એનર્જી, પોર્ટ, ટર્મિનલ્સ અને લોજિસ્ટિક્સ શામેલ છે. અદાણીની કમાણીમાં અદાણી ગ્રીન એનર્જીના શેરની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આ સમયગાળા દરમિયાન તેમાં ૫૨૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો. શુક્રવારે કંપનીનું માર્કેટ કેપ રૂ. ૧.૬૩ લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું. જે ગયા વર્ષે ૩૧ ડિસેમ્બરના રોજ ૨૬,૦૪૦ કરોડ રૂપિયા હતી. આ સમયગાળા દરમિયાન અદાણી ગેસના શેરમાં ૧૨૦ ટકાનો વધારો, અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં ૧૧૬ ટકા અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં ૨૮ ટકાનો વધારો થયો છે.

ભારતના વેકસીન કિંગ તરીકે જાણીતા સાયરસ પૂનાવાલાની સંપત્તિ આ વર્ષે ૬.૯૧ અબજ ડોલર વધીને ૧૫.૬ અબજ ડોલર થઈ છે. તેમની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક છે. કોરોના સામે વિશ્વવ્યાપી ઘણી રસીઓ બનાવવામાં આવી રહી છે અને ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. એશિયાની ત્રીજા ક્રમની સૌથી મોટા આઇટી એક્સપોર્ટર એચસીએલ ટેક્નોલોજીસના વડા શિવ નાદરની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૬.૨૩ અબજ ડોલરનો વધારો થયો છે. હાલમાં તેની પાસે ૨૨ અબજ ડોલરની સંપત્તિ છે. કોવિડ -૧૯ રોગચાળાએ કંપનીઓના કામકાજને અસર કરી છે, જેના કારણે આઇટી સોલ્યુશન્સની માંગ વધી છે. આ વર્ષે એચસીએલ ટેક્નોલોજીસનો શેર ૫૨ ટકા જેટલો વધી ગયો છે. આઇટી કંપની વિપ્રોની અઝીમ પ્રેમજીની સંપત્તિ આ વર્ષે ૫.૨૬ અબજ ડોલર વધીને ૨૩.૬ અબજ ડોલર થઈ છે.

 આ વર્ષે વિપ્રોના શેરમાં અત્યાર સુધીમાં ૪૩.૮૨ ટકાનો ઉછાળો આવ્યો છે. કોવિડ -૧૯ રોગચાળાએ કંપનીઓના કામકાજને અસર કરી છે, જેના કારણે આઇટી સોલ્યુશન્સની માંગમાં વધારો થાય છે. જાણીતા રોકાણકાર અને હાયપરમાર્કેટ ચેઇન ડી માર્ટના માલિક રાધાકિશન દમાની સંપત્તિ આ વર્ષે ૪.૭૧ અબજ ડોલર વધીને ૧૪.૪ અબજ ડોલર થઈ છે. આ વર્ષે ડી-માર્ટનો શેર ૪૦.૭૭ ટકા વધી ગયો છે. સ્ટોક પ્લેયર અને એવન્યુ સુપરમાર્ટ્સના સ્થાપક રાધાકિશન દમાણી આ વર્ષે થોડા સમય માટે અંબાણી પછી દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. વિશાળ ફાર્મા કંપની સન ફાર્માના માલિક દિલીપ સંઘવીની સંપત્તિ ૯.૬૯ અબજ ડોલર પર પહોંચી ગઈ છે, જે આ વર્ષે અત્યાર સુધીમાં ૨.૨૩ અબજ ડોલરનો વધારો છે. આ વર્ષે સન ફાર્મામાં ૩૧ ટકાનો વધારો થયો છે. બીએસઈ સેન્સેક્સ આ વર્ષે અત્યાર સુધીમાં ૧૧.૫ ટકા ઉપર વધી ચૂક્યો છે.

(3:03 pm IST)