Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

કિસાનોના અનશન અને દેશભરમાં પ્રદર્શન વચ્ચે મંત્રણાની તૈયારીમાં સરકાર

નરેન્દ્ર તોમરે ખેડૂતોને મનાવવાની રણનીતિ ઘડવા અમિત શાહ સાથે કરી મુલાકાત

નવી દિલ્હી તા. ૧પઃ કૃષિ કાનૂનો વિરૂધ્ધ દિલ્હીની બોર્ડર પર ૧૯ દિવસથી ચાલતા આંદોલને સોમવારે દેશવ્યાપી સ્વરૂપ ધારણ કર્યું તો સરકારે ખેડૂતોને મનાવવા માટે આગલા તબક્કાની મીટીંગની તૈયારીનો સંકેત આપ્યો. કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે કહ્યું કે ૧૦ વધુ સંગઠનો સરકારને સાથ આપે છે. અમે કૃષિ કાનૂનોની દરેક કલમ પર વાતચીત કરવા તૈયાર છીએ. વાતચીત માટેની નવી તારીખ બહુ જલ્દી નક્કી કરવામાં આવશે.

નરેન્દ્ર તોમરે ખેડૂતોને મનાવવાની રણનીતિ ઘડવા માટે સોમવારે ફરીથી ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. શાહના ઘરે બન્ને પ્રધાનો વચ્ચે આગામી રણનીતિ બાબતે ચર્ચા થઇ. તોમરે કહ્યું કે સરકાર કોઇપણ સમયે ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે. તેમણે કહ્યુ઼ં કે ખેડૂતો સાથે વાર્તાલાપની આગામી તારીખ નક્કી કરવા સરકાર તેમના સંપર્કમાં છે. સરકાર ગમે ત્યારે વાતચીત કરવા તૈયાર છે, ખેડૂત નેતાઓએ નક્કી કરવાનું છે કે તેઓ આગામી મીટીંગ કયારે કરવા માંગે છે.

તો, ટિકરી બોર્ડર પર ભારતીય કિસાન યુનિયન (હરિયાણા) ના પ્રમુખ ગુરનામસિંહ ચઢનીએ કહ્યું કે સરકાર એમએસપીના નામ પર ગુમરાહ કરી રહી છે. ભાજપા બધે કહે છે કે એમએસપી આપવામાં આવશે. સરકારના પ્રધાનો પણ બધે આવું જ કહે છે પણ ગૃહપ્રધાન અમિત શાહે ૮ ડીસેમ્બરની મીટીંગમાં ચોખ્ખું કહ્યું હતું કે, સરકાર બધા ર૩ પાકોને એમએસપી પર ન ખરીદી શકે કેમ કે તેમાં ૧૭ લાખ કરોડનો ખર્ચ આવે છે.

ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે અત્યાર સુધીમાં થયેલ પાંચ તબક્કાની વાતચીત નિષ્ફળ રહી છે. ખેડૂત સંગઠનોએ દાવો કર્યો છે કે દેશભરમાં અનેક જીલ્લા હેડકર્વાર્ટરો પર પ્રદર્શનો પણ આયોજીત કરાયા છે.

(3:02 pm IST)